સુરતમાં ભેળસેળિયા ખાદ્ય પદાર્થો સામે નવી પહેલની માંગ : ભેળસેળ અટકાવવા દરેક ઝોનમાં ‘મોબાઈલ ફૂડ ટેસ્ટ લેબ’ની માંગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Food Safety : સ્વાદની નગરી એવા સુરત શહેરમાં ભેળસેળિયા અને નકલી ખાદ્ય પદાર્થોનો કારોબાર ચિંતાજનક રીતે વધી રહ્યો છે. નકલી ઘી, પનીર, તેલ સહિતની ખાદ્ય ચીજોના કિસ્સાઓ સમયાંતરે સામે આવી રહ્યા છે ત્યારે ભેળસેળના આ દૂષણ સામે માત્ર દરોડા અને કાર્યવાહી પૂરતી નહીં, પરંતુ સામાન્ય નાગરિકને પોતાના ખોરાકની ગુણવત્તા જાતે ચકાસી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવાની માંગ ઉઠી છે. પાલિકાના વિપક્ષના કોર્પોરેટરે પાલિકા સમક્ષ શહેરના દરેક ઝોનમાં આધુનિક સુવિધાઓથી સજ્જ ‘મોબાઈલ ફૂડ ટેસ્ટ લેબોરેટરી’ શરૂ કરવાની રજૂઆત કરી છે.
ખાણીપીણી માટે પ્રખ્યાત સુરત શહેરમાં છેલ્લા કેટલાક વખતથી ખાણી પીણીમાં ભેળસેળ બહાર આવી રહી છે. જેના કારણે લોકોના આરોગ્ય સામે પ્રશ્ન ઉભો થયો છે. આવી સ્થિતિમાં વિપક્ષી કોર્પેરેટરે દરેક ઝોનમાં ઓછામાં ઓછી એક મોબાઈલ ફૂડ ટેસ્ટ લેબોરેટરી શરૂ કરી તેને રોજ અલગ-અલગ નિર્ધારિત સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવે. આ લેબમાં આધુનિક ટેકનિકલ સુવિધાઓ ઉપલબ્ધ હોય અને સામાન્ય નાગરિક પણ નજીવા દરે પોતાની પાસેની ખાદ્ય ચીજ, કાચો માલ કે તૈયાર ખોરાકની પ્રાથમિક તપાસ કરાવી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી રજૂઆત કરી છે.

ખાદ્ય પદાર્થ ખાવા યોગ્ય છે કે નહીં તેની સરળતાથી ચકાસણી થઈ શકે તો નાગરિકો ભેળસેળિયા ખોરાકથી સાવચેત બની શકે અને પરિવારના આરોગ્યને પણ સુરક્ષિત રાખી શકે તેવી રજૂઆતમાં જણાવાયું છે. સાથે જ ભેળસેળના કારણે થતી ગંભીર બીમારીઓ અને તેના પગલે પરિવારો પર પડતા આર્થિક બોજને પણ અટકાવી શકાય તેમ હોવાનું જણાવાયું છે. ભેળસેળિયા ખાદ્ય પદાર્થોના કિસ્સામાં પાલિકા દ્વારા અવારનવાર તપાસ અને કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ તેની સાથે નાગરિકોની સીધી ભાગીદારી વધે તે માટે ટેસ્ટિંગ સુવિધા તેમના સુધી પહોંચાડવી પણ જરૂરી છે. દરેક ઝોનમાં મોબાઈલ લેબ શરૂ કરવામાં આવે તો લોકો માટે ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અંગે જાગૃત થવાની સાથે ભેળસેળ સામે સક્રિય બનવાનો માર્ગ પણ સરળ બની શકે છે. નાગરિકોના આરોગ્યને કેન્દ્રમાં રાખીને પાલિકાએ આ અંગે ગંભીરતા પૂર્વક આયોજન કરી વહેલી તકે અમલ કરવો જોઈએ તેવી માંગ વિપક્ષના કોર્પોરેટર ધર્મેશ ભંડીરીએ કરવામાં આવી છે.









