Surat

સુરતમાં ગણેશ વિસર્જનના દિવસે શિક્ષકો માટે સરકારી ‘ફરમાન’ : બસ સેવા બંધ, રસ્તા પર બેરીકેટ છતાં શિક્ષકોને શાળાએ પહોંચવાનો આદેશ

By GS Team
24 Sep 20263 mins read
TukuTouch Logo
સુરતમાં ગણેશ વિસર્જનના દિવસે રસ્તા બંધ અને બસ સેવા રદ હોવા છતાં, શિક્ષણ તંત્રએ શિક્ષકોને 25 સપ્ટેમ્બરે ‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ શ્રમદાન માટે શાળાએ હાજર રહેવાનો આદેશ કર્યો છે. વાહનવ્યવહારની કોઈ વ્યવસ્થા ન હોવાથી શિક્ષકોમાં ભારે નારાજગી છે. આદેશ કાગળ પર જ રહેશે કે શિક્ષકો માટે વૈકલ્પિક વ્યવસ્થા થશે તે પ્રશ્ન ઉભો થયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરતમાં ગણેશ વિસર્જનના દિવસે શિક્ષકો માટે સરકારી ‘ફરમાન’ : બસ સેવા બંધ, રસ્તા પર બેરીકેટ છતાં શિક્ષકોને શાળાએ પહોંચવાનો આદેશ

Surat News : ગણેશ વિસર્જનના દિવસે શહેરના રસ્તા બંધ, ટ્રાફિક પર બેરિકેડિંગ અને પાલિકાની બસ સેવા પણ બંધ રાખવાનો નિર્ણય હોવા છતાં શિક્ષણ તંત્રએ જાણે આ વાસ્તવિકતા સાથે કોઈ લેવાદેવા ન હોય તેમ શિક્ષકોને શાળાએ હાજર રહી શ્રમદાન કરવાનો આદેશ કરી દીધો છે. 25 સપ્ટેમ્બરે ‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ તમામ શાળાઓમાં સ્વચ્છતા અભિયાન યોજવા ફરજ પાડવામાં આવી છે. શિક્ષકો શાળાએ પહોંચશે કેવી રીતે તેની વ્યવહારુ વ્યવસ્થા કર્યા વિના આદેશ કરાતા શિક્ષકોમાં ભારે નારાજગી છે.

1.JPG


એટલું જ નહીં, NGO અને સ્થાનિક આગેવાનોને જોડવા તથા કાર્યક્રમના ફોટા-વિડિયો સોશિયલ મીડિયા પર મૂકવાની સૂચના પણ આપવામાં આવી છે. બસ સેવા બંધ, રસ્તા બંધ અને વાહનવ્યવહાર પર નિયંત્રણ હોવા છતાં શિક્ષકો શાળાએ કેવી રીતે પહોંચશે તેની કોઈ વ્યવસ્થા કર્યા વિના માત્ર સરકારી ફતવો ઝીંકી દેવાયો છે, ત્યારે શિક્ષકોની હાજરીનો આદેશ કાગળ પર જ અમલમાં રહેશે કે શિક્ષકો માટે સરકાર આકાશમાર્ગની પણ વ્યવસ્થા કરશે? તે અંગે અનેક અટકળો થઈ રહી છે. સુરત શિક્ષણ સમિતિના શિક્ષકો પહેલેથી જ વિવિધ બિનશૈક્ષણિક કામગીરીના ભાર નીચે દબાઈ રહ્યા છે ત્યારે સરકારના વધુ એક આદેશે શિક્ષકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. શિક્ષકોનું મુખ્ય કામ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનું હોવા છતાં વારંવાર વિવિધ સરકારી અભિયાન અને અન્ય કામગીરીમાં જોડી દેવામાં આવતા શિક્ષકોની શૈક્ષણિક કામગીરી પર પણ અસર થતી હોવાની ચર્ચા છે.
હવે ‘સેવા સંકલ્પ અભિયાન’ના નામે ગણેશ વિસર્જનના દિવસે પણ શ્રમદાનની જવાબદારી સોંપાતા શિક્ષકોની વધુ એક રજા બિન શૈક્ષણિક કામગીરીમાં જવાની સ્થિતિ ઊભી થઈ છે. શિક્ષણ સમિતિ દ્વારા શાળાઓને મોકલવામાં આવેલા પરિપત્રમાં 25 સપ્ટેમ્બરે શાળા અને શાળાની આસપાસના વિસ્તારમાં સક્રિય રીતે શ્રમદાન કરીને સ્વચ્છતા અભિયાન હાથ ધરવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. આ કામગીરીની તકેદારી અને દેખરેખ રાખવા પણ તમામ સંબંધિત અધિકારીઓને જણાવાયું છે. એટલે કે આ માત્ર અભિયાન પૂરતું આયોજન નહીં પરંતુ તેનો અમલ થાય તેની જવાબદારી પણ શિક્ષણ તંત્ર પર મૂકવામાં આવી છે.
પરિપત્રમાં સ્થાનિક કક્ષાના આગેવાનો અને NGOને આમંત્રિત કરીને અભિયાનમાં જોડવા જણાવાયું છે. સાથે કાર્યક્રમના ઉચ્ચ ગુણવત્તાવાળા ફોટોગ્રાફ્સ અને વીડિયો સંબંધિત વિભાગના અધિકૃત સોશિયલ મીડિયા હેન્ડલ્સ તેમજ અધિકારી-કર્મચારીઓના વ્યક્તિગત સોશિયલ મીડિયા એકાઉન્ટ પર યોગ્ય હેશટેગ સાથે શેર કરવા પણ સૂચના આપવામાં આવી છે. જેના કારણે શિક્ષકોમાં એવી ચર્ચા છે કે શિક્ષણના મૂળ હેતુ કરતાં હવે વિવિધ અભિયાન ની કામગીરી અને તેનો સોશિયલ મીડિયા પ્રચાર પણ શિક્ષકોની ફરજનો હિસ્સો બની રહ્યો છે.
ગણેશ વિસર્જનના દિવસે શહેરના અનેક રસ્તા બંધ અને બેરિકેડિંગ વચ્ચે પાલિકાની બસ સેવા પણ સંપૂર્ણ બંધ રહેવાની છે. આવા સંજોગોમાં શહેરના કોઈપણ ખૂણેથી શાળાએ આવવાના શિક્ષકો પોતાની શાળાએ પહોંચશે કેવી રીતે તેની સરકાર કે શિક્ષણ તંત્રએ વિચાર કર્યો નથી અને વગર વિચાર્યે પરિપત્ર જાહેર કરી દીધો છે. કોઈ વિકલ્પ નહીં અને અનેક માર્ગો પર વાહનવ્યવહાર નિયંત્રિત હોય ત્યારે રિક્ષા કે ખાનગી વાહનથી પણ શાળાએ પહોંચવું મુશ્કેલ બનવાની સ્થિતિ છે. છતાં વ્યવહારૂ પરિવહન વ્યવસ્થા કર્યા વિના માત્ર આદેશ કરીને શિક્ષકોની હાજરી ફરજિયાત કરાતા શિક્ષકોમાં સવાલ ઉઠી રહ્યો છે કે શિક્ષકોને શાળાએ પહોંચવાની વ્યવસ્થા કર્યા વગર હાજરીનો આદેશ કેવી રીતે અમલમાં મૂકવામાં આવશે? આવી સ્થિતિને કારણે શિક્ષકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.