થ્રિલર ફિલ્મ જેવો કિસ્સો: જેની લાશ શોધવા પોલીસે આકાશ-પાતાળ એક કર્યા, તે મહિલા સુરતમાં જીવિત મળી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Missing Woman Found Alive: ઝારખંડ-રાંચી પોલીસમાં જે મહિલાની હત્યા બાદ લાશ સગેવગે કરવાનો ગુનો નોંધાયો હતો, તે બે સંતાનની માતા સચિન જીઆઈડીસી વિસ્તારમાંથી હયાત મળી આવ્યાનો સસ્પેન્સ થ્રિલર ફિલ્મને ટક્કર મારતો કિસ્સો હાલ ચર્ચાનો વિષય બન્યો છે. આ મામલે સચિન જીઆઈડીસી પોલીસે મહિલાને ઝારખંડ-રાંચી પોલીસને હવાલે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પિતાએ દહેજ લોભી જમાઈ અને તેના ભાઈ વિરુદ્ધ નોંધાવી હતી હત્યાની ફરિયાદ
આ કિસ્સાની વિગતવાર વાત કરીએ તો, ઝારખંડ-રાંચીના ખેલારી પોલીસ સ્ટેશનમાં ગત 30 ઓગસ્ટે છઠ્ઠુ ગોપ ગિરધારી ગોપ (ઉ.વ. 65, રહે. ટંડવા, ગ્વાલાટોલી, ચતરા) દ્વારા પોતાની પુત્રી વિણીદેવી ઉર્ફે વીણાદેવી સામુ મહંતો (ઉ.વ. 36, રહે. દક્ષિણી બસ્તી, ચુરી, તા. ખેલારી, રાંચી-ઝારખંડ)ની ગત 24 ઓગસ્ટે હત્યા કરી લાશ સગેવગે કરી નાખ્યાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ફરિયાદ જમાઈ સામુ બંધુ મહંતો અને તેના નાના ભાઈ અનિકેત મહંતો સહિતના સાસરીયાઓ વિરુદ્ધ કરવામાં આવી હતી. પોલીસે હત્યાનો ગુનો તો નોંધી દીધો હતો, પરંતુ વિણીદેવીની લાશનો કોઈ જ પત્તો ન મળવાને કારણે પોલીસ ભારે મુંઝવણમાં મુકાઈ ગઈ હતી.
મોબાઈલ લોકેશનના આધારે સુરત પહોંચી પોલીસ અને મહિલાનો ભેદ ઉકેલાયો
જો કે, લાશની સઘન શોધખોળ દરમિયાન વિણીદેવીનો મોબાઈલ ફોન ચાલુ હોવાનું અને તેનું લોકેશન સુરત બતાવતું હોવાનું સામે આવ્યું હતું. જેના પગલે ખેલારી પોલીસની ટીમ સુરતમાં દોડી આવી હતી. સ્થાનિક સચિન જીઆઈડીસી પોલીસની મદદથી પોલીસે જીઆઈડીસીની શિવાંજલી સોસાયટીમાં રાજુભાઈની ચાલમાં રહેતી વિણીદેવીનેી ભાળ મેળવી શોધી કાઢી હતી અને તેને તુરંત ખેલારી પોલીસને હવાલે કરી હતી.
શારીરિક-માનસિક ત્રાસથી કંટાળીને ઘરેથી ભાગીને સુરત આવી ગઈ હતી મહિલા
ઉલ્લેખનીય છે કે, વિણીદેવીના લગ્ન વર્ષ 2010માં સામુ મહંતો સાથે થયા હતા અને તેમને સંતાનમાં એક પુત્ર તથા એક પુત્રી છે. લગ્ન વખતે પૂરતો કરિયાવર આપ્યો હોવા છતાં સામુ અને તેના પરિજનો દ્વારા સતત દહેજની માંગણી કરવામાં આવતી હતી અને શારીરિક તથા માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હતો. આ ત્રાસથી કંટાળીને અને તેમાંથી મુક્તિ મેળવવા માટે જ વિણીદેવી ઘર છોડીને ભાગીને સુરત આવી ગઈ હતી.




