સુરતમાં પોલીસ ચોકીમાં મિસ ફાયરિંગ: PSI ગન સાફ કરતા હતા ને ગોળી છૂટી સામે ઉભેલા યુવકની આરપાર નીકળી!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat News: સુરત શહેરના કાપોદ્રા પોલીસ સ્ટેશન હેઠળ આવતી નાના વરાછા પોલીસ ચોકીમાં શનિવારે(22 ઓગસ્ટ) ચોંકાવનારી અને ગંભીર ઘટના બની છે. જેમાં નાના વરાછા પોલીસ ચોકીમાં ફરજ પર હાજર PSI પી.એસ. મકવાણા પોતાની સર્વિસ રિવોલ્વર સાફ કરી રહ્યા હતા, ત્યારે અચાનક તેમાંથી ગોળી છૂટી ગઈ હતી. આ ગોળી સામે ઉભેલા એક યુવકના શરીરની સોંસરી આરપાર નીકળી જતાં ભારે સનસનાટી મચી ગઈ છે.
બંદૂક સાફ કરતી વખતે થયો મિસફાયર
પ્રાપ્ત વિગતો મુજબ, નાના વરાછા પોલીસ ચોકી ખાતે PSI પી.એસ. મકવાણા પોતાની બંદૂક સાફ કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક અચાનક ટ્રિગર દબાઈ જતાં બંદૂકમાંથી ગોળી છૂટી ગઈ હતી. જેમાં ચોકીની સામે ઉભેલા એક લારી ચલાવતા અરવિંદ પટેલને ગોળી વાગી હતી. ગોળી એટલી તીવ્ર ઝડપે વાગી કે વ્યક્તિના શરીરની આરપાર નીકળી ગઈ હતી.
ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા
પોલીસ ચોકીની અંદર જ પોતાની પિસ્તોલમાંથી મિસફાયર થતાં જ ચોકીમાં હાજર અન્ય કર્મચારીઓમાં સન્નાટો વ્યાપી ગયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
બીજી તરફ, ઘટનાની જાણ થતાં જ સુરત શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો નાના વરાછા ચોકી ખાતે દોડી આવ્યો હતો. ઘટનાને પગલે DCP આલોક કુમારે સ્થળ પર પહોંચીને વધુ માહિતી મેળવી હતી. DCPએ જણાવ્યું હતું કે, હોસ્પિટલના મેડિકો-લીગલ કેસ(MLC) રિપોર્ટ અને ડૉક્ટરના અભિપ્રાય બાદ બેદરકારી સહિતની કલમ હેઠળ ગુનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરાશે.









