Surat

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ : 20 નવેમ્બરથી સુરત-બીલીમોરા વચ્ચેના 50 કિમી રૂટ પર વીજ પુરવઠો શરૂ થશે, લોકો અને શ્રમિકોને વીજ તારથી દૂર રહેવા ચેતવણી

By GS Team
18 Nov 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં 20 નવેમ્બર, 2026થી સુરત-બીલીમોરા વચ્ચેના 50 કિલોમીટરના પ્રથમ સેક્શનમાં OHE સિસ્ટમમાં વીજળીનો પ્રવાહ શરૂ થશે. આ એલિવેટેડ રૂટ પર અપ-ડાઉન બંને લાઇનો પર 2x25 kV આધુનિક ટ્રેક્શન સિસ્ટમ કાર્યરત થશે. સ્થાનિકો, મુસાફરો અને શ્રમિકોને વીજળીના તારથી દૂર રહેવા કડક સૂચના અપાઈ છે. આ શરૂઆત હાઇ-સ્પીડ ટ્રેનના ટ્રાયલ રન માટે માર્ગ મોકળો કરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ : 20 નવેમ્બરથી સુરત-બીલીમોરા વચ્ચેના 50 કિમી રૂટ પર વીજ પુરવઠો શરૂ થશે, લોકો અને શ્રમિકોને વીજ તારથી દૂર રહેવા ચેતવણી

Bullet train project : અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીમાં એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ પગલું ભરતાં, 20 નવેમ્બર 2026થી સુરત અને બીલીમોરા વચ્ચેના પ્રથમ સેક્શનમાં ઓવરહેડ ઈક્વિપમેન્ટ (OHE) સિસ્ટમને વીજળીથી સક્રિય કરવામાં આવશે. આશરે 50 કિલોમીટર લાંબા આ એલિવેટેડ રૂટ પર અપ અને ડાઉન બંને લાઇનો પર વીજ પ્રવાહ શરૂ થતાં કોરિડોરની આસપાસ રહેતા સ્થાનિકો, મુસાફરો અને બાંધકામ શ્રમિકો માટે સુરક્ષાના કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે.

કેવી રીતે કામ કરશે વીજ પુરવઠા સિસ્ટમ

અમદાવાદ-મુંબઈ હાઇ-સ્પીડ રેલ કોરિડોરમાં આધુનિક 2 × 25 kV ઓવરહેડ ટ્રેક્શન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કુલ 508 કિલોમીટર લાંબા સમગ્ર કોરિડોરમાં અવિરત વીજળી પૂરી પાડવા માટે 14 ટ્રેક્શન સબ-સ્ટેશન (TSS) બનાવવામાં આવી રહ્યા છે. આ સબ-સ્ટેશન પાવર ગ્રીડમાંથી વીજળી મેળવીને તેને ઓવરહેડ ટ્રેક્શન સિસ્ટમ સુધી પહોંચાડશે. આ સમગ્ર વીજ પ્રણાલીનું સતત મોનિટરિંગ એક કેન્દ્રીયકૃત નિયંત્રણ કેન્દ્ર દ્વારા કરવામાં આવશે, જેથી ટ્રેન સંચાલન સુરક્ષિત અને અવિરત રહે.

જાહેર જનતા માટે સુરક્ષા ઍલર્ટ

  • રેલવે તંત્ર દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે 20 નવેમ્બરના રોજ ઓવરહેડ વીજળી પ્રણાલી સક્રિય થયા બાદ સુરત-બીલીમોરા સેક્શનમાં લગાવવામાં આવેલા વીજળીના તાર હંમેશાં હાઈ-વોલ્ટેજ વીજપ્રવાહિત રહેશે.
  • કોરિડોરની આસપાસ રહેતા રહેવાસીઓ, મુસાફરો અને બાંધકામ કાર્યમાં જોડાયેલા શ્રમિકોને વીજળીના તાર તથા વિદ્યુત ઉપકરણોથી સુરક્ષિત અંતર જાળવવા કડક સલાહ આપવામાં આવી છે.
  • કોઈપણ વ્યક્તિએ વીજ તારને સ્પર્શ કરવાનો પ્રયાસ ન કરવો તેમજ ટ્રેક કે ઉપકરણોની આસપાસ કોઈપણ પ્રકારનું અનધિકૃત કાર્ય ન કરવું.

પ્રોજેક્ટની વર્તમાન સ્થિતિ

508 કિલોમીટર લાંબા મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ગુજરાત વિભાગની સિવિલ અને ટ્રેક બાંધકામની કામગીરી અંતિમ તબક્કામાં છે. સુરતથી બીલીમોરા વચ્ચેના પ્રથમ સેક્શનમાં ટ્રાયલ રન પહેલાંની તૈયારીના ભાગરૂપે સિગ્નલિંગ, ટેલિકોમ્યુનિકેશન અને OHE ઈન્સ્ટોલેશનની કામગીરી પૂર્ણતાના આરે છે. આ સેક્શન પર વીજ પુરવઠો શરૂ થવાથી આગામી સમયમાં હાઇ-સ્પીડ ટ્રેનના પરીક્ષણ(ટ્રાયલ રન)નો માર્ગ મોકળો થશે.