Surat

VIDEO: સુરતના કાપોદ્રામાં કારીગરો વચ્ચે પૈસાની લેતીદેતીમાં ઝઘડો, કારખાના બંધ કરાવાયાની અફવા, પોલીસે સ્પષ્ટતા કરી

By GS Team
18 Oct 20262 mins read
TukuTouch Logo
સુરતના કાપોદ્રા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં 500 રૂપિયાની લેતી-દેતી મામલે કારીગરોના બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. રવિવારની રજા બાબતે કારખાના બંધ કરાવવાની અફવા ફેલાતા ડરનો માહોલ સર્જાયો હતો. ધારાસભ્ય કુમાર કાનાણી અને પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસે સ્પષ્ટતા કરી કે આ માત્ર સામાન્ય ઝઘડો હતો અને કોઈ મોટો વિવાદ નથી. હાલ પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: સુરતના કાપોદ્રામાં કારીગરો વચ્ચે પૈસાની લેતીદેતીમાં ઝઘડો, કારખાના બંધ કરાવાયાની અફવા, પોલીસે સ્પષ્ટતા કરી

Surat News: સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં માત્ર 500 રૂપિયાની લેતી-દેતી બાબતે કારીગરોના બે જૂથ વચ્ચે મારામારીની ઘટના સામે આવી હતી. આ સામાન્ય વિવાદ બાદ શહેરમાં એવી અફવા જોર પકડી હતી કે રવિવારની રજાના વિવાદને લઈને સમગ્ર વિસ્તારમાં કારખાનાઓ બળજબરીથી બંધ કરાવવામાં આવી રહ્યા છે. આ અફવા ફેલાતા અને ઘટનાની ગંભીરતા જોઈને મોટી સંખ્યામાં ખાતાધારકો કાપોદ્રા પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા. આ મામલો ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી સુધી પહોંચતા તેઓ પણ તાત્કાલિક પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા.

500 રૂપિયાના હિસાબને લઈને થઈ હતી મારામારી

મળતી માહિતી અનુસાર, કાપોદ્રાના ઔદ્યોગિક વિસ્તારમાં કામ કરતા કારીગરો વચ્ચે 500 રૂપિયાની લેતી-દેતી બાબતે બોલાચાલી થઈ હતી, જે બાદ મામલો ઉગ્ર બનતા બંને જૂથો વચ્ચે મારામારી સર્જાઈ હતી. આ મામલો શાંત થાય તે પહેલાં જ સોશિયલ મીડિયા અને આસપાસના વિસ્તારોમાં અફવાઓનું બજાર ગરમ થયું હતું કે રવિવારની રજાના વિવાદને લઈને એમ્બ્રોડરીના તમામ કારખાનાઓ બંધ કરાવવામાં આવી રહ્યા છે. આ અફવાને કારણે અચાનક ડરનો માહોલ ઊભો થયો હતો અને ઘટનાસ્થળ તેમજ આસપાસના તમામ કારખાનાઓ સ્વયંભૂ કે અફવાના ડરે બંધ થઈ ગયા હતા.

image.png

પોલીસ અને ધારાસભ્યની સ્પષ્ટતા

પરિસ્થિતિ વધુ વણસે તે પહેલાં જ ખાતાધારકો અને રત્નકલાકારો/કારીગરો કાપોદ્રા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક ધારાસભ્ય કુમાર કાનાણી પણ પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા અને સમગ્ર માની તથ્યો જાણી અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.

પોલીસ તંત્ર દ્વારા આ મામલે સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ ઘટનાને કોઈપણ પ્રકારના શ્રમિક આંદોલન કે મોટા વિવાદ સાથે કોઈ જ લેવાદેવા નથી. માત્ર સામાન્ય આર્થિક લેતી-દેતીનો જ ઝઘડો હતો. ધારાસભ્ય કુમાર કાનાણીએ પણ જણાવ્યું હતું કે, રજાના વિવાદને લગતી માત્ર અફવા ફેલાઈ હતી, જોકે સુરક્ષાના ભાગરૂપે પોલીસ દ્વારા વિસ્તારમાં પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને હાલ પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે.