મુંબઈથી પાટણ દર્શન માટે જતા શ્રદ્ધાળુઓની કાર ડમ્પર સાથે ટકરાઈ, સુરતના કામરેજ નજીક એક્સપ્રેસ-વે પર 4ના મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Road Accident: સુરત જિલ્લામાંથી પસાર થતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર કામરેજ નજીક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. રોડ પર ઊભેલા ડમ્પર પાછળ પૂરઝડપે આવી રહેલી કાર ધડાકાભેર ઘૂસી જતાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ દુર્ઘટનામાં કારમાં સવાર 4 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા.

એર પ્રેશરની સમસ્યાને લીધે ડમ્પર રસ્તા પર ઊભું હતું
મળતી માહિતી અનુસાર, ડમ્પરમાં અચાનક એર પ્રેશરની તકનીકી સમસ્યા સર્જાતાં ચાલકે ડમ્પરને એક્સપ્રેસ વે પર જ ઊભું રાખી દીધું હતું. આ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી કારના ચાલકે કાબૂ ગુમાવતાં કાર ઊભેલા ડમ્પરની પાછળ જોરદાર ધડાકા સાથે ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને તેમાં સવાર 4 લોકોના મોત થયા હતા.
અકસ્માતના કારણે એક્સપ્રેસ વે પર થોડા સમય માટે વાહનવ્યવહાર ખોરવાયો હતો અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. બનાવની જાણ થતાં જ કામરેજ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહોને બહાર કાઢી પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી તેમજ વાહનવ્યવહાર પૂર્વવત કરાવી અકસ્માત અંગે આગળની કાર્યવાહી શરૂ કરી છે.

મૃતકોમાં કોણ કોણ સામેલ?
મૃતકોમાં રાજીવ જીતેન્દ્ર જૈન, જ્યંતી ચુનીલાલ દોશી, પ્રવીણ નેનીચંદ્ર જૈન અને અન્ય એકની ઓળખ હજુ કરવાની બાકી છે. આ તમામ લોકો મહારાષ્ટ્રના રહેવાશી હોવાની જાણકારી સામે આવી છે. માહિતી અનુસાર કારમાં સવાર લોકો મુંબઈથી પાટણ શંખેશ્વરાયજીના દર્શન કરવા નીકળ્યા હતા. ત્યારે સુરતના કામરેજ પહોંચતા ઘાટવા ગામની સરહદમાં આ અકસ્માત સર્જાયો હતો.




