Surat

હર ઘર શૌચાલયની વાતો વચ્ચે સુરત પાલિકાના પે એન્ડ યુઝ ટોયલેટને તાળાં, ભંગારવાળાનો કબજો

By GS Team
16 Nov 20263 mins read
TukuTouch Logo
સુરતમાં સ્વચ્છતાના દાવાઓ વચ્ચે અડાજણ શીતલ ચાર રસ્તા પાસેનું પાલિકાનું પે એન્ડ યુઝ ટોઈલેટ દબાણખોરોના કબજામાં છે. આ જાહેર શૌચાલયને તાળાં મારી ભંગારનું ગોડાઉન બનાવી દેવાયું છે, જેને કારણે લોકોને સુવિધા મળતી નથી. CCTV કેમેરાની નજર હેઠળ પણ જાહેર મિલકત પચાવી પાડવામાં આવી રહી છે, છતાં તંત્ર કાર્યવાહી કરતું નથી. સ્વચ્છતા સર્વેક્ષણમાં પાછળ ધકેલાયા બાદ પણ પાલિકાની બેદરકારી યથાવત્ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હર ઘર શૌચાલયની વાતો વચ્ચે સુરત પાલિકાના પે એન્ડ યુઝ ટોયલેટને તાળાં, ભંગારવાળાનો કબજો

Surat News : સ્વચ્છતાના દાવા વચ્ચે સુરતમાં જાહેર શૌચાલય જ દબાણખોરોના કબજામાં છે. અડાજણ શીતલ ચાર રસ્તા પાસે રિવરફ્રન્ટના છેડે આવેલા પાલિકાના પે એન્ડ યુઝ ટોઈલેટને તાળાં લાગી ગયા છે અને ભંગારનું ગોડાઉન બનાવી દેવાયું છે. સીસીટીવી કેમેરાની નજર સામે જ જાહેર મિલકત પચાવી પાડવામાં આવી રહી છે, છતાં તંત્રને કશું દેખાતું નથી. વાહનચાલકોને દંડવામાં વાઘ જેવી કામગીરી કરતું પાલિકા-પોલીસ તંત્ર દબાણ ખોરો સામે કેમ બિલાડી બની જાય છે? પ્રજાની સુવિધા પર કબજો કરનારા સામે કાર્યવાહી ક્યારે થશે? તેવી લોકોમાં ચર્ચા છે.
સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશના સૌથી સ્વચ્છ શહેરોની યાદીમાં સુરત પ્રથમ ક્રમેથી બીજા ક્રમે ધકેલાયું છે. ખજોદ ખાતે કચરાના નિકાલમાં થયેલી બેદરકારી, કચરાના ઢગલા અને હોટમિક્સના કચરાના નિકાલમાં થયેલી ગંભીર ચૂક બાદ પણ પાલિકા તંત્રએ કોઈ બોધપાઠ લીધો હોય તેમ લાગતું નથી. શહેરની સ્વચ્છતા અને જાહેર મિલકતોની જાળવણીમાં આવી જ બેદરકારી અડાજણના પે એન્ડ યુઝ ટોઈલેટમાં પણ જોવા મળી રહી છે. કચરાના નિકાલમાં બેદરકારી દાખવનાર તંત્ર જાહેર શૌચાલય પર થયેલું દબાણ પણ હટાવી શકતું નથી.
એક તરફ સ્વચ્છતામાં નંબર સુધારવાના દાવા થાય છે અને બીજી તરફ પ્રજાની પાયાની સુવિધાઓ જ દબાણખોરોના કબજામાં છે. અડાજણના લો લેવલ બ્રિજથી નહેરુ બ્રિજ અને વોક-વે બ્રિજ સુધીના માર્ગ પર ભંગારના કાટપીટિયાઓએ અડિંગો જમાવ્યો છે. રસ્તા અને જાહેર જગ્યાઓ પર દબાણની સાથે હવે પાલિકાના પે એન્ડ યુઝ ટોઈલેટને પણ છોડવામાં આવ્યું નથી. ટોઈલેટ બ્લોકની અંદર જ જૂનાં કબાટ, લાકડાનું ફર્નિચર અને અન્ય ચીજવસ્તુઓ મૂકી દેવામાં આવી છે. પરિણામે લોકોની સુવિધા માટે બનાવેલું શૌચાલય ઉપયોગને બદલે ભંગાર સંગ્રહવાનું સ્થળ બની ગયું છે. આ વિસ્તારમાં આવતા લોકો માટે શીતલ ચાર રસ્તા પાસેનું પે એન્ડ યુઝ ટોઈલેટ મહત્ત્વની જાહેર સુવિધા છે. પરંતુ તેના પર જ તાળાં લાગી જતાં લોકોને શૌચાલયની સુવિધાથી વંચિત રહેવું પડે છે.
આશ્ચર્યની વાત એ છે કે, આ સ્થળે સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. પાલિકા અને પોલીસના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ આ માર્ગ પરથી અવરજવર કરે છે. આમ છતાં કેમેરાની નજર સામે જ જાહેર મિલકત પર દબાણ થઈ રહ્યું છે અને તેને દૂર કરવા કોઈ નક્કર કામગીરી થતી નથી. તંત્રની આવી ઢીલી કામગીરીના કારણે દબાણકર્તાઓને જાણે મોકળું મેદાન મળી ગયું હોય તેવી સ્થિતિ છે.
સ્વચ્છતાના રેન્કિંગની ચિંતા, જાહેર શૌચાલયની કોઈને પડી નથી
સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત પ્રથમ ક્રમેથી બીજા ક્રમે ધકેલાયું, ખજોદમાં કચરાના નિકાલ અને હોટમિક્સના કચરાની બેદરકારી સામે આવી, છતાં પાલિકા તંત્રના કામકાજમાં સુધારો થતો દેખાતો નથી. હવે તો પ્રજાની પાયાની સુવિધા ગણાતું જાહેર શૌચાલય પણ દબાણખોરોના કબજામાંથી બચાવી શકાતું નથી. અડાજણમાં પે એન્ડ યુઝ ટોઈલેટને  ભંગારનું ગોડાઉન બનાવી દેવાયું છે. એક તરફ સ્વચ્છતામાં નંબર સુધારવાની વાતો થાય છે, બીજી તરફ જાહેર મિલકત પર દબાણ દૂર કરવાની જવાબદારી પણ નિભાવી શકાતી નથી. શહેરને સ્વચ્છતામાં નંબર અપાવવો હોય તો પહેલાં ખજોદના કચરાથી માંડીને રસ્તા પરના દબાણો અને બંધ પડેલી જાહેર સુવિધાઓની ચિંતા કરવી પડશે. માત્ર સ્વચ્છતાના પ્રચારથી શહેર સ્વચ્છ નહીં બને, તેના માટે જમીન પર કામગીરી પણ દેખાવી જોઈએ.