ચાર માળની મંજૂરી, બિલ્ડરે ચણી દીધા છ માળ : સુરત પાલિકાના વરાછા ઝોનમાં 6 ટાવરના વધારાના બે માળ પર પાલિકાનો હથોડો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat News : સુરતના વરાછા વિસ્તારમાં મંજૂર પ્લાનની ચાર માળની મર્યાદા વટાવી છ માળ ઊભા કરી દેવાની બિલ્ડરની મનમાની આખરે ભારે પડી છે. ટી.પી. સ્કીમ નં. 4 (અશ્વિનીકુમાર-નવાગામ)માં છ ટાવરમાં મંજૂર પ્લાન વિરુદ્ધ ચણાયેલા બે વધારાના માળ અંગે પાલિકાએ અગાઉ નોટિસ અને મનાઈ હુકમ આપ્યા હતા, છતાં બાંધકામ દૂર કરવામાં આવ્યું નહોતું. પરિણામે મધ્યસ્થ શહેરી વિકાસ વિભાગે આજે સવારથી જ ડિમોલીશનની કાર્યવાહી શરૂ કરી છ ટાવરના ગેરકાયદે વધારાના બાંધકામ પર હથોડા ઝીંક્યા હતા.

પાલિકાના મધ્યસ્થ શહેરી વિકાસ વિભાગના ડેપ્યુટી ટાઉન પ્લાનર ના જણાવ્યા મુજબ, ટી.પી. સ્કીમ નં. 4(અશ્વિનીકુમાર-નવાગામ)માં રેવન્યુ સર્વે નં.1440માં આવેલી છ ઈમારતો માટે ગ્રાઉન્ડ ફ્લોર સહિત ચાર માળના બાંધકામની મંજૂરી આપવામાં આવી હતી. જોકે, મંજૂર પ્લાનની મર્યાદા કરતાં વધુ બાંધકામ કરીને બિલ્ડરે તમામ છ ટાવરમાં બે વધારાના માળ ચણી દીધા હતા. આ ગેરકાયદે બાંધકામ ધ્યાને આવતાં પાલિકા દ્વારા ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ-1949ની કલમ 260(1)(અ) હેઠળ તા.13 એપ્રિલ,2026ના રોજ નોટિસ આપવામાં આવી હતી.
ત્યારબાદ બાંધકામ અંગે મનાઈ હુકમ પણ કરવામાં આવ્યો હતો. તેમ છતાં બાંધકામ દૂર ન કરાતાં પાલિકાએ કલમ 260(2) હેઠળ તા.13 જુલાઈ, 2026ના રોજ વધુ કાર્યવાહી હાથ ધરવાનો હુકમ કર્યો હતો. દરમિયાન પાલિકા દ્વારા અંતિમ તબક્કાની નોટિસ આપી ગેરકાયદે બાંધકામના ડિમોલીશન માટે મિલકતમાં પ્રવેશ કરવાની જાણ કરવામાં આવી હતી. નોટિસમાં તા. 7 સપ્ટેમ્બર,2026 ના રોજ સવારે 9 વાગ્યાથી ડિમોલીશનની કામગીરી શરૂ કરવામાં આવશે અને કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી પાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ, મજૂરો તથા સાધન સામગ્રી સાથે મિલકતમાં પ્રવેશ કરવાની સત્તા હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
આજે સવારે નક્કી કરેલા સમયથી જ મધ્યસ્થ શહેરી વિકાસ વિભાગની ટીમે સ્થળ પર પહોંચી ડિમોલિશનની કામગીરી શરૂ કરી હતી. છ ટાવરમાં મંજૂર ચાર માળથી ઉપર ચણાયેલા બે વધારાના માળના બાંધકામને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પાલિકાના જણાવ્યા મુજબ, આ છ ટાવરમાં અંદાજે 1800 ચોરસ ફૂટ જેટલું વધારાનું બાંધકામ કરવામાં આવ્યું હતું.નોટિસ, મનાઈ હુકમ અને ત્યારબાદ આદેશ છતાં ગેરકાયદે બાંધકામ દૂર ન થતાં પાલિકાએ અંતે સીધી ડિમોલિશન કાર્યવાહી કરી હતી. એક સાથે છ ટાવરમાં હાથ ધરાયેલી કાર્યવાહીને પગલે આસપાસના વિસ્તારમાં પણ ચર્ચા જાગી હતી. મંજૂર પ્લાન વિરુદ્ધ વધારાનું બાંધકામ કરનાર અન્ય બિલ્ડરો સામે પણ તંત્ર હવે આવી જ કડક કાર્યવાહી કરશે કે કેમ તેના પર નજર રહેશે.




