VIDEO : બાંગ્લાદેશ ભડકે બળ્યું! વિસ્ફોટ-હિંસા વચ્ચે મુહમ્મદ યુનુસનું ઘર, પોલીસ સ્ટેશન ફૂંકી માર્યા; શેખ હસીનાની પાર્ટીનું 'લોકડાઉન'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Bangladesh Violence : બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની સ્વદેશ વાપસીનો સમય નજીક આવતા જ પાડોશી દેશમાં પરિસ્થિતિ અત્યંત વણસી ગઈ છે અને ગૃહયુદ્ધ જેવો માહોલ સર્જાયો છે. પ્રતિબંધિત થઈ ચૂકેલી શેખ હસીનાની પાર્ટી આવામી લીગે પહેલીવાર પોતાના દમ પર સમગ્ર દેશમાં લોકડાઉન અને હડતાળનું એલાન આપ્યું હતું, જેના પગલે 19 નવેમ્બરના રોજ બાંગ્લાદેશના મોટાભાગના વિસ્તારો સજ્જડ બંધ રહ્યા હતા. વડાપ્રધાન તારિક રહેમાનની બીએનપી (BNP) સરકારે હિંસા ડામવા માટે 7 સંવેદનશીલ જિલ્લાઓમાં આશરે 3,000 સુરક્ષા જવાનો તૈનાત કર્યા હોવા છતાં ઠેર-ઠેર આગચંપી, બોમ્બ વિસ્ફોટ અને લોહિયાળ અથડામણો ફાટી નીકળી છે.
સંવેદનશીલ જિલ્લાઓમાં BGBની 96 પ્લાટૂન અને કડક સુરક્ષા બંદોબસ્ત
ગૃહ મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઢાકા, ચટગાંવ, નારાયણગંજ, ગાઝીપુર, ગોપાલગંજ, મયમનસિંહ અને ફરીદપુર જેવા અતિ સંવેદનશીલ જિલ્લાઓમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસની મદદમાં બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (BGB) ની 96 પ્લાટૂન (આશરે 3,000 જવાનો) ઉતારવામાં આવી છે. BGB અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે ગોપાલગંજ જિલ્લામાં સૌથી વધુ 27 પ્લાટૂન, રાજધાની ઢાકામાં 23 પ્લાટૂન અને ચટગાંવમાં 15 પ્લાટૂન તૈનાત કરાઈ છે, જેઓ સ્થાનિક પ્રશાસન સાથે મળીને કામ કરી રહ્યા છે. આ ઉપરાંત પોલીસે ઢાકાના મુખ્ય ફ્લાયઓવર પર સુરક્ષા વધારી દીધી છે અને શહેરમાં આવતી-જતી તમામ મોટરો તથા મોટરસાઇકલોને અટકાવીને ડ્રાઇવરો અને મુસાફરોની સઘન પૂછપરછ તથા તપાસ શરૂ કરી છે.
ગોપાલગંજમાં સૌથી વધુ તણાવ: સાંસદના ઘર અને પોલીસ સ્ટેશનને આગ ચાંપી
શેખ હસીનાના સમર્થકો—જેમાં પ્રતિબંધિત આવામી લીગ, જુબો લીગ અને છાત્ર લીગના નેતાઓ તથા કાર્યકરો સામેલ છે—તેમણે ગોપાલગંજ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સ્થાનિક હથિયારો લહેરાવીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. અધિકારીઓના જણાવ્યા મુજબ, કાશિયાનીમાં ગોપાલગંજ-1 મતવિસ્તારના સાંસદ સેલિમુજ્જમાન મોલ્લાના ઘર તેમજ તેમના સંબંધીઓ અને સમર્થકોના અનેક મકાનોમાં આગ લગાડવામાં આવી હતી. હસીનાના જન્મસ્થળ તુંગીપાડામાં એક પોલીસ સ્ટેશન સળગાવ્યાના બે દિવસ બાદ તોફાનીઓએ ગોપાલગંજના કાશિયાની પોલીસ સ્ટેશનને પણ આગને હવાલે કરી દીધું હતું. એક પ્રત્યક્ષદર્શીના કહેવા મુજબ, જ્યારે કાર્યકરોએ પોલીસ સ્ટેશનમાં આગ લગાડી ત્યારે ત્યાં કોઈ પોલીસકર્મી હાજર નહોતા. ફાયર સર્વિસના અધિકારી શિપ્લૂ અહમદે જણાવ્યું કે આ વિસ્તારમાં પાર્ક કરેલા 10 વાહનો પણ સળગાવી દેવાયા હતા. છેલ્લા બે દિવસમાં બીએનપીના અન્ય બે સાંસદોના ઘરો પર પણ હુમલા થતા ગોપાલગંજ સૌથી અશાંત જિલ્લો બની ગયો છે અને ગુરુવારે અહીં મોટાભાગના વેપાર-ધંધા બંધ રહ્યા હતા.
હિંસામાં 4 લોકોના મોત, એરપોર્ટ હાઈ એલર્ટ પર
બુધવારે રાત્રે પશ્ચિમી નરેલમાં થયેલી હિંસામાં બીએનપીના બે સ્થાનિક નેતાઓના મોત નીપજ્યા છે, જ્યારે છેલ્લા બે દિવસમાં દક્ષિણ-પશ્ચિમી ફરીદપુર અને પિરોજપુરમાં પણ બે લોકોએ જીવ ગુમાવ્યા છે. દેશના અલગ-અલગ ભાગોમાં તોડફોડ, આગચંપી અને કોકટેલ બોમ્બ વિસ્ફોટની ઘટનાઓને પગલે નાગરિક ઉડ્ડયન સત્તામંડળે તમામ હવાઈ મથકોને હાઈ એલર્ટ પર મૂકી દીધા છે. બીજી તરફ, પોલીસ દ્વારા પણ તોફાનીઓને કાબૂમાં લેવા ટીયર ગેસના શેલ છોડવામાં આવી રહ્યા છે અને લાઠીચાર્જ કરવામાં આવી રહ્યો છે.
ઢાકામાં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ અને યુનુસના ઘર-બેંક પર હુમલો
કડક સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં રાજધાની ઢાકામાં મોડી રાતથી વહેલી સવાર સુધી અનેક દેશી અને કાચા બોમ્બના ધડાકા થયા હતા, જેમાં ઓછામાં ઓછા 4 લોકો ઘાયલ થયા છે. ગુરુવારે સવારે ઢાકાના અગરગાંવ વિસ્તારમાં અજાણ્યા શખ્સોએ મેટ્રો રેલ સ્ટેશનની નીચે દેશી બોમ્બ ફોડતા ભારે અફરાતફરી મચી ગઈ હતી, જોકે તેમાં કોઈ જાનહાનિ થઈ નહોતી. આ દરમિયાન ચટગાંવમાં પૂર્વ વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસના પૈતૃક નિવાસસ્થાને રમખાણકારોએ આગ ચાંપી દીધી હતી, તેમજ દેશના જુદા જુદા ભાગોમાં આવેલી તેમની ગ્રામીણ બેંકની શાખાઓને પણ આગ લગાડવામાં આવી હતી. આ ઉપરાંત રાજકીય ટકરાવમાં બીએનપી સાથે જોડાયેલા મનાતા વિરોધી કાર્યકરોએ રાતોરાત ઢાકામાં આવામી લીગના બે નેતાઓના ઘરો પર હુમલો કરીને આગ લગાડી દીધી હતી, જેનાથી બંને પક્ષોના કાર્યકરો સામસામે યુદ્ધે ચઢ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
ગારમેન્ટ કામદારોના દેખાવો અને વાહનવ્યવહાર સંપૂર્ણ ઠપ
સ્થાનિક મીડિયા અહેવાલો મુજબ, ઢાકાની આસપાસના ઔદ્યોગિક વિસ્તારોમાં ગારમેન્ટ ફેક્ટરીના કામદારો પગાર વધારાની માંગ સાથે તેમજ શેખ હસીનાની વાપસીના સમર્થનમાં મોટી સંખ્યામાં રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. લોકડાઉન અને દેખાવોને કારણે રાજધાની ઢાકાનો દક્ષિણ-પશ્ચિમી અને ઉત્તર-પૂર્વીય જિલ્લાઓ સાથેનો માર્ગ સંપર્ક સંપૂર્ણપણે કપાઈ ગયો હતો. ટ્રાન્સપોર્ટ ઓપરેટરોના જણાવ્યા અનુસાર, ગુરુવારે સવારે મધ્ય નારાયણગંજ, ઉત્તરી મયમનસિંહ અને ઉત્તર-પશ્ચિમી રાજશાહીમાં અલગ-અલગ ઘટનાઓમાં અજાણ્યા હુમલાખોરોએ પાર્ક કરેલી 5 બસો અને 1 ટ્રકને આગ ચાંપી દીધી હતી.
પૂર્વ મંત્રી સહિત 565 લોકોની ધરપકડ અને ફાંસીની સજાની વરસી
આવામી લીગે આ લોકડાઉન એવા સમયે જાહેર કર્યું છે, જ્યારે ગત વર્ષે એક વિશેષ ટ્રિબ્યુનલે શેખ હસીનાને માનવતા વિરુદ્ધના અપરાધો બદલ દોષિત ઠેરવીને તેમની ગેરહાજરીમાં મૃત્યુદંડ (ફાંસી) ની સજા સંભળાવી હતી, જેની વરસી છે. 'બીડી ન્યૂઝ 24' ના અહેવાલ પ્રમાણે, લોકડાઉન પૂર્વે પોલીસે 24 કલાક સુધી ચલાવેલા વિશેષ અભિયાનમાં માત્ર ઢાકામાંથી જ 565 લોકોની ધરપકડ કરી છે. આ ધરપકડ કરાયેલા લોકોમાં શેખ હસીનાની સરકારમાં પૂર્વ શિક્ષણ મંત્રી રહેલા નૂરુલ ઇસ્લામ નાહિદનો પણ સમાવેશ થાય છે, જેમને બુધવારે મધરાતે ઢાકા સ્થિત તેમના નિવાસસ્થાનેથી કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.
હસીનાની વાપસીની જાહેરાત સામે વડાપ્રધાન તારિક રહેમાનનો લલકાર
ઉલ્લેખનીય છે કે 79 વર્ષીય શેખ હસીના 5 ઓગસ્ટ, 2024 ના રોજ વિદ્યાર્થીઓના 'જુલાઈ વિદ્રોહ' બાદ સત્તા ગુમાવીને બાંગ્લાદેશ છોડીને ભારતમાં આશ્રય લઈ રહ્યા છે. બાંગ્લાદેશ સરકાર ભારત પાસે તેમના પ્રત્યાર્પણની માંગ કરી રહી છે, ત્યારે હસીનાએ ડિસેમ્બર 2026 માં કોઈપણ કિંમતે બાંગ્લાદેશ પરત ફરવાની જાહેરાત કરી છે. આ ઘટનાક્રમ વચ્ચે વડાપ્રધાન તારિક રહેમાને મંગળવારે રાત્રે સંસદમાં સંબોધન કરતા આવામી લીગને એક આતંકવાદી સંગઠન તથા પરાજિત અને સત્તાવિહોણી ફાસીવાદી તાકાત ગણાવી હતી. તેમણે આવામી લીગની વાપસી રોકવા માટે તમામ લોકતાંત્રિક તાકાતોને 2024 ના જુસ્સા સાથે ફરી એકજૂટ થઈને આ નિરંકુશ તાકાતોને નિર્ણાયક રીતે હરાવવાનું આહ્વાન કર્યું છે.




