સુરતમાં અતિવૃષ્ટિમાં 4 રજાના દિવસોની ભરપાઈ માટે 4 રવિવારે શાળા ચાલુ રાખવા સમિતિનો પરિપત્ર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat News : સુરત શહેરમાં અતિવૃષ્ટિના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં જાહેર કરવામાં આવેલી આકસ્મિક રજાના કારણે થયેલી શૈક્ષણિક કામગીરીની ભરપાઈ હવે રવિવારે શાળા ચાલુ રાખીને કરવામાં આવશે. પરીક્ષા પહેલાં વિદ્યાર્થીઓનો નિર્ધારિત અભ્યાસક્રમ પૂર્ણ થઈ શકે તે હેતુથી ચાર રજાના દિવસોની સામે ચાર રવિવારે શૈક્ષણિક કાર્ય કરવાનો નિર્ણય શિક્ષણ સમિતિ દ્વારા લેવામાં આવ્યો છે.
આ અંગે ઇન્ચાર્જ શાસનાધિકારી દ્વારા પરિપત્ર બહાર પાડી તમામ મુખ્ય શિક્ષકોને તેનો અમલ કરવા સૂચના આપવામાં આવી છે. જોકે, રવિવારે શાળા ચાલુ રાખવાનો નિર્ણય તો લેવાઈ ગયો છે, પરંતુ રજાના દિવસે વિદ્યાર્થીઓની વાસ્તવિક હાજરી કેટલી રહેશે તે હવે સૌથી મોટો સવાલ બન્યો છે. ઈનચાર્જ શાસનાધિકારી દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્ર મુજબ 24 જુલાઈના શુક્રવારની રજાની ભરપાઈ 6 સપ્ટેમ્બરના રવિવારે, 25 જુલાઈના શનિવારની રજાની ભરપાઈ 13 સપ્ટેમ્બરના રવિવારે, 31 જુલાઈના શુક્રવારની રજાની ભરપાઈ 27 સપ્ટેમ્બરના રવિવારે અને 1 ઓગસ્ટના શનિવારની રજાની ભરપાઈ 4 ઓક્ટોબરના રવિવારે શાળા ચાલુ રાખીને કરવાની રહેશે. ચારેય રવિવારે શૈક્ષણિક કાર્ય યોજીને વરસાદના કારણે ગુમાયેલા અભ્યાસના દિવસોની ભરપાઈ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

શિક્ષણ સમિતિના જણાવ્યા મુજબ આ નિર્ણયનો મુખ્ય હેતુ પરીક્ષા પહેલાં વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ પૂર્ણ કરવાનો છે. ભારે વરસાદને કારણે શાળાઓમાં થયેલી રજાના કારણે અભ્યાસક્રમ પાછળ ન રહી જાય અને પરીક્ષા પૂર્વે તમામ વિષયોનું જરૂરી શૈક્ષણિક કાર્ય પૂર્ણ થઈ શકે તે માટે રવિવારના દિવસોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જોકે, અભ્યાસક્રમ પૂર્ણ કરવાનો હેતુ માત્ર શાળા ખુલ્લી રાખવાથી નહીં પરંતુ વિદ્યાર્થીઓની પૂરતી હાજરી અને વર્ગખંડમાં અસરકારક શૈક્ષણિક કાર્યથી જ સિદ્ધ થઈ શકે તેમ છે.દરમિયાન ગઈકાલે રવિવારે સુરત મહાનગરપાલિકા સંચાલિત સુમન સ્કૂલમાં શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવામાં આવ્યું હતું.
તંત્રના જણાવ્યા મુજબ રવિવાર હોવા છતાં અહીં વિદ્યાર્થીઓની હાજરી વધુ રહી હતી. સુમન સ્કૂલમાં રવિવારે પણ વિદ્યાર્થીઓની સારી હાજરી રહી હોવાના દાવા બાદ હવે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં પણ રવિવારના દિવસે વિદ્યાર્થીઓ કેટલી સંખ્યામાં હાજર રહે છે તેના પર નજર રહેશે. આ સાથે ચારેય રવિવારે શિક્ષકોની હાજરી, વિદ્યાર્થીઓની હાજરી, લેવામાં આવેલા વિષયવાર વર્ગો અને પૂર્ણ કરવામાં આવેલા અભ્યાસક્રમની વિગતોનું શાળાવાર મૂલ્યાંકન કરવામાં આવે છે કે કેમ તે પણ જોવાનું રહેશે. માત્ર હાજરીપત્રકમાં શાળા ચાલુ બતાવવાથી વરસાદની રજાની શૈક્ષણિક ભરપાઈ થઈ ગઈ ગણાશે કે વિદ્યાર્થીઓની વાસ્તવિક હાજરી અને અભ્યાસક્રમ પૂર્ણ થવાનો પણ હિસાબ લેવાશે તે અંગે પણ સ્પષ્ટતા જરૂરી બની છે.









