Sports

ભારત નહીં આ દેશમાં રમાશે IPLની મેચ? BCCIને 'ખુલ્લુ આમંત્રણ', ગુપ્ત વાતચીત શરૂ

By GS Team
11 Jul 20263 mins read
TukuTouch Logo
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્રિકેટ ડિપ્લોમસી નવી ઊંચાઈએ પહોંચી છે. ઓસ્ટ્રેલિયાએ IPL મેચોનું આયોજન કરવા BCCIને આમંત્રણ આપ્યું છે. બદલામાં, BBLની 2026-27 સીઝનની ઓપનિંગ મેચ 12 Decemberના રોજ ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાશે. આ પહેલીવાર ભારત વિદેશી T20 લીગની યજમાની કરશે, જે બંને દેશોના સંબંધો મજબૂત બનાવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારત નહીં આ દેશમાં રમાશે IPLની મેચ? BCCIને 'ખુલ્લુ આમંત્રણ', ગુપ્ત વાતચીત શરૂ

Cricket Diplomacy Hits Next Level: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો અને ક્રિકેટ ડિપ્લોમસી હવે એક નવો ઇતિહાસ રચવા જઈ રહી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમતગમતના ક્ષેત્રે સહયોગ વધારવાના ભાગરૂપે એક સનસનાટીભર્યા સમાચાર સામે આવ્યા છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA)એ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ને ઓસ્ટ્રેલિયાની ધરતી પર ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની મેચો આયોજિત કરવા માટે 'ખુલ્લું આમંત્રણ' આપ્યું છે.

આ ઐતિહાસિક પ્રસ્તાવ બાદ બંને ક્રિકેટ બોર્ડ વચ્ચે અત્યારે ગુપ્ત વાટાઘાટો ચાલી રહી છે. જો BCCI આ પ્રસ્તાવ સ્વીકારી લેશે, તો લીગના ઇતિહાસમાં પહેલીવાર ઓસ્ટ્રેલિયામાં IPLની મેચો રમાતી જોવા મળશે.

BBLની ઓપનિંગ મેચ ચેન્નાઈમાં રમાશે: પ્રથમ વખત ભારત કરશે વિદેશી લીગની યજમાની

આ સમગ્ર વિવાદ અને ચર્ચા ત્યારે શરૂ થઈ જ્યારે તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (MCG) ખાતે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત અનુસાર, ઓસ્ટ્રેલિયાની પ્રખ્યાત બિગ બેશ લીગ (BBL)ની 2026-27ની સીઝનની ઓપનિંગ મેચ ભારતની ધરતી પર રમાશે.

આગામી 12 Decemberના રોજ ચેન્નાઈના ઐતિહાસિક એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે મેલબોર્ન રેનેગેડ્સ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન પર્થ સ્કોર્ચર્સ વચ્ચે ટક્કર થશે. ભારતના ક્રિકેટ ઇતિહાસમાં આ પ્રથમ અવસર હશે જ્યારે ભારત કોઈ વિદેશી T20 ફ્રેન્ચાઇઝી લીગની મેચની યજમાની કરશે. આ મેચમાં ચેન્નાઈનું મેદાન મેલબોર્ન રેનેગેડ્સનું હોમ ગ્રાઉન્ડ ગણાશે અને આ મેચ ભારતીય સમયાનુસાર બપોરે 2 વાગ્યેને 40 મિનિટે શરૂ થશે. આ મેચનું ભારતભરમાં જિયોહોટસ્ટાર પર લાઇવ પ્રસારણ કરવામાં આવશે.

બદલામાં IPLને ઓસ્ટ્રેલિયા લઈ જવાની તૈયારી

ઓસ્ટ્રેલિયાના એક ન્યુઝપેપરના અહેવાલ મુજબ, ક્રિકેટ ઓસ્ટ્રેલિયા માત્ર BBLને ભારત લાવવા પૂરતું સીમિત રહેવા માંગતું નથી. તેઓ આ પાર્ટનરશિપને 'ટુ-વે એક્સચેન્જ' બનાવવા માંગે છે. ઓસ્ટ્રેલિયન બોર્ડ ઈચ્છે છે કે BBLની ચેન્નાઈ ઓપનર મેચ એક વાર્ષિક ઇવેન્ટ બને અને તેના બદલામાં IPLની મેચો ઓસ્ટ્રેલિયામાં રમાડવામાં આવે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને આશા છે કે આ પ્રસ્તાવને BCCI તરફથી સકારાત્મક પ્રતિસાદ મળશે. જોકે, હજુ સુધી આ અંગે BCCI કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.

ઇન્ડિયા-ઓસ્ટ્રેલિયા સ્પોર્ટ્સ કોર્પોરેશન રોડમેપ

આ ઐતિહાસિક મેચોનું આયોજન બંને દેશો વચ્ચે શરૂ કરાયેલા 'ઇન્ડિયા-ઓસ્ટ્રેલિયા સ્પોર્ટ્સ કોર્પોરેશન રોડમેપ'નો એક મહત્ત્વનો ભાગ છે. આ પ્રોજેક્ટને 'સેન્ટર ફોર ઓસ્ટ્રેલિયા-ઇન્ડિયા રિલેશન્સ' તરફથી મળતી ગ્રાન્ટ દ્વારા ફંડ કરવામાં આવી રહ્યો છે. આ રોડમેપ અંતર્ગત બંને દેશો સ્પોર્ટ્સ ટ્રેનિંગ, સ્પોર્ટ્સ સાયન્સ, ટેકનોલોજી અને સ્પોર્ટ્સ ઇન્ડસ્ટ્રીમાં પરસ્પર સહયોગ વધારશે. આ ઉપરાંત યુવા એથ્લેટ્સ વચ્ચે સંપર્ક વધારવા માટે 'ઇન્ડિયા-ઓસ્ટ્રેલિયા યુથ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ'નું પણ આયોજન કરવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પહેલને આવકારતા જણાવ્યું હતું કે, રમતગમતમાં લોકોને એકસાથે લાવવાની અદભુત ક્ષમતા છે અને આ રોડમેપ બંને દેશોના સંબંધોને વધુ મજબૂત બનાવશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વૈશ્વિક રમતગમતના એક મહત્ત્વપૂર્ણ દાયકામાં પ્રવેશી રહ્યા છે, જ્યાં ભારત 2030માં કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવા જઈ રહ્યું છે અને ઓસ્ટ્રેલિયા 2032માં બ્રિસ્બેન ઓલિમ્પિક્સની તૈયારી કરી રહ્યું છે.