સોશિયલ મિડીયામાં વિન્ટેજ તસવીરોનો ટ્રેન્ડ વચ્ચે રાંદેરના ગણેશ મંડળે દીધી કમાલ : પંડાલમાં 1972ના રાંદેરને જીવંત બનાવ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Ganeshotsav : એઆઈની મદદથી જૂના સમયની તસવીરો બનાવવાનો ટ્રેન્ડ સોશિયલ મીડિયામાં હવે લોકપ્રિય બન્યો છે, પરંતુ રાંદેરના ગણેશ મંડળે ટેકનોલોજીનો સહારો લીધા વિના જ વર્ષો જૂના રાંદેરને જીવંત કરી દીધું છે. રાંદેરના જૂના દિવસોના સાક્ષી એવા વડીલો પાસેથી એકત્ર કરેલી ઝીણામાં ઝીણી માહિતીના આધારે 1972ના ‘રાંદેર ગામ બજાર’નું આબેહૂબ નિર્માણ કરાયું છે. જૂની દુકાનો, વાહનો અને બજારની ઓળખ સાથે તૈયાર કરાયેલી આ થીમ માત્ર ગણેશ મંડપ નહીં, પરંતુ રાંદેરની વિન્ટેજ ઓળખ અને ભૂતકાળની મીઠી યાદોને ફરી જીવંત કરતી સફર બની છે.
સુરતના પ્રાચીન વિસ્તારોમાં આગવું સ્થાન ધરાવતા રાંદેરનો ઇતિહાસ વર્ષો જૂનો છે. એક સમય હતો જ્યારે રાંદેરની ગલીઓ, બજાર અને દુકાનો વિસ્તારની આગવી ઓળખ હતી અને લોકોની રોજિંદી અવરજવરથી અહીંનું બજાર ધમધમતું રહેતું. સમયની સાથે રાંદેરમાં અનેક બદલાવ આવ્યા, જૂની ઇમારતો અને દુકાનોનું સ્વરૂપ બદલાયું અને વાહનો તથા બજારની રીત પણ બદલાઈ ગઈ. આવા સમયે આજની પેઢીને પાંચ દાયકા પહેલાંનું રાંદેર કેવું હતું તેની અનુભૂતિ કરાવવા આ વર્ષે ગણેશોત્સવમાં ‘રાંદેર ગામ બજાર’ની અનોખી થીમ તૈયાર કરવામાં આવી છે. વડીલોની યાદોમાંથી 1972 નું રાંદેર શોધવાની શરૂઆત કેવી રીતે થઈ અને જૂના રાંદેરને મંડપમાં ઉતારવાનો વિચાર કેવી રીતે આવ્યો તે અંગે આયોજક નિલેશ પટેલે જણાવ્યું હતું કે, જૂના રાંદેરને માત્ર કલ્પનાના આધારે રજૂ કરવાને બદલે તે સમયને પોતાની આંખે જોયેલા વડીલો પાસેથી સાચી માહિતી મેળવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. દુકાનો ક્યાં હતી, બજારનો માહોલ કેવો હતો અને તે સમયની કઈ બાબતો રાંદેરની ખાસ ઓળખ હતી તેની વિગતો એકત્ર કરવામાં આવી હતી.

માત્ર મોટી બાબતો જ નહીં, પરંતુ રાંદેરની જૂની ઓળખ સાથે જોડાયેલી નાની નાની વિગતોને પણ થીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. દિનેશ પટેલે જણાવ્યું હતું કે વડીલોની વાતચીત દરમિયાન મળતી અનેક વિગતો આજે કદાચ સામાન્ય લાગે, પરંતુ તે સમયના રાંદેરની ઓળખ માટે તેનું ખાસ મહત્વ હતું. તેથી આવી વિગતોને પણ થીમમાં જાળવી રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તે સમયના બજારની રચના સાથે જૂની દુકાનો, વાહનો અને અન્ય ચીજવસ્તુઓ મૂકીને સમગ્ર માહોલ ઊભો કરવામાં આવ્યો છે. ગલીઓમાંથી પસાર થતી વખતે જૂના રાંદેરની અનુભૂતિ થાય તે રીતે મંડપનું આયોજન કરવામાં આવ્યું છે. ધર્મેશ સુરતી સહિતના આયોજકો દ્વારા થીમને વાસ્તવિક સ્વરૂપ આપવા માટે જૂના રાંદેરની ઓળખ જાળવવા ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે.
ગણેશોત્સવની ધાર્મિક ઉજવણી વચ્ચે તૈયાર કરાયેલી ‘રાંદેર ગામ બજાર’ની થીમ રાંદેરની જૂની ઓળખને નવી પેઢી સુધી પહોંચાડવાનો પ્રયાસ બની છે. એઆઈના યુગમાં વડીલોની યાદો અને સ્થાનિક ઇતિહાસના આધારે તૈયાર કરાયેલું આ મંડપ રાંદેરના ભૂતકાળની એક જીવંત ઝલક રજૂ કરી રહ્યું છે.
હાલ સોશિયલ મીડિયામાં એઆઈની મદદથી લોકો પોતાના 1980ના દાયકાના ફોટા બનાવીને વિન્ટેજ યાદો તાજી કરી રહ્યા છે. જોકે રાંદેરના ગણેશ આયોજકોએ આ ટ્રેન્ડથી અલગ રસ્તો અપનાવ્યો છે. અહીં કોઈ કૃત્રિમ તસવીર કે એઆઈના સહારે જૂનું રાંદેર બનાવવામાં આવ્યું નથી, પરંતુ રાંદેરને પોતાની આંખે જોયેલા વડીલોની યાદોને આધાર બનાવીને 1972નું ગામ બજાર ઊભું કરવામાં આવ્યું છે જે ગણેશ ભક્તોના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.
વડીલો માટે યાદો, યુવાનો માટે ઇતિહાસ
ગણેશ મંડપમાં તૈયાર કરાયેલું ‘રાંદેર ગામ બજાર’ માત્ર નવી પેઢી માટે આકર્ષણનું કેન્દ્ર નથી બન્યું, પરંતુ વડીલો માટે પણ જાણે પોતાના ભૂતકાળમાં પાછા ફરવાની તક બની છે. મંડપમાં જૂના સમયની દુકાનો, વાહનો અને બજારનો માહોલ જોતાં વડીલો અનેક ચીજોને ઓળખી જાય છે અને તેની સાથે જોડાયેલી પોતાની જૂની યાદો પરિવારના સભ્યો અને બાળકોને સંભળાવે છે.
કોઈ દુકાન જોઈને વડીલો કહે છે કે અહીં પહેલાં શું મળતું હતું તો કોઈ વાહન જોઈને તે સમયની અવરજવર અને બજારની વાતો યાદ કરે છે. બાળકો અને યુવાનો માટે આ વાતો માત્ર કિસ્સા નથી રહેતી, પરંતુ પોતાના જ વિસ્તારના ભૂતકાળને સમજવાની તક બની જાય છે. અત્યાર સુધી જે રાંદેરને તેઓ આધુનિક વિસ્તાર તરીકે જ ઓળખતા હતા, તેના જૂના સ્વરૂપની ઝલક તેમને ગણેશ મંડપમાં જોવા મળી રહી છે.
આ રીતે એક જ મંડપમાં બે પેઢી વચ્ચે સંવાદ થઈ રહ્યો છે. વડીલો પોતાની યાદો વહેંચી રહ્યા છે અને યુવાનો પોતાના વિસ્તારનો ઇતિહાસ જાણી રહ્યા છે. ગણેશોત્સવની થીમના માધ્યમથી ભૂતકાળની વાતો માત્ર સજાવટ પૂરતી સીમિત ન રહેતા નવી પેઢી સુધી પહોંચી રહી છે. ‘રાંદેર ગામ બજાર’ એટલે વડીલો માટે મીઠી યાદો અને યુવાનો માટે પોતાના શહેરના ભૂતકાળની જીવંત પાઠશાળા બની ગયું છે.




