Surat

સુરત પાલિકાની સીધી ભરતીમાં હવે માજી સૈનિકોને અનામત મળશે

By GS Team
12 Aug 20262 mins read
TukuTouch Logo
સુરત મહાનગરપાલિકામાં માજી સૈનિકોને સીધી ભરતીમાં અનામતનો લાભ આપવા પ્રક્રિયા શરૂ થઈ છે. રાજ્ય સરકારની 2018ની નીતિ મુજબ, વર્ગ-1, 2, 3 અને 4ની જગ્યાઓમાં અનુક્રમે 1%, 10% અને 20% અનામતનો અમલ કરાશે. હાઈકોર્ટના નિર્દેશ બાદ સુરત પાલિકાએ આ દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરી છે, જેનાથી આગામી ભરતીમાં માજી સૈનિકોને ફાયદો થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરત પાલિકાની સીધી ભરતીમાં હવે માજી સૈનિકોને અનામત મળશે

Surat Corporation : સુરત મહાનગરપાલિકામાં વર્ષોથી સીધી ભરતીથી કાયમી નોકરી મેળવવાની રાહ જોતા માજી સૈનિકો માટે મહત્વનો નિર્ણય લેવાની પ્રક્રિયા શરૂ થઈ છે. રાજ્ય સરકારની સીધી ભરતીમાં માજી સૈનિકોને આપવામાં આવતી અનામતનો લાભ શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પણ મળે તે માટે સરકારે સ્પષ્ટ નીતિ જાહેર કર્યા બાદ હવે સુરત પાલિકાએ પણ આ દિશામાં પગલાં ભર્યાં છે. અત્યાર સુધી પાલિકામાં માજી સૈનિકો માટે અલગથી અનામતની જોગવાઈ અમલમાં ન હોવાનું જણાયા બાદ હવે રાજ્ય સરકારના નિયમનો ચુસ્તપણે અમલ કરવાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે.
ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગે તા.22 જાન્યુઆરી, 2018ના નોટિફિકેશન મુજબ માજી સૈનિકો માટે સીધી ભરતીમાં અનામતની જોગવાઈ કરી હતી. તેના મુજબ વર્ગ-1 અને વર્ગ-2ની જગ્યાઓમાં 1 ટકા, વર્ગ-3ની જગ્યાઓમાં 10 ટકા તથા વર્ગ-4ની જગ્યાઓમાં 20 ટકા જગ્યા માજી સૈનિકો માટે અનામત રાખવાની જોગવાઈ છે.
રાજ્યની વિવિધ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં આ નીતિનો યોગ્ય રીતે અમલ ન થતો હોવાની રજૂઆત ઉપરાંત હાઇકોર્ટમાં થયેલા પ્રકરણ બાદ આ મુદ્દો વધુ ગંભીર બન્યો હતો. જેના પગલે રાજ્ય સરકારે શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને પણ 2018ના નોટિફિકેશનની જોગવાઈઓનો ચુસ્તપણે અમલ કરવા જણાવ્યું છે. આ સંદર્ભે ઠરાવના આધારે સુરત પાલિકામાં સીધી ભરતીથી ભરવાની થતી તમામ કાયમી જગ્યામાં માજી સૈનિક અનામતનો અમલ કરવાની દરખાસ્ત કરવામાં આવી છે.
દરખાસ્તમાં રાજ્ય સરકાર દ્વારા ભવિષ્યમાં માજી સૈનિક અનામત અંગે કોઈ ફેરફાર, નવી સૂચના કે સુધારો કરવામાં આવે તો તેનો પણ પાલિકામાં અમલ થાય તે માટે મ્યુનિસિપલ કમિશનરને અધિકૃત કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આ દરખાસ્ત સ્થાયી સમિતિ મારફતે સામાન્ય સભા સમક્ષ રજૂ કરવામાં આવશે. સામાન્ય સભાને મંજૂરી બાદ પાલિકાની આગામી સીધી ભરતી પ્રક્રિયામાં માજી સૈનિકોને રાજ્ય સરકારની નીતિ મુજબ અનામતનો લાભ મળવાનો માર્ગ મોકળો થશે.