સુરત પાલિકાના અશ્વિનીકુમાર M-3 પાર્કિંગમાં કોન્ટ્રાક્ટ પૂરો થયા છતાં ઉઘરાણું ચાલુ રાખ્યાની ફરિયાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat News : સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોન-એ હેઠળ આવેલા ટીપી-4 અશ્વિનીકુમાર M-3 મલ્ટિલેવલ પાર્કિંગમાં કોન્ટ્રાક્ટ પૂર્ણ થયા બાદ પણ દોઢ મહિના સુધી પાર્કિંગ ચાર્જ વસૂલવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. પૂર્વ વિપક્ષી કોર્પોરેટરે ભાજપના શાસકો અને મનપાના અધિકારીઓની મિલીભગતના આક્ષેપ સાથે મ્યુનિસિપલ કમિશ્નરને લેખિત ફરિયાદ કરી છે.
ઇજારદાર સામે કડક કાર્યવાહી, ડબલ દંડની વસૂલાત, ડિપોઝિટ જપ્ત અને બ્લેકલિસ્ટ કરવાની માંગ સાથે તેમણે કાર્યવાહી નહીં થાય તો જ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોન-એ હેઠળ આવેલા ટીપી-4 અશ્વિનીકુમાર M-3 મલ્ટિલેવલ પાર્કિંગમાં કોન્ટ્રાક્ટ પૂર્ણ થયા બાદ પણ પાર્કિંગ ચાર્જની વસૂલાત ચાલુ રાખવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ પૂર્વ વિપક્ષી કોર્પોરેટરે કર્યો છે.
આ અંગે તેમણે મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરીને સમગ્ર મામલાની ઉચ્ચસ્તરીય તપાસ કરાવી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમના જણાવ્યા મુજબ પાર્કિંગનો કોન્ટ્રાક્ટ તા.14 જૂન, 2026ના રોજ પૂર્ણ થઈ ગયો હતો. નિયમો અનુસાર તે તારીખ બાદ ઇજારદારને પાર્કિંગ ફી વસૂલવાનો કોઈ અધિકાર રહેતો નથી. તેમ છતાં 14 જૂનથી 31 જુલાઈ, 2026 સુધી એટલે કે લગભગ દોઢ મહિના સુધી વાહનચાલકો પાસેથી ગેરકાયદેસર રીતે પાર્કિંગ ચાર્જ વસુલવામાં આવ્યો હતો. આ મુદ્દે 13 જુલાઈના રોજ લેખિત ફરિયાદ ઉપરાંત પાલિકાના ઉચ્ચ અધિકારીઓને રૂબરૂ રજૂઆત પણ કરવામાં આવી હતી. અગાઉ પણ આ જ ઇજારદાર દ્વારા આવી રીતે ગેરરીતિ આચરવામાં આવી હોવાની ફરિયાદો થઈ હતી, છતાં અસરકારક કાર્યવાહી ન થતાં પાર્કિંગ સંચાલકોને છૂટો દોર મળ્યો હોવાનું તેમણે આક્ષેપ કર્યો હતો.
વિપક્ષી કોર્પોરેટર વિપુલ સુહાગીયાએ આક્ષેપ સાથે કહ્યું હતું, ભાજપના શાસકો અને કેટલાક અધિકારીઓની મિલીભગતના ગંભીર આક્ષેપ કરતાં કહ્યું હતું કે, કોના આશીર્વાદથી કોન્ટ્રાક્ટ પૂર્ણ થયા બાદ પણ પાર્કિંગની વસુલાત ચાલુ રહી અને પાલિકાની આવકને નુકસાન પહોંચાડવામાં આવ્યું તેની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ.
તેમણે કમિશનર સમક્ષ ત્રણ મુખ્ય માંગણી મૂકી છે. જેમાં 14 જૂનથી 31 જુલાઈ સુધીના સમયગાળા માટે ઇજારદાર પાસેથી ડબલ દંડની વસૂલાત કરવામાં આવે, મનપામાં જમા કરાવેલી તમામ ડિપોઝિટ જપ્ત કરવામાં આવે તેમજ સંબંધિત ઇજારદારને તાત્કાલિક બ્લેકલિસ્ટ કરવામાં આવે. તેમણે ચેતવણી આપી હતી કે જો પાલિકા તંત્ર દ્વારા ઇજારદાર અને બેદરકારી દાખવનારા અધિકારીઓ સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં સુરતની જનતાને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે.









