Surat

ઉકાઈ-કાકરાપાર યોજનાના 53 વર્ષ: જાણો ગુજરાતની સૌથી જૂની અને બીજી સૌથી મોટી જીવાદોરીની ખાસિયતો

By GS Team
10 Aug 20262 mins read
TukuTouch Logo
તાપી જિલ્લાના સોનગઢ સ્થિત ઉકાઈ-કાકરાપાર યોજના દક્ષિણ ગુજરાતની જીવાદોરી છે. તાપી નદી પર બે તબક્કામાં નિર્મિત આ બહુહેતુક યોજના 1972માં પૂર્ણ થઈ. 1973માં પ્રથમવાર પાણી ભરાયું હતું. 3,31,557 હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળે છે, જેમાં ભરૂચ, સુરત, નવસારી, તાપી, વલસાડ જિલ્લાના ખેડૂતોને ફાયદો થાય છે. ઉપરાંત, 1110 મેગાવોટ ઉકાઈ થર્મલ અને 305 મેગાવોટ હાઇડ્રો પાવર પ્લાન્ટને પાણી પૂરું પાડી વીજળી ઉત્પાદનમાં મદદરૂપ થાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઉકાઈ-કાકરાપાર યોજનાના 53 વર્ષ: જાણો ગુજરાતની સૌથી જૂની અને બીજી સૌથી મોટી જીવાદોરીની ખાસિયતો

Ukai-Kakrapar Project: તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલા ઉકાઈ ગામે સ્થિત ઉકાઈ-કાકરાપાર યોજના સમગ્ર દક્ષિણ ગુજરાત માટે જીવાદોરી સમાન છે. ભારતની આ અત્યંત મહત્ત્વપૂર્ણ બહુહેતુક યોજના તાપી નદી પર બે તબક્કામાં નિર્મિત કરવામાં આવી છે. પહેલા તબક્કામાં વર્ષ 1949થી 1954 દરમિયાન 633.50 મીટર લંબાઈ ધરાવતો કાકરાપાર વીયર બનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ બીજા તબક્કામાં ઓગસ્ટ-1961માં પ્લાનિંગ કમિશન અને ફેબ્રુઆરી-1962માં રાજ્ય સરકારની મંજૂરી મળ્યા બાદ, 1964માં કામ શરૂ કરીને સને 1972માં ઉકાઈ બંધનું નિર્માણ પૂર્ણ કરાયું હતું. આ જળાશયમાં સૌપ્રથમવાર વર્ષ 1973માં એટલે કે 53 વર્ષ પહેલાં પાણી ભરવામાં આવ્યું હતું.

જળ સંગ્રહ શક્તિ અને સિંચાઈ વિસ્તાર

અંદાજે 600 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં પથરાયેલા આ જળાશયની કુલ સંગ્રહ શક્તિ 7,497 મિલિયન ઘન મીટર અને જીવંત સંગ્રહ શક્તિ 6,615 મિલિયન ઘન મીટર છે. બંધથી ઉપરવાસમાં તેની લંબાઈ 112 કિલોમીટર અને સરેરાશ પહોળાઈ 5.5 કિલોમીટર જેટલી છે. જળાશયમાં પૂર્ણ જળ સપાટીએ સરોવરની પરિધિની લંબાઈ 525 કિલોમીટર જેટલી થાય છે.

WhatsApp Image 2026-08-10 at 9.31.05 AM (1).jpeg

આ યોજના હેઠળ 3,31,557 હેક્ટર વિસ્તારમાં સિંચાઈનો લાભ મળે છે, જેના દ્વારા ભરૂચ, સુરત, નવસારી, તાપી અને વલસાડ જિલ્લાની ખેતીને સમૃદ્ધિ સાંપડી છે. આ ઉપરાંત, ઉકાઈ-પૂર્ણા ઉચ્ચતળ નહેર, સોનગઢ ઉચ્છલ નિઝર, કાકરાપાર-ગોરધા-વડ અને તાપી-કરજણ જેવી ઉદ્વહન સિંચાઈ યોજનાઓ દ્વારા હજારો હેક્ટર જમીન અને ગ્રામીણ વિસ્તારોને સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવે છે, જેમાં તાપી, સુરત અને નર્મદા જિલ્લાના કુલ 298 ગામોનો સમાવેશ થાય છે. ઉકાઈ પૂર્ણા ઉચ્ચતળ નહેરની લંબાઈ 51,110 મીટર છે અને આ નહેરની વહન ક્ષમતા 480 ક્યુસેક છે.

WhatsApp Image 2026-08-10 at 9.31.06 AM.jpeg

હરિત ઊર્જા ઉત્પાદન અને જળ વ્યવસ્થાપન

ઉકાઈ બહુહેતુક યોજના માત્ર સિંચાઈ જ નહીં, પરંતુ રાજ્યના વીજ પુરવઠા અને પીવાના પાણીની જરૂરિયાતો માટે પણ અત્યંત મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ યોજનાથી ઉકાઈ થર્મલ પાવર પ્લાન્ટના 1110 મેગાવોટ, હાઇડ્રો પાવર પ્લાન્ટના 305 મેગાવોટ અને કાકરાપાર અણુ મથકના 1840 મેગાવોટ જેવા અગ્રણી પ્લાન્ટ્સમાં પાવર જનરેશન માટે પાણી પૂરું પાડવામાં આવે છે.

WhatsApp Image 2026-08-10 at 9.31.05 AM (2).jpeg

આ ઉપરાંત, કમાન્ડ વિસ્તારમાં આવતી મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને પાણી પુરવઠા યોજનાઓ મારફતે ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લાના શહેરોમાં પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે. સાથે જ GIDC, જે.કે. પેપર મિલ જેવા ઔદ્યોગિક એકમો અને સુગર ફેક્ટરીઓને પણ આ યોજના દ્વારા જળ પુરવઠો ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

WhatsApp Image 2026-08-10 at 9.31.06 AM (1).jpeg

તાપી નદીનું કુદરતી વહન અને વિશેષતાઓ

મધ્યપ્રદેશના બેતુલ જિલ્લાના મુલતાઈમાંથી નીકળતી તાપી નદી 724 કિલોમીટર લંબાઈ ધરાવે છે, જેમાંથી 214 કિલોમીટરનો પ્રવાહ ગુજરાતમાં વહે છે. તાપી નદી એ ગુજરાતની પશ્ચિમ તરફ વહેતી બીજા નંબરની સૌથી મોટી નદી છે. ઉકાઈ જળાશય આગળ તેનો સ્ત્રાવ વિસ્તાર 62,225 ચોરસ કિલોમીટર છે. મેન્યુઅલ મુજબ ચોમાસા દરમિયાન જળાશય માટે નિયમનકારી પાણી ભરવાના લેવલ અગાઉથી જ નક્કી કરવામાં આવ્યા છે, જે ઉત્તમ જળ વ્યવસ્થાપનનું પ્રતિક છે.