સુરતમાં એક તરફ જળ સંચયના બોરવેલના ખાત મુર્હૂત, બીજી તરફ ટ્રીટેડ પાણીની લાઈનનું ભંગાણ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat News : સુરત પાલિકા દ્વારા એક તરફ વરસાદી પાણીનો સંગ્રહ કરી ભૂગર્ભ જળસ્તર વધારવા માટે લાખો રૂપિયાના ખર્ચે ગ્રાઉન્ડ વોટર રિચાર્જ બોરવેલ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે બીજી તરફ લોકોના ઘર સુધી ટ્રીટ કરેલું પાણી પહોંચાડતી લાઈનો જ વારંવાર તૂટી રહી છે. પાલ ચાર રસ્તા પર પાણીની લાઈન વારંવાર તૂટવાના કારણે હજારો લીટર પાણી રસ્તા પર વહી જતું હોવાની સાથે રિપેરિંગ માટે રસ્તો ખોદાતા મોટો ખાડો પડી ગયો છે. જળ સંચયના કાર્યક્રમો વચ્ચે પીવાલાયક પાણીના બગાડની આ સ્થિતિ પાલિકાની કામગીરી સામે સવાલ ઊભા કરી રહી છે.
‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત સાઉથ ઝોન-એ (ઉધના)માં 151 સ્થળોએ ગ્રાઉન્ડ વોટર રિચાર્જ બોરવેલ બનાવવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે. વરસાદી પાણી જમીનમાં ઉતારી ભૂગર્ભ જળસ્તર વધારવાનો આ પ્રયાસ છે. એક તરફ પાણીના એક-એક ટીપાને જમીનમાં ઉતારવા માટે બોરવેલ બનાવવામાં આવી રહ્યા છે, ત્યારે બીજી તરફ ટ્રીટ કરેલું પાણી લોકોના ઘર સુધી પહોંચે તે પહેલાં જ રસ્તા પર વહી જાય તેવી સ્થિતિ સર્જાતી હોવાના કારણે પાણી વ્યવસ્થાપન અંગે ચર્ચા ઊઠી છે. પાલ ચાર રસ્તા પર સ્થાનિકોના જણાવ્યા મુજબ પાણીની લાઈન દર 8 દિવસે તૂટી જાય છે. લાઈન તૂટે ત્યારે પાલિકા દ્વારા રિપેરિંગ કરવામાં આવે છે, પરંતુ થોડા દિવસ બાદ ફરી ભંગાણ પડતું હોવાનો આક્ષેપ છે. વારંવારના ભંગાણને કારણે હજારો લીટર પાણીનો બગાડ થાય છે. સાથે જ દરેક વખતે રિપેરિંગ માટે રસ્તો ખોદવામાં આવતાં રસ્તાની હાલત પણ કથળી રહી છે.
ખાસ કરીને ચાર રસ્તાના ટર્નિંગ પાસે જ મોટો ખાડો પડી ગયો છે. આ સ્થળથી આગળ ટ્રાફિક સિગ્નલ હોવાથી સતત વાહનવ્યવહાર રહે છે. ટર્નિંગ લેતા વાહનચાલકો માટે ખાડો જોખમી બન્યો છે અને અકસ્માત સર્જાવાની ભીતિ ઊભી થઈ છે. સ્થિતિ ગંભીર હોવા છતાં સ્થાનિકોએ અકસ્માત ટાળવા માટે પોતાની રીતે બેરિકેડ મૂકવાની ફરજ પડી છે. પાણીની લાઈન વારંવાર તૂટી રહી હોવા છતાં અત્યાર સુધી કાયમી ઉકેલ આવ્યો નથી. સ્થાનિકોનો સવાલ છે કે જો લાઈનનું રિપેરિંગ કર્યાના થોડા જ દિવસમાં ફરી ભંગાણ પડે છે તો માત્ર પેચવર્ક કરવાને બદલે લાઈનની ક્ષમતા, જૂની લાઈન, જોડાણો અને કામગીરીની ગુણવત્તાની તપાસ કેમ કરવામાં આવતી નથી. વારંવાર રિપેરિંગ પાછળ થતો ખર્ચ અને પાણીના બગાડ બંને અટકાવવા માટે કાયમી કામગીરી જરૂરી છે તેવી લોકોની માંગણી છે. એક તરફ જળ સંચય માટે નવા બોરવેલ બનાવાઈ રહ્યા છે અને પાણી બચાવવાનો સંદેશ આપવામાં આવી રહ્યો છે, ત્યારે બીજી તરફ પાલિકાની જ પાણીની લાઈનમાંથી પાણી રસ્તા પર વહી જાય તેવી સ્થિતિ લાંબા સમય સુધી રહે તે વિરોધાભાસી બાબત છે.
કોન્ટ્રાક્ટરની કામગીરીની પણ તપાસ જરૂરી
સ્થાનિકોની માંગ છે કે હવે પાલિકાના અધિકારીઓએ માત્ર ફરિયાદના આધારે રિપેરિંગ કરાવવાને બદલે સ્થળ પર હાજર રહી સમગ્ર લાઈનની સ્થિતિની તપાસ કરવી જોઈએ. વારંવાર ભંગાણ પડતું હોય તો સંબંધિત કોન્ટ્રાક્ટરની કામગીરીની પણ તપાસ કરી જવાબદારી નક્કી કરવી જોઈએ. લાઈનનું કાયમી સમારકામ કર્યા બાદ ખોદાયેલો રસ્તો પણ યોગ્ય રીતે પૂર્વવત કરવામાં આવે તો વાહનચાલકોને પડતી હાલાકી અને અકસ્માતનું જોખમ ઘટાડી શકાય.




