Surat

સુરત પાલિકાના ભરતી ઇતિહાસમાં પ્રથમ વખત એકસાથે 8 રાજ્યોના ઉમેદવારો પરીક્ષા આપશે : 717 જગ્યા માટે 1.16 લાખ ઉમેદવારોની કસોટી

By GS Team
9 Oct 20262 mins read
TukuTouch Logo
સુરત પાલિકાની 717 ક્લાર્ક જગ્યાઓ માટે રવિવારે 1.16 લાખ ઉમેદવારો પરીક્ષા આપશે. સુરત, અમદાવાદ અને રાજકોટના 400 કેન્દ્રો પર આ પરીક્ષા યોજાશે, જેમાં સુરતમાં 80 હજાર ઉમેદવારો માટે 250 કેન્દ્રો તૈયાર કરાયા છે. આઠ રાજ્યોના ઉમેદવારોની દાવેદારી સાથે, 100 પ્રશ્નોની 2 કલાકની આ પરીક્ષા માટે પાલિકા તંત્ર સજ્જ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરત પાલિકાના ભરતી ઇતિહાસમાં પ્રથમ વખત એકસાથે 8 રાજ્યોના ઉમેદવારો પરીક્ષા આપશે : 717 જગ્યા માટે 1.16 લાખ ઉમેદવારોની કસોટી

Surat Corporation : સુરત પાલિકાની અત્યાર સુધીની સૌથી મોટી ભરતી પરીક્ષાની ઘડીઓ ગણાય રહી છે. ત્રીજી શ્રેણી ક્લાર્કની માત્ર 717 જગ્યા સામે અધધધ 1.16 લાખ ઉમેદવારો રવિવારે પરીક્ષા આપશે. સુરત, અમદાવાદ અને રાજકોટમાં એકસાથે 400 કેન્દ્રો પર યોજાનારી પરીક્ષા માટે સુરતમાં જ 80 હજાર ઉમેદવારો માટે 250 કેન્દ્રો તૈયાર કરાયા છે. આઠ રાજ્યોના ઉમેદવારોની દાવેદારીથી પરીક્ષાનો વ્યાપ કેટલો મોટો છે તેનો અંદાજ આવે છે. બે કલાકની પરીક્ષામાં 100 પ્રશ્નો સાથે ઉમેદવારોની કસોટી થશે, જ્યારે આટલી મોટી સંખ્યામાં પરીક્ષાર્થીઓને સંભાળવા પાલિકા તંત્ર દ્વારા સ્ટાફ અને સુપરવાઈઝરની ગોઠવણી સહિતની તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી છે. પાલિકામાં વિવિધ સંવર્ગોની 2500થી વધુ જગ્યાઓ પર સીધી ભરતી માટે છેલ્લા છ મહિનાથી પ્રક્રિયા ચાલી રહી છે. 11 માર્ચ, 2026ના રોજ પાલિકા તંત્ર દ્વારા ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. ભરતી માટે બે લાખથી વધુ ઉમેદવારોએ વિવિધ જગ્યાઓ માટે ઓનલાઇન દાવેદારી નોંધાવી હતી. હવે આ ભરતી પ્રક્રિયાના મહત્વના તબક્કા તરીકે ત્રીજી શ્રેણી ક્લાર્કની પરીક્ષા યોજાઈ રહી છે.
ક્લાર્કની 717 જગ્યાઓ માટે ઓનલાઇન અરજીઓની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષાર્થીઓની સંખ્યા વધુ હોવાથી માત્ર સુરતમાં પરીક્ષા લેવાને બદલે અમદાવાદ અને રાજકોટમાં પણ કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. ત્રણેય શહેરોમાં કુલ 400 કેન્દ્રો પર બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેમાં સુરતમાં આશરે 250 કેન્દ્રો પર 80 હજાર ઉમેદવારો પરીક્ષા આપશે. પરીક્ષામાં બે કલાકનો સમય આપવામાં આવશે અને 100 વૈકલ્પિક પ્રશ્નોનું પ્રશ્નપત્ર રહેશે. મોટી સંખ્યામાં ઉમેદવારો એકસાથે પરીક્ષા આપવાના હોવાથી પરીક્ષા કેન્દ્રો પર કોઈ ગેરવહીવટ ન થાય અને સમગ્ર પ્રક્રિયા સુચારૂ રીતે પૂર્ણ થાય તે માટે પાલિકા તંત્ર દ્વારા અલગ અલગ સ્તરે વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. કેન્દ્રો પર જરૂરી સ્ટાફ, સુપરવાઇઝર અને અન્ય કર્મચારીઓની ફાળવણીની કામગીરી પણ ચાલી રહી છે.
પાલિકાના ભરતી ઇતિહાસમાં પ્રથમ વખત એક જ સંવર્ગની પરીક્ષા માટે ત્રણ શહેરોમાં આટલી મોટી સંખ્યામાં કેન્દ્રો ઊભાં કરવામાં આવ્યા છે. દેશના આઠ રાજ્યોમાંથી ઉમેદવારોએ ક્લાર્કની જગ્યાઓ માટે અરજી કરી હોવાથી પરીક્ષાનું આયોજન માત્ર સુરત પૂરતું મર્યાદિત રહ્યું નથી. ઉમેદવારોની મોટી સંખ્યા અને કેન્દ્રોની વ્યાપક વ્યવસ્થાને પગલે રવિવારની પરીક્ષા પાલિકા તંત્રની આયોજન ક્ષમતાની પણ કસોટી બની રહેશે.