Surat

મોબાઇલમાં અચાનક ગુંજ્યો 'Extremely Severe Alert', સુરતીઓમાં ચિંતા અને ચર્ચાનો માહોલ

By GS Team
23 Jul 20263 mins read
TukuTouch Logo
સુરત સહિત ગુજરાતના 11 જિલ્લામાં ગુરુવારે બપોરે લાખો મોબાઈલ પર અચાનક 'Extremely Severe Alert' નો મેસેજ ફ્લેશ થતાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો. SDMA દ્વારા આગામી 24 કલાકમાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ હતી. આ ઇમરજન્સી એલર્ટથી શહેરભરમાં ચર્ચા જાગી, અને સોશિયલ મીડિયા પર સ્ક્રીનશોટ વાયરલ થયા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

મોબાઇલમાં અચાનક ગુંજ્યો 'Extremely Severe Alert', સુરતીઓમાં ચિંતા અને ચર્ચાનો માહોલ

Surat: છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ, ખાડીપુર અને પાણી ભરાવાની આફતનો સામનો કરી રહેલા સુરતીઓ માટે ગુરુવારે બપોરે મોબાઇલમાં અચાનક ગુંજેલા 'Extremely Severe Alert'એ ચિંતા વધારી દીધી હતી. લાખો મોબાઇલ પર એકસાથે ફ્લેશ થયેલા આ ઇમરજન્સી એલર્ટ અને તેની તીવ્ર ટોને લોકોને ક્ષણભર માટે ગભરાવી દીધા હતા. બાદમાં SDMA દ્વારા આગામી 24 કલાક માટે અતિભારે વરસાદની ચેતવણી હોવાનું જાણવા મળતાં શહેરભરમાં આ એલર્ટ ચર્ચાનો વિષય બન્યો હતો. સોશિયલ મીડિયામાં તેના સ્ક્રીનશોટ વાયરલ થયા હતા, જ્યારે લોકો એકબીજાને ફોન કરીને પણ આ સંદેશ વિશે પૂછપરછ કરતા જોવા મળ્યા હતા.

ગુરુવારે બપોરે સુરત સહિત ગુજરાતના 11 જિલ્લા માં અચાનક હજારો નહીં પરંતુ લાખો મોબાઇલ ફોન પર એકસાથે આ ઈમરજન્સી એલર્ટ પહોંચતા લોકોમાં થોડા સમય માટે આશ્ચર્ય અને ગભરાટનો માહોલ સર્જાયો હતો. સામાન્ય SMS થી અલગ આ સેલ બ્રોડકાસ્ટ એલર્ટ સીધું મોબાઇલની સ્ક્રીન પર મોટા પોપ-અપ સ્વરૂપે દેખાયું હતું અને તેની સાથે ખાસ ઇમરજન્સી એલર્ટ ટોન પણ વાગી હતી. પરિણામે ઘણા લોકોને શરૂઆતમાં કોઈ મોટી કુદરતી આપત્તિ કે અન્ય ગંભીર ઘટના બની હોવાની શંકા થઈ હતી.

રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (SDMA) દ્વારા મોકલાયેલા આ એલર્ટમાં સુરત, ભરૂચ, નર્મદા, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં આગામી 24 કલાક દરમિયાન છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. સાથે જ લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવા અને સ્થાનિક વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી હતી.

સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસેલા ભારે વરસાદ અને ખાડીઓમાં આવેલા પૂરના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. અનેક પરિવારો હજુ પણ આ સ્થિતિમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં ફરી એકવાર અતિભારે વરસાદની ચેતવણી મળતાં લોકોમાં ચિંતા વધી હતી. .

શહેરભરમાં આ એલર્ટ દિવસનો સૌથી વધુ ચર્ચાતો વિષય બન્યો હતો. ઓફિસ, બજાર, વેપારી સંસ્થા, રહેણાંક સોસાયટીઓ તેમજ જાહેર સ્થળોએ લોકો પોતાના મોબાઇલમાં આવેલો સંદેશ એકબીજાને બતાવતા જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર પણ આ એલર્ટના સ્ક્રીનશોટ અને વિડિયો ઝડપથી વાયરલ થયા હતા. અનેક લોકોએ પ્રથમ વખત પોતાના ફોનમાં આવો ઈમરજન્સી એલર્ટ અનુભવ્યો હોવાનું જણાવ્યું હતું.

વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ આ પ્રકારનું સેલ બ્રોડકાસ્ટ ઈમરજન્સી એલર્ટ આપત્તિ પહેલાં નાગરિકોને ઝડપથી અને એક સાથે ચેતવણી પહોંચાડવાની અસરકારક વ્યવસ્થા છે. સામાન્ય SMSની સરખામણીએ આ એલર્ટ મોબાઇલ સ્ક્રીન પર તરત જ દેખાય છે અને તેના માટે અલગ એલર્ટ ટોન પણ વાગે છે, જેથી સંદેશ લોકોને ધ્યાનમાં તરત આવે.

તંત્રે લોકોને અફવાઓથી દૂર રહેવા, માત્ર સત્તાવાર સૂચના પર વિશ્વાસ રાખવા, નદી-ખાડી અને પાણી ભરાયેલા વિસ્તારમાં જવાનું ટાળવા તેમજ જરૂરિયાત સિવાય ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે. ભારે વરસાદ અને ખાડીપુરની ભીતિ વચ્ચે મોબાઇલમાં ગુંજેલા 'Extremely Severe Alert'એ સુરતીઓને ફરી એકવાર યાદ અપાવ્યું છે કે આગામી કલાકો દરમિયાન સંપૂર્ણ સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે.