સુરતમાં કરંટ લાગવાથી એક જ રાતમાં 3 યુવકોના કમકમાટીભર્યા મોત: સચિન, પાંડેસરા અને લિંબાયત ઔદ્યોગિક વિસ્તારની ઘટના
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat News : હીરા અને ટેક્સટાઈલ સિટી સુરતના અલગ-અલગ ઔદ્યોગિક વિસ્તારોમાં જન્માષ્ટમીની મોડી રાત્રે એક અત્યંત કમનસીબ અને દર્દનાક ઘટના સામે આવી છે. શહેરના અલગ-અલગ કારખાના અને મિલોમાં કામ દરમિયાન વીજકરંટ લાગવાના કારણે માત્ર એક જ રાતમાં 3 યુવાનોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ ત્રણેય દુર્ઘટનાઓ મોડી રાત્રે 2 થી 3 વાગ્યાના ગાળામાં જ બની હોવાનું સામે આવતાં સમગ્ર ઔદ્યોગિક આલમમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
સિલાઈ મશીનને અડકતાં જ યુવક ઢળી પડ્યો, ઘટના CCTVમાં કેદ
પ્રથમ બનાવ સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ‘કલર્સ ડિજિટલ’ નામની ફર્મમાં બન્યો હતો. મૂળ બિહારના વતની અને હાલ સચિન વિસ્તારમાં રહેતા ધીરજ કુમાર નામના યુવક ગઈકાલે રાત્રે સિલાઈનું કામ કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક સિલાઈ મશીન હટાવવા જતાં કે તેને અડકતાં જ તેમને ભયાનક વીજકરંટ લાગ્યો હતો અને તેઓ સ્થળ પર જ ઢળી પડ્યા હતા. સારવાર મળે તે પહેલાં જ તેમનું મોત નીપજ્યું હતું.
સમગ્ર ઘટનાના સીસીટીવી આવ્યા સામે
આ સમગ્ર કરુણ ઘટના કારખાનાના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. મનોવ્યથા વધારે તેવી બાબત એ છે કે મૃતક ધીરજ કુમારના માત્ર 2 મહિના પહેલા જ લગ્ન થયા હતા. પરિવારમાં 4 ભાઈઓ અને પત્ની છે, ત્યારે નવપરિણીત યુવકના અચાનક અવસાનથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે. બનાવ અંગે સચિન જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
પાંડેસરા અને લિંબાયતમાં પણ કરંટ લાગવાથી 2ના જીવ ગયા
બીજી ઘટના શહેરના પાંડેસરા વિસ્તારમાં બની, જ્યાં આવેલી સહજ મિલમાં કામ કરી રહેલા અનિલ શર્મા નામના યુવકને અચાનક વીજકરંટ લાગતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ત્રીજી દુર્ઘટના લિંબાયત વિસ્તારમાં બની હતી, જ્યાં મશીનરી પર કામ કરી રહેલા કિશન નામના યુવકને કામ દરમિયાન અચાનક કરંટ લાગતાં તેમણે પણ જીવ ગુમાવ્યો હતો. એક જ રાતમાં ત્રણ-ત્રણ શ્રમિક યુવાનોના વીજકરંટથી થયેલા મોતને પગલે ઔદ્યોગિક એકમોમાં સેફ્ટી અને વાયરિંગના સલામતીના સાધનો સામે પણ ગંભીર સવાલો ઊભા થયા છે.




