Surat

સુરતના બ્રિજ પર કચરાપેટી છતાં ધાર્મિક કચરાના જાહેરમાં ઢગલાં : રસ્તા, બ્રિજ અને તાપી નદીના કિનારા બદસૂરત

By GS Team
17 Nov 20262 mins read
TukuTouch Logo
દિવાળી બાદ સુરતમાં રસ્તા, બ્રિજ અને તાપી નદી કિનારે ધાર્મિક કચરાના ઢગ જોવા મળ્યા છે. પાલિકાએ જાગૃતિ અને ઢગલા માટે કચરાપેટીઓ મૂકી હોવા છતાં, લોકો ફૂલહાર, પૂજાસામગ્રી જાહેરમાં ફેંકી રહ્યા છે. કોઝવેના ઉપરવાસમાં પણ કચરો ઠાલવાતા જળ પ્રદૂષણનું જોખમ વધ્યું છે. નાગરિકોની બેદરકારી પર્યાવરણ માટે ચિંતાજનક છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરતના બ્રિજ પર કચરાપેટી છતાં ધાર્મિક કચરાના જાહેરમાં ઢગલાં : રસ્તા, બ્રિજ અને તાપી નદીના કિનારા બદસૂરત

Surat News : દિવાળી અને ધાર્મિક ઉત્સવોની ઉજવણી બાદ સુરતના રસ્તા, બ્રિજ અને તાપી નદીના કિનારે ધાર્મિક કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. ધાર્મિક કચરાના યોગ્ય નિકાલ માટે સુરત પાલિકા દ્વારા જાગૃતિ ફેલાવવાની સાથે તાપી નદી પરના બ્રિજ પર ખાસ કચરાપેટીઓ પણ મૂકવામાં આવી છે, તેમ છતાં લોકો ફૂલહાર, પૂજાસામગ્રી અને અન્ય ધાર્મિક કચરો જાહેરમાં ફેંકી રહ્યા છે. સ્થિતિ એટલી ગંભીર છે કે કોઝવેના ઉપરવાસમાં પણ ધાર્મિક કચરો ઠાલવવામાં આવી રહ્યો છે. નદીમાં સીધો કચરો પહોંચવાથી જળ પ્રદૂષણ નું જોખમ વધી રહ્યું છે. ધાર્મિક આસ્થા જાળવવાની સાથે પર્યાવરણ અને જાહેર સ્વચ્છતાની જવાબદારી નિભાવવાની જરૂરિયાત વચ્ચે નાગરિકોની બેદરકારી સામે આવી રહી છે. દિવાળી દરમિયાન ઘરમાં પૂજા-અર્ચના, લક્ષ્મી પૂજન સહિતના ધાર્મિક પ્રસંગો બાદ ફુલહાર, શ્રીફળ, પૂજાની સામગ્રી અને અન્ય ધાર્મિક વસ્તુઓનો મોટો જથ્થો કચરા સ્વરૂપે બહાર આવે છે. આ ઉપરાંત વિવિધ ધાર્મિક ઉત્સવો અને પૂજાવિધિ બાદ પણ ધાર્મિક સામગ્રીનો નિકાલ કરવામાં આવે છે. આવી સામગ્રીનો યોગ્ય નિકાલ કરવાને બદલે અનેક લોકો રસ્તાની બાજુમાં, બ્રિજ પરથી અથવા નદી કિનારે ફેંકી દેતા હોવાથી જાહેર સ્થળોએ ગંદકીના ઢગલા થઈ રહ્યા છે. ખાસ કરીને તાપી નદી પરના બ્રિજ પર ધાર્મિક કચરો ન ફેંકવા અને તેનો યોગ્ય નિકાલ થાય તે હેતુથી પાલિકા દ્વારા કચરાપેટીઓ મૂકવામાં આવી છે. લોકોને ધાર્મિક કચરો કચરાપેટીમાં જ નાખવા અપીલ પણ કરવામાં આવે છે. તેમ છતાં કચરાપેટીનો ઉપયોગ કરવાને બદલે બ્રિજ પર અને તેની આસપાસ ધાર્મિક કચરો ફેંકવાની પ્રવૃત્તિ અટકી નથી. પરિણામે બ્રિજ પરથી પસાર થતા લોકો અને વાહનચાલકોને પણ ગંદકીનો સામનો કરવો પડે છે.બીજી તરફ, કોઝવેના ઉપરવાસમાં પણ ધાર્મિક કચરો ફેંકવામાં આવતો હોવાથી ચિંતા વધી છે. નદીના પાણીની આસપાસ ફેંકવામાં આવતી પૂજા સામગ્રી અને અન્ય કચરો પાણીમાં ભળી જવાની સાથે નદીના પટમાં પણ એકત્રિત થાય છે. તાપી નદી શહેરના પાણીના મુખ્ય સ્ત્રોત પૈકીનું એક હોવાથી નદીની સ્વચ્છતા જાળવવી અત્યંત જરૂરી છે. આવી સ્થિતિમાં ધાર્મિક કચરાના બેફામ નિકાલથી જળ પ્રદૂષણની સમસ્યા ઊભી થવાની ભીતિ છે.પાલિકા દ્વારા ધાર્મિક કચરાના અલગ નિકાલ માટે જાગૃતિ ફેલાવવા ની સાથે કચરાપેટીઓ મૂકવા જેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ માત્ર વ્યવસ્થા ઉભી કરવાથી સમસ્યાનો ઉકેલ આવે તેમ નથી. નાગરિકો પણ ધાર્મિક આસ્થા સાથે જાહેર સ્વચ્છતા અને પર્યાવરણ પ્રત્યેની પોતાની જવાબદારી સમજે તે જરૂરી છે. ધાર્મિક સામગ્રી નો યોગ્ય નિકાલ કરવામાં આવે તો તાપી નદી સહિત જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવામાં મદદ મળી શકે છે.