Surat

ભજીયાની મોજ વચ્ચે સ્વચ્છતાની ઐસી તૈસી : કુંભારિયાના લીંબુ ગોટાની દુકાનમાં ગંદકીનો વીડિયો વાયરલ, સંચાલકને 10 હજારનો દંડ

By GS Team
1 Sep 20262 mins read
TukuTouch Logo
સુરતના કુંભારિયા ગામમાં લીંબુ ગોટાની દુકાનમાં ગંદકીનો વીડિયો વાયરલ થતાં આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું. લિંબાયત ઝોનની ટીમે ગણપત કાકાના ગોટાની દુકાનની તપાસ કરી. સ્થળ પર ગંદકી જણાતાં સંચાલકને 10,000 રૂપિયાનો દંડ ફટકારી નોટિસ અપાઈ. કારીગરોને હાથમોજાં સહિત સ્વચ્છતાના નિયમો પાળવા તાકીદ કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભજીયાની મોજ વચ્ચે સ્વચ્છતાની ઐસી તૈસી : કુંભારિયાના લીંબુ ગોટાની દુકાનમાં ગંદકીનો વીડિયો વાયરલ, સંચાલકને 10 હજારનો દંડ

Surat Food Safety : સુરતના કુંભારિયા ગામમાં લીંબુ ગોટાની દુકાનમાં ગંદકી અને સાફ-સફાઈના અભાવનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યો હતો. વાયરલ વીડિયોના આધારે લિંબાયત ઝોનના આરોગ્ય વિભાગની ટીમે આજે સવારે સ્થળ પર તપાસ હાથ ધરી હતી. દુકાન તથા આસપાસ ગંદકી જણાતાં સંચાલકને 10 હજારનો દંડ ફટકારી નોટિસ આપવામાં આવી હતી. સાથે જ નિયમિત સાફ-સફાઈ જાળવવા અને કારીગરોને હાથમોજાં સહિતના સ્વચ્છતાના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા તાકીદ કરવામાં આવી હતી.
કુંભારિયા મેઈન રોડ પર ગણપત કાકાના ગોટાના નામે વેચાતા લીંબુ ગોટા ખાવા માટે સવારથી જ મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટતા હોય છે. દરરોજ સેંકડો લોકો જ્યાં ખાણી-પીણીની વસ્તુઓનો સ્વાદ માણતા હોય છે, ત્યાં દુકાન અને આસપાસના વિસ્તારમાં સ્વચ્છતાના અભાવ અંગેનો વીડિયો વાયરલ થતાં ખાણી-પીણીની ગુણવત્તા અને સ્વચ્છતા સામે પણ સવાલો ઊઠ્યા હતા. વીડિયોમાં ગંદકીની સ્થિતિ સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર પણ સંચાલકોની બેદરકારી સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ મામલે આરોગ્ય વિભાગની ટીમે આજે સવારે સ્થળ પર પહોંચી તપાસ કરતાં દુકાન તથા આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા જાળવવા અંગે સંચાલકને કડક તાકીદ કરી હતી. ખાણી-પીણીના વ્યવસાયમાં નિયમિત સાફ-સફાઈ રાખવા ઉપરાંત કારીગરો દ્વારા હાથમોજાં સહિતના જરૂરી સ્વચ્છતાના નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવે તે માટે પણ સૂચના આપવામાં આવી હતી. દુકાન સંચાલકને માત્ર તાત્કાલિક સફાઈ નહીં, પરંતુ નિયમિત રીતે સ્વચ્છતા જાળવવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી.
વાયરલ થયેલા વીડિયોના આધારે પાલિકાના આરોગ્ય વિભાગે સંચાલક સામે દંડાત્મક કાર્યવાહી પણ કરી હતી. ગણપત કાકાના ગોટાના સંચાલકને રૂ.10 હજારનો દંડ ફટકારવાની સાથે નોટિસ આપવામાં આવી છે. ખાણી-પીણીની દુકાનોમાં સ્વચ્છતા જાળવવામાં બેદરકારી સામે પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવતાં અન્ય ખાણી-પીણીના એકમોમાં પણ સ્વચ્છતા અંગે તંત્રની તાકિદનો સંદેશ પહોંચ્યો છે.