સુરતમાં વોર્ડ ઓફિસની બાજુમાં જ કચરાનો ઢગલો: મોર્નિંગ વોકર્સને દુર્ગંધની ભેટ, મોરાભાગળથી રામનગર વોક-વે સુધી ઉપદ્રવ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Corporation : સુરત મહાનગરપાલિકા શહેરને સ્વચ્છ બનાવવાના દાવા કરી રહી છે, પરંતુ સફાઈની જવાબદારી સંભાળતા રામનગર વોર્ડ ઓફિસની બાજુમાં જ કચરાના ઢગલા સડી રહ્યા છે. મોરાભાગળથી રામનગર વોક-વે સુધી વરસાદમાં ભીંજાયેલી કચરો અસહ્ય દુર્ગંધ ફેલાવી રહ્યો છે, જેના કારણે સ્થાનિકો અને મોર્નિંગ વોક કરવા આવતા પરેશાન બન્યા છે. સૌથી મોટી વાત એ છે કે આરોગ્ય વિભાગ હેઠળ આવતી વોર્ડ કચેરીની આસપાસ જ આવી સ્થિતિ જોવા મળતા સ્વચ્છતાના દાવા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. સુરતમાં ભારે વરસાદ બાદ સફાઈ કામગીરી જોરશોરમાં કરવામાં આવી રહી છે અને સફાઈ કામગીરી માઈક્રો લેવલે કરવામાં આવી રહ્યાના દાવા કરવામાં આવી રહ્યા છે તો બીજી તરફ શહેરના કેટલાક વિસ્તારમાં ગંદકી અને સફાઈ યોગ્ય રીતે થતી ન હોવાની ફરિયાદ બહાર આવી રહી છે.

સફાઈ ની જવાબદારી સંભાળતા રામનગર વોર્ડ ઓફિસની બાજુમાં જ કચરાના ઢગલા સડી રહ્યા છે, જેના કારણે સ્વચ્છતાના દાવા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. મોરાભાગળથી પાલનપોર મશાલ સર્કલ સુધીના વોક-વે પર વરસાદમાં ભીંજાયેલો કચરો અસહ્ય દુર્ગંધ ફેલાવી રહ્યો છે, જેના કારણે મોર્નિંગ વોક માટે આવતા લોકો તેમજ આસપાસની રહેણાંક સોસાયટીના રહેવાસીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ સમગ્ર વોક-વેની આસપાસ મોટી સંખ્યામાં શાકભાજીના ફેરિયાઓ રસ્તા પર જ દબાણ કરીને બેસી જાય છે. પરિણામે વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડે છે અને અનેક વખત વાહનોની લાંબી કતારો પણ સર્જાય છે.
સ્થાનિકોનું કહેવું છે કે દબાણ દૂર કરવાની કામગીરી માત્ર કાગળ પર જ મર્યાદિત રહી છે, જ્યારે વાસ્તવમાં રસ્તાઓ પર દબાણ સતત વધી રહ્યું છે. સૌથી ગંભીર બાબત એ છે કે શાકભાજી વેચનારા વધેલું અને સડી ગયેલું શાકભાજી તેમજ અન્ય જૈવિક કચરો સીધો વોક-વે અને તેની આસપાસ ફેંકી દેતા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. વરસાદના કારણે આ કચરો સડી જતા અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે અને માખી-મચ્છરનો ઉપદ્રવ પણ વધી રહ્યો છે. જેના કારણે રહેણાંક વિસ્તારમાં રહેતા લોકોના આરોગ્ય સામે જોખમ ઊભું થયું છે.વિડંબના એ છે કે આરોગ્ય વિભાગ હેઠળ આવતી રામનગર વોર્ડ કચેરીની બાજુમાં જ આવી સ્થિતિ જોવા મળી રહી છે. જો વોર્ડ ઓફિસની આસપાસ જ સફાઈ જળવાતી ન હોય, તો શહેરના અન્ય વિસ્તારોની સ્થિતિ કેવી હશે તેવો સવાલ સ્થાનિકો ઉઠાવી રહ્યા છે. સ્થાનિકોએ મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓને સમગ્ર મામલે તપાસ કરાવી જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે કાર્યવાહી કરવાની તેમજ વોક-વે પરથી દબાણ દૂર કરી કચરાનો નિયમિત નિકાલ કરવાની માંગ કરી છે.









