Surat

ગે ડેટિંગ પર મિત્રતા કરતાં પહેલા ચેતજો! સુરતમાં યુવકે મળવા બોલાવી લૂંટી લીધો, 3 રીઢા ગુનેગારો ઝડપાયા

By GS Team
1 Sep 20262 mins read
TukuTouch Logo
સુરતના નાના વરાછામાં ડેટિંગ એપ દ્વારા 43 વર્ષીય સાઇટ સુપરવાઇઝરને મળવા બોલાવી ચપ્પુ બતાવી લૂંટ ચલાવનાર 3 શખસોને વરાછા પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી 1 મોબાઈલ અને 5500 રૂપિયા રોકડ જપ્ત કર્યા. ઝડપાયેલા આરોપીઓ પૈકી 2 રીઢા ગુનેગાર છે. રાજ એપથી લોકોને બોલાવી લૂંટ ચલાવતો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

ગે ડેટિંગ પર મિત્રતા કરતાં પહેલા ચેતજો! સુરતમાં યુવકે મળવા બોલાવી લૂંટી લીધો, 3 રીઢા ગુનેગારો ઝડપાયા

Surat Crime News: સુરતના નાના વરાછા વિસ્તારમાં ડેટિંગ (ગે) એપ મારફતે સંપર્ક કરી 43 વર્ષીય સાઇટ સુપરવાઇઝરને મળવા બોલાવ્યા બાદ ચપ્પુ બતાવી માર મારી લૂંટ ચલાવનાર ત્રણ શખસોને વરાછા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી એક મોબાઇલ ફોન અને 5500 રૂપિયાની રોકડ રકમ કબજે કર્યા હતા.

વરાછા પોલીસે ગણતરીના સમયમાં બે રીઢા ગુનેગાર સહિત ત્રણ ઝડપાયા

મળતી માહિતી અનુસાર, મૂળ ભાવનગરના વતની અને કન્સ્ટ્રક્શન ઓફિસમાં કામ કરતા હિતેશ (નામ બદલ્યું છે)નો ચાર દિવસ અગાઉ ગે-એપ પર સંપર્ક કરી ઘનશ્યામનગર સોસાયટી ભગવતી રસવાળી ગલી ખાતે બોલાવાયા હતા. ત્યાં એક મકાનના ચોથા માળે ત્રણેય શખસોએ ચપ્પુ બતાવી માર મારીને 7 હજાર રૂપિયાનો મોબાઇલ અને 5 હજાર રૂપિયા રોકડા લૂંટી ફરાર થઈ ગયા હતા.

વરાછા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી મજૂરીકામ કરતા 21 વર્ષીય અર્ચીત ઉર્ફે લેમ્બો નાજાભાઈ સાંખટ (રહે. વરાછા, મૂળ રહે. ચીત્રાસર, જાફરાબાદ), 23 વર્ષીય રત્નકલાકાર જયેશ ઉર્ફે મામુ દહુભાઈ ગોહીલ (રહે. વરાછા, મૂળ રહે.અંબાડા, ગીર ગઢડા) અને 20 વર્ષીય રત્નકલાકાર રાજ ઉર્ફે કાળીયો પદમશીંગ કુશવાહા (રહે. વરાછા, મૂળ રહે.જી.આગ્રા, ઉત્તર પ્રદેશ)ને ઝડપી લીધા હતા.

આરોપીઓ પૈકી રાજ ગે-એપથી લોકોને અવાવરૂ જગ્યાએ બોલાવતો અને બાદમાં ત્રણેય મળી લૂંટ ચલાવતા હતા. ઝડપાયેલા અર્ચીત સામે અગાઉ વરાછામાં લૂંટ વિથ મર્ડર અને ગોડાદરામાં ચોરીના ગુના નોંધાયેલા છે, જ્યારે રાજ ઉર્ફે કાળીયો દારૂના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે.