સુરતના બજેટમાં નાગરિકોનો અવાજ : 7 દિવસમાં શહેરવાસીઓના વિકાસના સૂચનો મંગાવાયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Corporation : સુરત પાલિકાના નાણાકીય વર્ષ 2027-28 ના ડ્રાફ્ટ અંદાજપત્રની તૈયારીઓ શરૂ થઈ છે ત્યારે શહેરના વિકાસ અને નાગરિક સુવિધાઓને લગતા સૂચનો આપવા શહેરવાસીઓને તક આપવામાં આવી છે. ટૂંકા અને લાંબા ગાળાના વિકાસ કામો, સેવાઓમાં સુધારા તેમજ શહેરની જરૂરિયાતોને બજેટમાં આવરી લેવા નાગરિકો પોતાના સૂચનો રજૂ કરી શકશે. સૂચનો ઓનલાઈન વેબસાઈટ મારફતે અથવા પાલિકાની સેન્ટ્રલ ઓફિસના રૂમ નંબર 75માં લેખિતમાં આપી શકાશે. સૂચનો રજૂ કરવા જાહેરાતની તારીખથી સાત દિવસની સમય મર્યાદા રાખવામાં આવી છે.
શહેરના વિકાસના આયોજનમાં નાગરિકોની ભાગીદારી વધે તેમજ સ્થાનિક જરૂરિયાતો અને લોકોની અપેક્ષાઓને આગામી બજેટમાં સ્થાન મળી શકે તે હેતુથી પાલિકા દ્વારા આ પહેલ કરવામાં આવી છે. શહેરમાં વિવિધ વિસ્તારોની સમસ્યાઓ, વિકાસની જરૂરિયાતો, નાગરિક સુવિધાઓની ગુણવત્તા સુધારવા તેમજ ટૂંકા અને લાંબા ગાળાના આયોજનને લગતા સૂચનો નાગરિકો રજૂ કરી શકશે. પાલિકાની સેવાઓ વધુ કાર્યક્ષમ અને સુવિધાજનક બનાવવા માટે નાગરિકોના સૂચનો ઉપયોગી બની શકે તેવો આશય છે.
સૂચનો રજૂ કરવા માટે ઓનલાઈન અને ઓફલાઈન બંને વ્યવસ્થા કરવામાં આવી છે. ઓનલાઈન સૂચનો આપવા ઇચ્છતા નાગરિકો સુરત પાલિકાની સત્તાવાર વેબસાઈટ www.suratmunicipal.gov.in પર જઈને પોતાના સૂચનો નોંધાવી શકશે. જાહેરાતની તારીખથી સાત દિવસની અંદર ઓનલાઈન સૂચનો રજૂ કરી શકાશે.
જે નાગરિકો લેખિતમાં સૂચનો આપવા ઇચ્છે છે તેઓ મ્યુનિસિપલ કમિશનરને સંબોધીને રજૂઆત કરી શકશે. લેખિત સૂચનના મથાળે અથવા કવર પર ‘નાણાકીય વર્ષ 2027-28 અંદાજપત્ર સૂચન’ સ્પષ્ટ રીતે લખવાનું રહેશે. આ સૂચનો પાલિકાની સેન્ટ્રલ ઓફિસ ખાતે રૂમ નંબર 75માં સાત દિવસની સમયમર્યાદામાં પહોંચાડવાના રહેશે. નાગરિકો દ્વારા રજૂ કરવામાં આવતાં સૂચનો આગામી બજેટની તૈયારીમાં શહેરના વિકાસ અને સુવિધાઓના આયોજન માટે ઉપયોગી બની શકે છે.



