અષાઢી બીજ પહેલાંના વીકએન્ડમાં કેનેડામાં ગુંજ્યો 'જય જગન્નાથ'નો જયઘોષ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jagannath Rath Yatra In Canada: સુરતમાં આગામી ગુરૂવારે અષાઢી બીજ ના પાવન દિવસે સાત સ્થળોએ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે. પરંતુ અષાઢી બીજ પહેલાંના વીકએન્ડમાં કેનેડાના ટોરોન્ટોમાં યોજાયેલી ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાએ ફરી એકવાર સાબિત કરી દીધું કે આસ્થા અને સંસ્કૃતિને કોઈ સરહદો બાંધી શકતી નથી. 'જય જગન્નાથ' અને 'હરે રામ-હરે કૃષ્ણ'ના ગગનભેદી જયઘોષ વચ્ચે હજારો ભારતીયો સાથે સ્થાનિક કેનેડિયન નાગરિકો પણ ભક્તિમાં રંગાયા હતા. એટલું જ નહીં, કેનેડિયનોએ હરિનામ સંકીર્તન માં સૂર પુરાવી ભગવાનના રથનું દોરડું ખેંચીને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે અનોખો આદર વ્યક્ત કર્યો હતો.
વિદેશમાં વસતા ભારતીયો છેલ્લા અનેક વર્ષોથી અષાઢી બીજ પહેલાંના વીકએન્ડ કે પછી ના વીકએન્ડમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરી રહ્યાં છે. કેનેડામાં વર્ષોથી ચાલી આવતી આ પરંપરા આ વીકએન્ડમાં પણ યથાવત જોવા મળી હતી. આ વર્ષે પણ ટોરોન્ટોમાં યોજાયેલી રથયાત્રામાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ટોરોન્ટો ઉપરાંત વોટરલૂ, કિચનર, કેમ્બ્રિજ, હેમિલ્ટન અને ગ્રેટર ટોરોન્ટોના વિવિધ શહેરોમાંથી ભારતીય પરિવારો મોટી સંખ્યામાં જોડાયા હતા.
મૂળ દક્ષિણ ગુજરાતના અને હાલ કેનેડામાં સ્થાયી થયેલા હિરલ મહેતાના જણાવ્યા મુજબ, દર વર્ષે ભારતીય પરિવારો પોતાના બાળકોને ખાસ કરીને રથયાત્રામાં સાથે લાવે છે, જેથી વિદેશમાં જન્મેલી નવી પેઢી ભારતીય સંસ્કૃતિ, સનાતન પરંપરા અને ભગવાન જગન્નાથ પ્રત્યેની આસ્થા સાથે જોડાયેલી રહે બસ આ હેતુથી હું મારા બન્ને બાળકોને લઈ વર્ષોથી આ યાત્રામાં પરિવાર સાથે જોડાઈ રહી છું.
મિલન પ્રજાપતિ કહે છે, ભારતમાં જેમ ભગવાનના રથનું દોરડું ખેંચવા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળે છે, તેવી જ લાગણી કેનેડામાં પણ જોવા મળી હતી. રથનું દોરડું ખેંચવા માટે ભક્તોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી અને અનેક વિદેશી નાગરિકોએ પણ પ્રથમ વખત આ દિવ્ય પરંપરામાં જોડાઈ આધ્યાત્મિક આનંદની અનુભૂતિ કરી હતી. અંકિત પટેલ કહે છે,સ્થાનિક કેનેડિયન નાગરિકો માત્ર દર્શક બની રહ્યા નહોતા. તેઓ પણ હરિનામ સંકીર્તન માં જોડાયા, હરે રામ-હરે કૃષ્ણ ની ધૂન ગાઈ, ભક્તો સાથે ઝૂમ્યા અને ભગવાનના રથનું દોરડું ખેંચીને ભારતીય સંસ્કૃતિ પ્રત્યેનો પોતાનો આદર વ્યક્ત કર્યો હતો. અનેક વિદેશી મહિલાઓ ભારતીય સાડીમાં અને પુરુષ પરંપરાગત ભારતીય વેશભૂષા માં જોવા મળ્યા હતા, જેના કારણે ટોરોન્ટોની સડકો પર જાણે ભારતનો જ કોઈ ધાર્મિક ઉત્સવ ઉજવાઈ રહ્યો હોય તેવો માહોલ સર્જાયો હતો.
ઉલ્લેખનીય છે કે હવે આગામી ગુરુવારે અષાઢી બીજના પાવન અવસરે સુરત શહેરમાં પણ સાત સ્થળોએ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે. ત્યારે કેનેડામાં ગુંજેલો "જય જગન્નાથ"નો જયઘોષ વિશ્વભરના ભારતીયોમાં ફરી એકવાર એ વિશ્વાસ મજબૂત કરી રહ્યો છે કે સનાતન સંસ્કૃતિ ને કોઈ સરહદ બાંધી શકતી નથી.
કેનેડામાં જન્મેલા બાળકો સુધી પહોંચે છે ભારતીય સંસ્કૃતિના સંસ્કાર
કેનેડામાં વસતા ભારતીયો માટે ભગવાન જગન્નાથની રથયાત્રા માત્ર ધાર્મિક કાર્યક્રમ નથી, પરંતુ પોતાની સંસ્કૃતિ અને પરંપરાને નવી પેઢી સુધી પહોંચાડવાનું મહત્વનું માધ્યમ બની ગઈ છે. ઘણા ભારતીય પરિવારો પોતાના નાના બાળકોને પરંપરાગત ભારતીય વેશભૂષામાં સજાવી રથયાત્રામાં સાથે લાવે છે, જેથી તેઓ બાળપણથી જ સનાતન સંસ્કૃતિ, ભારતીય તહેવારો અને ભગવાન જગન્નાથની પરંપરાથી પરિચિત થાય છે.
વિદેશમાં જન્મેલા બાળકો માટે આવી ધાર્મિક ઉજવણીઓ ભારતીય ઓળખ સાથે જોડાયેલા રહેવાનો શ્રેષ્ઠ માર્ગ છે. રથયાત્રા દરમિયાન બાળકો ભજન-કીર્તન, હરિનામ સંકીર્તન, મહાપ્રસાદ અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ઉત્સાહપૂર્વક ભાગ લે છે. આ કારણે તેઓ માત્ર દર્શક નહીં, પરંતુ પોતાની સંસ્કૃતિના સક્રિય વારસદાર બની રહ્યા છે. આવી ધાર્મિક ઉજવણીથી સ્થાનિક કેનેડિયન નાગરિકોને પણ ભારતીય સંસ્કૃતિને નજીકથી જાણવાની તક મળે છે. પરિણામે આ કાર્યક્રમ માત્ર ભારતીય સમુદાય પૂરતો મર્યાદિત રહેતો નથી, પરંતુ વિવિધ સંસ્કૃતિ ને જોડતો એક જીવંત સાંસ્કૃતિક ઉત્સવ બની જાય છે.
રાધા-કૃષ્ણ ના માસ્કોટ વેશભૂષાએ સૌનું ધ્યાન ખેંચ્યું
કેનેડામાં યોજાયેલી ભગવાન જગન્નાથની રથયાત્રામાં ભક્તિની સાથે સર્જનાત્મકતાનો પણ અનોખો સંગમ જોવા મળ્યો હતો. કેટલાક યુવાનો રાધા અને ભગવાન શ્રીકૃષ્ણના વિશાળ માસ્કોટ વેશમાં રથયાત્રામાં જોડાયા હતા. રંગબેરંગી અને આકર્ષક વેશભૂષાએ નાના બાળકો, સ્થાનિક કેનેડિયનો તેમજ અન્ય ભક્તોનું ખાસ ધ્યાન ખેંચ્યું હતું.રથયાત્રા દરમિયાન અનેક લોકોએ માસ્કોટ વેશધારી ભક્તો સાથે ફોટોગ્રાફ્સ અને સેલ્ફી લઈ આ ક્ષણોને યાદગાર બનાવી હતી. વિદેશની ધરતી પર ભારતીય સંસ્કૃતિ અને શ્રીકૃષ્ણ ભક્તિને આધુનિક અને આકર્ષક અંદાજમાં રજૂ કરવાનો આ પ્રયાસ સૌને પસંદ પડ્યો હતો, જેના કારણે સમગ્ર રથયાત્રાના માહોલમાં વધુ ઉત્સાહ અને આનંદ ઉમેરાયો હતો.









