સુરત ભાજપમાં વિવાદ: કોર્પોરેટરોના 19 લાખના તોડકાંડની કથિત ચેટ વાયરલ, MLAના નામે કોઈ 10 લાખ લઈ ગયું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat News : સુરત ભાજપમાં આંતરિક ખેંચતાણ અને એકબીજાની સામે આક્ષેપબાજીનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. ગેરકાયદે બાંધકામમાં 19 લાખ રૂપિયાના કથિત સેટલમેન્ટની ચર્ચા કરતી વોટ્સએપ ચેટ વાયરલ થતાં શહેર ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. ભાજપના જ કાર્યકરો અને નેતાઓ એકબીજા સામે ગંભીર આક્ષેપો કરી રહ્યા છે. ખાનગી સોસાયટીમાં ગેરકાયદે બાંધકામના મામલે 19 લાખ રૂપિયાનો તોડ થયો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં, વૉર્ડ નંબર 27ના દરેક કોર્પોરેટરને 2-2 લાખ રૂપિયા મળ્યા હોવાની ચર્ચાએ વિવાદને વધુ ગંભીર બનાવ્યો છે.
ગેરકાયદે બાંધકામમાં કથિત સેટલમેન્ટને લઈ નેતાઓ શંકાના ઘેરામાં
વાયરલ થયેલી ચેટમાં ગેરકાયદે બાંધકામના સેટલમેન્ટથી માંડીને નાણાંની વહેંચણી સુધીના આક્ષેપો કરવામાં આવ્યા છે. આ સમગ્ર પ્રકરણમાં લિંબાયત ઝોનની ભૂમિકા પણ શંકાના ઘેરામાં હોવાનું કહેવાય છે. બીજી તરફ ધારાસભ્યના નામે 10 લાખ રૂપિયા કોણ લઈ ગયું તેની પણ ભાજપના આંતરિક વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે. જોકે, આ તમામ બાબતો હાલ આક્ષેપો અને વાયરલ ચેટમાં થયેલી ચર્ચા પૂરતી જ છે.
કોર્પોરેટરે મેસેજ મોકલ્યો હોવાનો કર્યો ઇન્કાર
આ વિવાદમાં વધુ ચોંકાવનારી બાબત એ છે કે જે કોર્પોરેટરના મોબાઇલમાંથી ચેટના મેસેજ વાયરલ થયા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે તે ભાઈદાસ પાટીલે પોતાના મોબાઇલમાંથી આવા મેસેજ મોકલ્યા હોવાનો ઇન્કાર કર્યો છે. તેમણે સમગ્ર મામલે અજાણ હોવાનું જણાવ્યું છે. બીજી તરફ આક્ષેપ કરનાર કાર્યકરોએ શહેર ભાજપને સમગ્ર ઘટનાની જાણ કરી દેવામાં આવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

ભાજપના કાર્યકરો દ્વારા પક્ષના નેતાઓ અને કોર્પોરેટરો સામે ખુલ્લેઆમ આક્ષેપ
ગંભીર ફરિયાદ કરનારા મનીષ નાયકના જણાવ્યા પ્રમાણે, એક ખાતમુહૂર્તના કાર્યક્રમ દરમિયાન આ સમગ્ર મામલો બહાર આવ્યો હતો અને ત્યારબાદ ફરિયાદ પણ કરવામાં આવી હોવાનો દાવો કરાયો છે. આ પ્રકરણમાં ભાજપના જ કેટલાક કાર્યકરો દ્વારા પક્ષના નેતાઓ અને કોર્પોરેટરો સામે ખુલ્લેઆમ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. અન્ય વિસ્તારોમાં પણ કેટલાક કોર્પોરેટરો દ્વારા હપ્તા લેવામાં આવતા હોવાની ચર્ચાઓએ વિવાદને વધુ વેગ આપ્યો છે. જોકે, આ આક્ષેપોની સત્યતા તપાસનો વિષય છે.
સમગ્ર પ્રકરણને દબાવી દેવાના પ્રયાસોની ચર્ચા!
આટલા ગંભીર આક્ષેપો અને ચેટ વાયરલ થયા બાદ પણ શહેર ભાજપ સંગઠન દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી. પક્ષની આંતરિક શિસ્ત અને પારદર્શકતાના દાવા વચ્ચે પોતાના જ કાર્યકરો એકબીજાની પોલ ખોલી રહ્યા છે ત્યારે સંગઠન આ મામલે શું કાર્યવાહી કરે છે તે સવાલ ઊભો થયો છે. સમગ્ર પ્રકરણને દબાવી દેવાના પ્રયાસો થઈ રહ્યા હોવાની પણ ચર્ચા છે.
હવે સૌથી મોટો સવાલ એ છે કે 19 લાખ રૂપિયાના કથિત સેટલમેન્ટની હકીકત શું છે, નાણાંની વહેંચણી થઈ હતી કે કેમ, ધારાસભ્યના નામે 10 લાખ રૂપિયાની ચર્ચા પાછળનું સત્ય શું છે અને ગેરકાયદે બાંધકામના મામલે લિંબાયત ઝોનના અધિકારીઓની કોઈ ભૂમિકા હતી કે કેમ? વાયરલ ચેટની સત્યતા અને નાણાકીય વ્યવહારની તપાસ થાય તો જ સમગ્ર પ્રકરણ પરથી પડદો ઊંચકાશે. આ ઉપરાંત હવે શહેર ભાજપની ભૂમિકા પણ કેવી રહેશે તે જોવાનું રહેશે.




