ટ્રેનના AC કોચમાં ચાલતી હતી દારૂની ખેપ: બાંદ્રા-ભુજ સુપરફાસ્ટમાં મુસાફરોએ જ બુટલેગરોને ઘેરી લીધા, 3 પકડાયા અને 2 ફરાર!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Railway Station Liquor Seized: બાંદ્રાથી ભુજ જઈ રહેલી ટ્રેનના થર્ડ એસી કોચમાં મુસાફરોની જાગરૂકતાના કારણે દારૂની ખેપ ઝડપાઈ છે. મુસાફરોએ કોચમાંથી દારૂની પેટીઓ શોધી કાઢીને ત્રણ શંકાસ્પદ શખસોને પકડી રેલવે પોલીસને સોંપ્યા હતા. આ મામલે રેલવે પોલીસે કુલ 5 શખસો સામે ગુનો નોંધ્યો છે, જેમાંથી 3 આરોપીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે, જ્યારે ફરાર થઈ ગયેલા અન્ય 2 શંકાસ્પદ આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આરોપીઓ સુરત તરફ આ દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
મુસાફરોએ બેગ ખોલીને તપાસ કરતાં દારૂ જથ્થો મળ્યો
મળતી માહિતી મુજબ, બાંદ્રા ટર્મિનસથી ભુજ જઈ રહેલી સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનના થર્ડ એસી કોચમાં 27મી ઓગસ્ટના રોજ દારૂનો મોટો જથ્થો હોવાનો સામે આવ્યું હતું. વાપી સ્ટેશનથી ટ્રેન ઉપડ્યા બાદ મુસાફરોનું ધ્યાન સીટ નીચે લાંબા સમયથી મુકેલી કેટલીક બિનવારસી બેગ પર ગયું હતું. કોઈ પેસેન્જર બેગ લેવા ન આવતાં મુસાફરોને શંકા ઉપજી હતી. મુસાફરોએ બેગ ખોલીને તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની બોટલો, બિયરના કેન અને ક્વાર્ટરનો જથ્થો મળી આવ્યો હતો.
આ અંગેની જાણ થતાં જ કોચમાં સવાર અન્ય મુસાફરો પણ જાગૃત થઈ ગયા હતા. મુસાફરોએ સ્વતંત્ર રીતે કોચમાં તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન સીટ નીચે અને ખૂણાઓમાં છુપાવેલી 10થી વધુ પેટીઓ, થેલીઓ અને પ્લાસ્ટિકની કોથળીઓ મળી આવી હતી. મુસાફરોએ આ સમગ્ર જથ્થો કોચના ટોયલેટ પાસે અને વેસ્ટિબ્યુલ વિસ્તારમાં એકઠો કર્યો હતો. ત્યારબાદ મુસાફરોએ તાત્કાલિક ટ્રેનના ટીટીઈને જાણ કરી રેલવે સુરક્ષા વ્યવસ્થા સામે રોષ વ્યક્ત કર્યો હતો.
મુસાફરોએ આરોપીને ઝડપી લીધા હતા
દરમિયાન કોચમાં હાજર 3 શંકાસ્પદ શખસો ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ મુસાફરોએ તેમને ઘેરીને ઝડપી લીધા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, ટ્રેનમાં અલગ-અલગ ૫ શંકાસ્પદ બુટલેગરો દારૂનો જથ્થો સુરત તરફ લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ઝડપાયેલા ત્રણેય શંકાસ્પદોને પકડી રાખવામાં આવ્યા હતા, જ્યારે અન્ય 2 શંકિતો ભીડ અને હોબાળાનો લાભ ઉઠાવીને રફુચક્કર થઈ ગયા હતા.
રેલવે કંટ્રોલ રૂમને ઘટનાની જાણ કરવામાં આવતાં ટ્રેન જેવી સુરત સ્ટેશન પહોંચી કે તુરંત જ આરપીએફ (RPF) અને જીઆરપી (GRP)ની ટીમ પ્લેટફોર્મ પર દોડી આવી હતી. મુસાફરોએ ઝડપી પાડેલા ત્રણેય શંકાસ્પદો અને દારૂનો જથ્થો પોલીસને સુપ્રત કર્યો હતો.




