સુરતમાં શહેરના રસ્તા પાણીમાં ગરકાવ, ત્યાં પાલિકાએ કર્યું ફ્લશિંગ; મુશ્કેલી ઓછી કરવાને બદલે વધારી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Rain: સુરત શહેરમાં સતત વરસી રહેલા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. લોકોને ઘરની બહાર નીકળવામાં મુશ્કેલી પડી રહી છે, જ્યારે અનેક રસ્તાઓ પર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે. આવી સ્થિતિમાં પાલિકા એક તરફ વરસાદી પાણીનો નિકાલ કરવા માટે કામગીરી કરી રહી છે, પરંતુ બીજી તરફ તેના જ હાઈડ્રોલિક વિભાગની એક કામગીરી લોકોમાં ભારે ચર્ચાનો વિષય બની છે.
સુરતમાં ગઈકાલથી વરસાદનું જોર છે અને આ વરસાદના કારણે શહેરમાં અનેક જગ્યાએ પાણીનો ભરાવો થયો છે ગઈકાલે રાત્રીના વરસાદના જોર વચ્ચે પાણીનો ભરાવો થઈ રહ્યો હતો ત્યારે ગઈકાલે રાત્રે પાલ-ઉમરા બ્રિજ પાસે આવેલી એસ.કે. પાર્ક સોસાયટી બહાર વરસાદી પાણીનો મોટો ભરાવો થયો હતો. પાણી ધીમે ધીમે ઉતરી રહ્યું હતું, ત્યારે હાઇડ્રોલિક વિભાગે ત્યાં ફ્લશિંગની કામગીરી શરૂ કરી હતી. પરિણામે પહેલેથી ભરાયેલા વિસ્તારમાં વધુ પાણી ઉમેરાતા રસ્તા પર પાણીનું સ્તર વધી ગયું અને સ્થાનિકોની મુશ્કેલી વધુ વધી હતી. લોકોનો આક્ષેપ છે કે પાલિકાનો એક વિભાગ વરસાદી પાણી કાઢવાની કામગીરી કરે અને બીજો વિભાગ એ જ સમયે ફ્લશિંગ કરીને વધુ પાણી છોડે, તો તેની સીધી અસર સામાન્ય નાગરિકોને ભોગવવી પડે છે.
વરસાદનું જોર હજુ યથાવત છે અને આગામી દિવસોમાં વધુ વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. ત્યારે આવી કામગીરીને લઈને લોકોમાં સવાલ ઉઠી રહ્યા છે કે વરસાદી પરિસ્થિતિમાં ફ્લશિંગ કરવાની જરૂરિયાત શું હતી
સ્થાનિકોના જણાવ્યા મુજબ, વરસાદી સંજોગોમાં જ્યાં પાણી ઝડપથી કાઢવાની જરૂર હતી ત્યાં ફ્લશિંગ કરવાનો નિર્ણય સમજણ બહારનો હતો. પાણીમાં વધારો થતાં વાહનચાલકો અને રહેવાસીઓને અવરજવરમાં વધુ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.




