Surat

કરોડોના કૌભાંડ બાદ સુરતના ખજોદના કચરાના ઢગલામાં ભીષણ આગ, 10 ફાયર ફાઈટર ઘટનાસ્થળે

By GS Team
1 Nov 20263 mins read
TukuTouch Logo
સુરત પાલિકાના ખજોદ કચરા નિકાલ પ્રોજેક્ટમાં કરોડોના કૌભાંડ બાદ પણ વિવાદો અટકતા નથી. કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાને બદલે બારોબાર ઠાલવતા, એજન્સીના એક્સટેન્શનના અંતે ફરી ભીષણ આગ ભભૂકી ઉઠી. 52 દિવસમાં 2 વખત આગ લાગ્યા બાદ ફરી સર્જાયેલી ઘટનામાં 10 થી વધુ ફાયર ફાઈટરો દોડાવવા પડ્યા. હોટફિક્સનો ઔદ્યોગિક કચરો સાઇટ પર કેવી રીતે પહોંચ્યો તે પણ સવાલ બન્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કરોડોના કૌભાંડ બાદ સુરતના ખજોદના કચરાના ઢગલામાં ભીષણ આગ, 10 ફાયર ફાઈટર ઘટનાસ્થળે

Surat Khajod News : સુરત પાલિકાના ખજોદ કચરા નિકાલ પ્રોજેક્ટમાં કરોડો રૂપિયાનું કૌભાંડ બહાર આવ્યા બાદ પણ વિવાદોનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી. કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાને બદલે બારોબાર અન્ય સ્થળે ઠાલવવાના કૌભાંડમાં સપડાયેલી એજન્સીને અપાયેલું 10 મહિનાનું એક્સટેન્શન પૂરું થવાના ટાણે જ ખજોદના કચરામાં ફરી ભીષણ આગ ભભૂકી ઊઠી છે.

અગાઉ ૫૨ દિવસમાં બે વખત આગ લાગ્યા બાદ ફરી સર્જાયેલી ઘટનામાં અડધો કિલોમીટર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાતાં 10 થી વધુ ફાયર ફાઇટર દોડાવવાની ફરજ પડી હતી. આશ્ચર્યની વાત એ છે કે પાલિકાની સાઇટ પર હોટફિક્સનો ઔદ્યોગિક અને જોખમી કચરો કેવી રીતે પહોંચ્યો તે અંગે પણ ગંભીર સવાલો ઊભા થયા છે.   

surat Khajod.jpg

સુરત શહેરમાંથી રોજેરોજ નીકળતા આશરે 2500 મેટ્રિક ટન કચરાના નિકાલની કામગીરી વાપીની સી.ડી. ટ્રાન્સપોર્ટ એજન્સીને સોંપવામાં આવી હતી. ખજોદ ખાતે કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાને બદલે મહુવાના કાંકરિયા ખાતે બારોબાર ઠાલવવામાં આવતો હોવાનો પર્દાફાશ થયો હતો. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ કરોડો રૂપિયાના કચરા કૌભાંડનો વિવાદ સર્જાયો હતો.

જોકે, આ કૌભાંડની તપાસ આગળ વધવાને બદલે ઠંડી પડી ગઈ હોવાના આક્ષેપો વચ્ચે પાલિકાએ નવા કોન્ટ્રાક્ટર નહીં મળતાં જૂની એજન્સીને જ વધુ 10 મહિના કામગીરી સોંપી હતી.પાલિકાનો 213 કરોડ રૂપિયાનો મૂળ કોન્ટ્રાક્ટ પૂરો થયા બાદ આપવામાં આવેલું આ એક્સટેન્શન પણ નવેમ્બર માસમાં પૂર્ણ થવાનું છે. આમ છતાં ખજોદની સાઇટ પરથી કચરાના ઢગલા ખાલી થવાનું નામ લેતા નથી.

બીજી તરફ સમયાંતરે આગ લાગવાની ઘટનાઓ પણ અટકતી નથી. અગાઉ માત્ર ૫૨ દિવસના ગાળામાં બે વખત આગ લાગી હતી, ત્યારે હવે ફરી આગ ભભૂકતાં કચરાના નિકાલની કામગીરી અને સાઇટ પરની સલામતી વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા છે.ખજોદ ખાતે આગ લાગ્યાની જાણ થતાં ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

આગની તીવ્રતા અને ધુમાડાનું પ્રમાણ વધુ હોવાથી 10 થી વધુ ફાયર ફાઇટરની મદદથી પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. જોકે, કચરાના ઢગલાની અંદર સુધી આગ પ્રસરી હોવાની શક્યતાને પગલે માત્ર ઉપરથી પાણી છાંટવાને બદલે જેસીબી મશીનથી કચરો ઉલેચીને અંદરના ભાગમાં પણ પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો, જેથી આગ ફરી ભભૂકી ન ઊઠે.આ ઘટનામાં હોટફિક્સનો કચરો સળગ્યો હોવાની વિગતો સામે આવતાં વધુ એક ગંભીર પ્રશ્ન ઊભો થયો છે. ઔદ્યોગિક અને જોખમી ગણાતો આવો કચરો પાલિકાની ખજોદ સાઇટ પર કોણે ઠાલવ્યો અને તેની દેખરેખ રાખવાની જવાબદારી કોની હતી તે તપાસનો વિષય બન્યો છે. સામાન્ય કચરાના નિકાલ માટેની સાઇટ પર આવો કચરો પહોંચતો હોય તો પાલિકાની દેખરેખ કેટલી અસરકારક છે તે અંગે પણ સવાલો ઊઠી રહ્યા છે.

ખજોદ કચરાની આગથી શહેરની હવા પ્રદૂષિત, લોકોના આરોગ્ય સામે જોખમ
સુરત પાલિકાની ખજોદ ડમ્પિંગ સાઇટ પર વારંવાર લાગતી આગ હવે આસપાસના વિસ્તારોના લોકોના આરોગ્ય માટે પણ ચિંતાનો વિષય બની રહી છે. સાઇટ પર એકઠા થયેલા લાખો ટન કચરાના ઢગલામાં આગ લાગતાં નીકળતા ધુમાડાના કારણે શહેરની હવા પ્રદૂષિત થઈ રહી હોવાની ફરિયાદ ઊઠી છે. આગના કારણે હવામાં પ્રદૂષણનું પ્રમાણ વધવાની સાથે એર ક્વોલિટી ઇન્ડેક્સ (એક્યુઆઈ)માં પણ વધારો થઈ રહ્યો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરાયો છે. ખાસ કરીને કચરાના ધુમાડાથી આસપાસના રહીશોના આરોગ્ય પર વિપરીત અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. વારંવાર આગ લાગવા છતાં પ્રદૂષણ અટકાવવા કાયમી વ્યવસ્થા નહીં કરાતી હોવા સામે પણ સવાલો ઊભા થયા છે.