ગણેશોત્સવના કારણે સાત સમંદર પાર ગુજરાતીઓએ સર્જ્યું 'મિની ગુજરાત' : લેસ્ટરમાં 550 અને લંડનમાં 101 ગણેશજીની સ્થાપના
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ganeshotsav Special : દેશ બદલાયો છે, પરંતુ ગુજરાતીઓની પરંપરા બદલાઈ નથી. સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી સાત સમંદર પાર જઈને લંડન, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં વસેલા ગુજરાતીઓએ પોતાની ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાને વિદેશની ધરતી પર પણ જીવંત રાખી છે. ગણેશોત્સવના પર્વે આ દેશોના વિવિધ શહેરોમાં ‘ગણપતિ બાપ્પા મોરિયા’ના જયઘોષ ગુંજી રહ્યા છે અને અનેક સ્થળોએ ભારતીયો તથા ખાસ કરીને ગુજરાતીઓ દ્વારા ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. ગણેશોત્સવના પર્વે લંડનના વિવિધ વિસ્તારોમાં દક્ષિણ ગુજરાતીઓના અલગ અલગ સમાજ અને સંગઠનો દ્વારા ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે તેથી મીની ગુજરાત જેવો માહોલ સર્જાયો છે. યુકેમાં ગણેશોત્સવની સૌથી વધુ ધામધૂમ લેસ્ટર અને લંડનમાં જોવા મળી રહી છે.

આ વર્ષે લેસ્ટરમાં નાના-મોટા મળી 550 જેટલા ઈકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. જેમાં 350 ગણેશજીની સ્થાપના 24 કલાક માટે, 100 ગણેશજીની ત્રણ દિવસ માટે, 98 ગણેશજીની પાંચ દિવસ માટે જ્યારે બે ગણેશજીની સ્થાપના અનંત ચૌદસ સુધી કરવામાં આવી છે. લંડનમાં પણ વિવિધ સમાજ અને પરિવારો દ્વારા 101 ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. લંડન ઉપરાંત બર્મિંગહામ, વુલ્વરહેમ્પ્ટન, પીટરબરો, લોફબરો, માન્ચેસ્ટર, બ્રેડફોર્ડ, ચેમ્સફોર્ડ અને લૂટન સહિતના શહેરોમાં પણ ગણેશોત્સવની ઉજવણી થઈ રહી છે. સ્કોટલેન્ડમાં પણ ભારતીય સમાજ દ્વારા બાપ્પાની સ્થાપના કરવામાં આવી છે.
ગણેશજીની સ્થાપના સાથે પૂજા, આરતી, પ્રસાદ અને સામૂહિક કાર્યક્રમો યોજાતા હોવાથી વિદેશમાં રહેતા ભારતીય પરિવારો એકબીજાના સંપર્કમાં આવી તહેવારની ખુશી વહેંચી રહ્યા છે. લંડનમાં દક્ષિણ ગુજરાતના વિવિધ સમાજો દ્વારા અલગ અલગ સ્થળે ગણેશોત્સવનું આયોજન કરવામાં આવે છે. કોળી પટેલ સમાજ, બારિયા સમાજ, સાગર સમાજ, માંગેલા સમાજ, સોરઠી સમાજ, કાપડી સમાજ, બારી સમાજ સહિતના વિવિધ સમાજો ગણેશજીની સ્થાપના કરે છે. ખાસ વાત એ છે કે એક સમાજ દ્વારા આયોજિત ગણેશોત્સવમાં માત્ર તે જ સમાજના લોકો નહીં પરંતુ અન્ય સમાજના લોકો પણ જોડાય છે. જેના કારણે અલગ અલગ સમાજ વચ્ચે એકતાનો માહોલ સર્જાય છે અને વિદેશની ધરતી પર પણ ગુજરાતના તહેવાર જેવી રોનક જોવા મળે છે.
મૂળ નવસારીના અને હાલ ગ્લોસ્ટરમાં રહેતા કેવલ કાપડીએ જણાવ્યું હતું કે અલગ અલગ વિસ્તારમાં રહેતા સમાજના આશરે 18 પરિવારો ગણેશોત્સવ દરમિયાન એક સ્થળે ભેગા થાય છે. ત્રણ દિવસ માટે ગણેશજીની સ્થાપના કરી પૂજા-આરતી કરવામાં આવે છે. ગણેશજીની પ્રતિમા ભારતથી લંડનના વેમ્બલી ખાતે આવે છે અને ત્યાંથી પ્રતિમા લઈ જઈ સ્થાપના કરવામાં આવે છે. પર્યાવરણની કાળજી રાખીને વિસર્જન માટે ખાસ પાણીની ટાંકીનો ઉપયોગ કરવામાં આવે છે. તહેવારના દિવસોમાં સમાજના પરિવારો સાથે મળીને ભારતની જેમ જ ગણેશોત્સવ ઉજવે છે.યુકેની જેમ કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં પણ ગણેશોત્સવની ઉજવણી થઈ રહી છે. વિદેશમાં જન્મેલી નવી પેઢી પણ માતા-પિતા સાથે ગણેશજીની પૂજા અને આરતીમાં જોડાઈ રહી છે. જેના કારણે ગણેશોત્સવ માત્ર ધાર્મિક પર્વ નહીં પરંતુ વિદેશમાં ભારતીય સંસ્કૃતિ અને ગુજરાતી પરંપરાને જીવંત રાખવાનું માધ્યમ પણ બની રહ્યો છે.




