સુરતમાં 24 કલાકમાં 2 એન્કાઉન્ટર: પોલીસ પર હુમલો કરનાર અને ભાગવાનો પ્રયાસ કરનાર લૂંટ કેસના 2 આરોપીને પગમાં ગોળી મરાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Police encounter : સુરત શહેરમાં 19 નવેમ્બરની સવારે 45 મિનિટના સમયગાળામાં લૂંટ અને ચાકુબાજીની ઘટનાઓને અંજામ આપવાના મામલે પોલીસે 24 કલાકની અંદર બે અલગ-અલગ ઘટનાઓમાં ગોળીબાર કરી બંને આરોપીઓને ઝડપી લીધા છે. પોલીસ માહિતી મુજબ, પ્રથમ લિંબાયત વિસ્તારમાં મોડી રાત્રે આરોપી પરવેઝ મુશરફ અન્સારીના ડાબા પગમાં ગોળી મારી પકડવામાં આવ્યો હતો, ત્યારબાદ આજે ક્રાઈમ બ્રાંચની ટીમ પર ભાગવાનો પ્રયાસ અને ઝપાઝપી કરનાર બીજા આરોપી લક્ષ્મણકુમાર ઉર્ફે ગુડ્ડુ યાદવના પગમાં પણ PSI દ્વારા ફાયરિંગ કરીને તેને કાબૂમાં લેવાયો છે.
લિંબાયતમાં નાઈટ પેટ્રોલિંગ દરમિયાન પ્રથમ અથડામણ
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, લિંબાયત પોલીસ સ્ટેશનની ટીમ મોડી રાત્રે આશરે ત્રણ વાગ્યાના સુમારે પેટ્રોલિંગ કરી રહી હતી. દરમિયાન નીલગીરી ગ્રાઉન્ડ નજીક અંધારામાં ઉભેલો શખસ પોલીસ વાન જોઈને ગભરાઈ ગયો હતો અને ગ્રાઉન્ડ તરફ ભાગવા લાગ્યો હતો. શંકા જતાં જવાનોએ વાનમાંથી ઉતરી તેનો પીછો કરી ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.
પોલીસની ટીમ નજીક પહોંચી ત્યારે કોન્સ્ટેબલ તેને પકડવા ગયા હતા, પરંતુ આરોપીએ કમરમાંથી ચપ્પુ કાઢી કોન્સ્ટેબલ પર હુમલો કરતાં તેઓ ઈજાગ્રસ્ત થયા હતા. સ્થિતિ વણસતાં PIએ ચપ્પુ નીચે મૂકી દેવાની ચેતવણી આપી હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. છતાં આરોપી ચપ્પુ લઈને PI તરફ ધસી આવતાં સ્વબચાવમાં પોલીસે તેના ડાબા પગ તરફ ગોળી ચલાવી હતી, જેનાથી તે સ્થળ પર જ ઢળી પડ્યો હતો.
ક્રાઈમ બ્રાંચના જાપ્તામાંથી ભાગવાનો પ્રયાસ કરતાં બીજા આરોપી પર ફાયરિંગ
આ ઘટનાના કલાકો બાદ બીજા આરોપી લક્ષ્મણકુમાર ઉર્ફે ગુડ્ડુ દિલીપ ઉર્ફે ઈન્દ્રર યાદવ (ઉં.વ. 20, મૂળ હરસોલ, ફતેહપુર, પટના, બિહાર) ને મેડિકલ સારવાર માટે લઈ જતી વખતે તેણે પોલીસ જાપ્તામાંથી ભાગવાનો પ્રયાસ કરીને ઝપાઝપી કરી હતી. આ દરમિયાન સુરત ક્રાઈમ બ્રાંચના PSIએ ફાયરિંગ કર્યું હતું અને આરોપીના પગમાં ગોળી વાગતાં તેને ઝડપી લેવામાં આવ્યો હતો.
બંને આરોપી અને ઈજાગ્રસ્ત કોન્સ્ટેબલ સારવાર હેઠળ
ચપ્પુના હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા પોલીસ કોન્સ્ટેબલને સારવાર માટે લિંબાયતની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બીજી તરફ, ગોળીથી ઘાયલ થયેલા બંને આરોપીઓને પોલીસ બંદોબસ્ત વચ્ચે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા.
લૂંટના બનાવોની કબૂલાત અને અગાઉની ફાયરિંગની ઘટના
પોલીસ પૂછપરછમાં ઝડપાયેલા પ્રથમ આરોપીનું નામ પરવેઝ મુશરફ અન્સારી હોવાનું સામે આવ્યું છે, જે મૂળ ઝારખંડનો વતની છે અને હાલ લિંબાયતના મમતા ટોકીઝ પાસે રહેતો હોવાનું જણાવાયું છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓએ વરાછા, કતારગામ અને મહિધરપુરા સહિતના વિસ્તારોમાં લૂંટના બનાવોને અંજામ આપ્યા હતા અને પોલીસે લૂંટના કેટલાક મોબાઈલ ફોન પણ કબજે કર્યા છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા છ મહિનામાં લિંબાયત પોલીસ દ્વારા આરોપી પર ફાયરિંગની આ બીજી ઘટના છે. અગાઉ 11 મેના રોજ લિંબાયતના રામજી મંદિર પાસે કિશોર અનુરાગ પવારની હત્યાના આરોપી રાહુલ જોગીને મીઠી ખાડી પાસે પકડવા ગયેલી ટીમના કોન્સ્ટેબલ મુકેશ બાગુલ પર તેણે ચપ્પુથી હુમલો કર્યો હતો, ત્યારે પણ પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કરીને તેને ઝડપી લીધો હતો.




