25 દિવસના ઇન્ચાર્જ કમિશનર બાદ સુરતને મળ્યા પૂર્ણ સમયના કમિશનર : સ્વચ્છ સુરતથી વિશ્વસ્તરીય સુરત બનાવવાનું નવા મ્યુનિ. કમિશનર બેનીવાલનું વિઝન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Corporation : સુરત પાલિકાના વહીવટમાં 25 દિવસના ઇન્ચાર્જ સમયગાળા બાદ હવે પૂર્ણ સમયના મ્યુનિસિપલ કમિશનર તરીકે રાજકુમાર બેનીવાલે સોમવારે સવારે વિધિવત્ ચાર્જ સંભાળ્યો હતો. ચાર્જ સંભાળતાની સાથે જ તેમણે સુરતના વિકાસ માટેનું પોતાનું વિઝન સ્પષ્ટ કરતાં આગામી 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણમાં સુરતની મહત્વપૂર્ણ ભૂમિકા રહેશે તેમ જણાવ્યું હતું. સુરતને દેશના જ નહીં પરંતુ વિશ્વના અગ્રણી વિકસિત શહેરોની હરોળમાં લઈ જવા માટે આયોજનબદ્ધ રીતે વિકાસને આગળ ધપાવવાનો સંકલ્પ તેમણે વ્યક્ત કર્યો હતો. નવા કમિશનરની પ્રાથમિકતાઓમાં સ્વચ્છતા, શહેરીજનોને સરળતાથી અને ઝડપથી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી, રોડ-રસ્તા, પાણી અને ટ્રાફિક સહિતની સમસ્યાઓનું ઝડપી નિરાકરણ તેમજ શહેરના આઈકોનિક પ્રોજેક્ટ્સને સમયબદ્ધ આયોજન સાથે આગળ ધપાવવાનો સમાવેશ થાય છે. ખાસ કરીને સુરતીઓમાં પોતાના શહેર પ્રત્યે ગૌરવની લાગણી વધુ મજબૂત થાય તે માટે સ્વચ્છતાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની વાત તેમણે કરી હતી. ખાડીપૂરની સમસ્યાનો પણ વિવિધ પાસાઓનો સઘન અભ્યાસ કરી વહેલી તકે કાયમી ઉકેલ તરફ આગળ વધવાનો સંકેત આપ્યો હતો. અમદાવાદ-વડનગર પ્રોજેક્ટ અને જીએનએફસીના એમડી સહિત વિવિધ મહત્વની જવાબદારીઓ સંભાળી ચૂકેલા અને વહીવટનો 22 વર્ષનો બહોળો અનુભવ ધરાવતા બેનીવાલે રિવરફ્રન્ટ, બરાજ સહિતના આઈકોનિક પ્રોજેક્ટ્સની હાલની સ્થિતિનો અભ્યાસ કરી તેને યોગ્ય પ્લાનિંગ સાથે આગળ ધપાવવાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. સાથે જ કાર્યરત પ્રોજેક્ટ્સ સમયસર પૂર્ણ થાય અને પાલિકા દ્વારા અપાતી સેવાઓનો સીધો લાભ નાગરિકોને ઝડપથી મળે તે દિશામાં કામગીરીને પ્રાથમિકતા આપવાનો તેમણે નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
અધિકારીઓની અછત વચ્ચે ‘જવાબદારીથી બચવાની’ વૃત્તિ પડકારરૂપ
સુરત પાલિકામાં નવા કમિશનર રાજકુમાર બેનીવાલે ચાર્જ સંભાળ્યો છે ત્યારે શહેરના વિકાસ ઉપરાંત પાલિકાના આંતરિક વહીવટને વ્યવસ્થિત કરવાનો પડકાર પણ તેમની સામે રહેશે. પાલિકામાં અધિકારીઓની અછત વચ્ચે કેટલાક અધિકારીઓ પર એકથી વધુ મહત્વની જવાબદારીનું ભારણ છે, જ્યારે બીજી તરફ કેટલાક અધિકારીઓ મહત્વની કામગીરી કે વિવાદાસ્પદ મુદ્દો સામે આવે ત્યારે રજા પર ઉતરી જતા હોવાની ચર્ચા છે. આવી સ્થિતિમાં જવાબદારી નિભાવવાને બદલે તેમાંથી દૂર રહેવાની વૃત્તિ વહીવટ માટે ચિંતાનો વિષય બની છે.
પાલિકામાં લાંબા સમયથી સસ્પેન્ડ રહેલા અધિકારીઓના કેસોનો નિકાલ પણ પડતર છે. સાથે જ અધિકારીઓ વચ્ચેની જૂથબંધી અને આંતરિક ખેંચતાણને કારણે પણ વહીવટી કામગીરી પર અસર થતી હોવાની ચર્ચા છે. મહત્વના કામની જવાબદારી સોંપાયા બાદ પણ કેટલાક અધિકારીઓ દ્વારા જવાબદારીમાંથી હાથ ખંખેરવાની વૃત્તિ જોવા મળતી હોવાના આક્ષેપો વચ્ચે નવા કમિશનર માટે જવાબદારી નક્કી કરવી પણ મહત્વપૂર્ણ રહેશે.




