Surat

સુરતની P.P. સવાણી ગર્લ્સ હોસ્ટેલમાં 150થી વધુ વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગ: 2 થી 3 ની હાલત ગંભીર હોવાનો દાવો!

By GS Team
13 Sep 20262 mins read
TukuTouch Logo
સુરતના અબ્રામા વિસ્તારમાં આવેલી P.P. સવાણી ગર્લ્સ હોસ્ટેલમાં 150થી વધુ વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગ થયું હતું. શનિવારે રાત્રિ ભોજનમાં વાસી પનીર શાક અને એક્સપાયરી ડેટવાળી છાશ પીરસાતા આ ઘટના બની હતી. અસરગ્રસ્તોને તાત્કાલિક ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં ખસેડવામાં આવી હતી. વાલીઓએ ₹2 લાખ ફી છતાં બેદરકારીનો આક્ષેપ કર્યો છે. આરોગ્ય વિભાગે ભોજનના સેમ્પલ લીધા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સુરતની P.P. સવાણી ગર્લ્સ હોસ્ટેલમાં 150થી વધુ વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગ: 2 થી 3 ની હાલત ગંભીર હોવાનો દાવો!

Surat PP Savani Girls Hostel Food Poisoning: અબ્રામા વિસ્તારમાં આવેલી જાણીતી P.P. સવાણી ગર્લ્સ હોસ્ટેલમાં ભોજન વ્યવસ્થાપનની ગંભીર બેદરકારી સામે આવી છે. શનિવારે (12 સપ્ટેમ્બર) રાત્રે મેસમાં ભોજન લીધા બાદ 150થી વધુ વિદ્યાર્થિનીઓની તબિયત અચાનક લથડતાં ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. બનાવની જાણ થતાં જ અસરગ્રસ્ત વિદ્યાર્થિનીઓને તાબડતોબ ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

વાસી ખોરાક અને એક્સપાયરી ડેટવાળી છાશ પીરસાઈ હોવાનો આક્ષેપ

ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં ચિંતિત વાલીઓ હોસ્ટેલ પરિસરે દોડી આવ્યા હતા. વિદ્યાર્થિનીઓના જણાવ્યા અનુસાર, ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલ મળીને કુલ 700 જેટલા વિદ્યાર્થીઓનું ભોજન એક જ રસોડામાં બને છે. શનિવારે રાત્રે પનીરનું શાક અને એક્સપાયરી ડેટવાળી છાશ આપવામાં આવી હતી, જેના કારણે આ સમસ્યા સર્જાઈ હતી. વાલીઓએ આક્રોશ ઠાલવતા આક્ષેપ કર્યો હતો કે હોસ્ટેલમાં બપોરે વધેલું ભોજન જ રાત્રે આપી દેવાય છે. કેટલીકવાર યોગ્ય ભોજન ન મળતાં વિદ્યાર્થિનીઓને માત્ર કોરા ભાત ખાઈને દિવસો વિતાવવા પડતા હોવાની ફરિયાદો પણ સામે આવી છે.

ઘટના દબાવવાનો પ્રયાસ, 2 થી 3 વિદ્યાર્થિનીઓની હાલત ગંભીર?

વાલીઓએ આરોપ લગાવ્યો છે કે વાર્ષિક ₹2 લાખ જેટલી માતબર ફી વસૂલવા છતાં સંસ્થા દ્વારા બાળકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરવામાં આવી રહ્યા છે. ફૂડ પોઈઝનિંગ બાદ જાણે મામલો દબાવવાનો હોય તેમ ખાનગી બસો ભરીને વિદ્યાર્થિનીઓને હોસ્પિટલ લઈ જવાઈ હતી. હોસ્ટેલ સંચાલકો દ્વારા પત્રકારોને પ્રવેશ આપવામાં આવતો નથી કે આ અંગે કોઈ અધિકૃત નિવેદન પણ આપવામાં આવી રહ્યું નથી. એક વાલીએ દાવો કર્યો હતો કે 2 થી 3 વિદ્યાર્થિનીઓની હાલત ગંભીર છે, પરંતુ સંચાલકો આ વાત બહાર આવવા દેતા નથી.

સામાન લીધા વિના દીકરીને ઘરે લઈ જવા વાલીઓ મજબૂર

એક પરિવારે જણાવ્યું હતું કે રાત્રે 11 વાગે કોલ આવ્યા બાદ તેઓ તાત્કાલિક સુરત પહોંચ્યા હતા અને મહામહેનતે દીકરીનો કબજો મેળવ્યો હતો. હોસ્ટેલ સંચાલકોએ સામાન પણ લેવા ન દેતાં તેઓ દીકરીને લઈને વતન પરત ફર્યા હતા અને હવે એડમિશન રદ કરાવવાની તૈયારી દર્શાવી છે. હાલ આ મામલે રસોડા વિભાગ અને મેસના જવાબદારો સામે કડક તપાસ કરી દંડાત્મક પગલાં ભરવાની માંગ ઉઠી છે. બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા ભોજનના સેમ્પલ લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.