સુરત: રેસ્ટોરન્ટમાંથી ફૂડ ઓર્ડર કરીને ખાધા બાદ એક જ પરિવારના 5ને ફૂડ પોઈઝનિંગ, પાંચ વર્ષીય બાળકીનું મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Food Poisoning: સુરતના વરાછા વિસ્તારમાં ફૂડ પોઈઝનિંગ ચોંકાવનારી ઘટના સામે આવી છે. રેસ્ટોરન્ટમાંથી મંગાવેલું પંજાબી શાક ખાધા બાદ એક જ પરિવારના પાંચ સભ્યોને ફૂડ પોઈઝનિંગ અસર થઈ હતી. જેમાં પરિવારની એક પાંચ વાર્ષીય માસૂમ બાળકીનું કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે પરિવારના અન્ય ચાર સભ્યો હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
પરિવારે 15મી ઓગસ્ટે રેસ્ટોરન્ટમાંથી પંજાબી શાક મંગાવ્યું હતું
મળતી માહિતી અનુસાર, વરાછા વિસ્તારમાં રહેતા અશોક કળસરિયાના પરિવારે 15મી ઓગસ્ટની રાત્રે 'શીતલ રેસ્ટોરન્ટ'માંથી કાજુ અને પનીરનું પંજાબી શાક મંગાવ્યું હતું. આ ભોજન જમ્યાબાદ 16મી ઓગસ્ટના રોજ વહેલી સવારે અશોક અને તેની એક દીકરીને પેટમાં અસહ્ય દુ:ખાવો શરૂ થયો હતો. સવારે સ્થાનિક ક્લિનિકમાંથી સારવાર લીધા બાદ પણ રાહત મળી નહતી. આ દરમિયાન બપોર સુધીમાં પરિવારના અન્ય સભ્યોની તબિયત પણ લથડવા લાગી હતી.
પરિવારની તબિયત વધુ બિગડતાં તબીબોની સલાહથી તેમને તાત્કાલિક વરાછાની સદવિચાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, 17મી ઓગસ્ટની રાત્રે હોસ્પિટલમાં 5 વર્ષની માસૂમ દીકરી આર્યાનું મોત નીપજ્યું હતું. બાળકીના મોતથી પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો છે. હાલ અશોક, તેનાં પત્ની અને તેની અન્ય બે મોટી પુત્રીઓ સદવિચાર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યાં તેમના મેડિકલ રિપોર્ટમાં પણ ફૂડ પોઈઝનિંગની પુષ્ટિ થઈ છે.
રેસ્ટોરન્ટ સામે કડક કાર્યવાહીની માંગ
આ કરૂણ ઘટના બાદ પીડિત પરિવારે પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ સમક્ષ તટસ્થ તપાસની માંગ કરી છે. ખોરાકની ગુણવત્તામાં બેદરકારી દાખવનાર રેસ્ટોરન્ટ સંચાલકો સામે સખત કાનૂની કાર્યવાહી કરવામાં આવે અને પરિવારને ન્યાય મળે તેવી અપીલ કરવામાં આવી છે.









