વિરાટ કોહલીની 100 સદીઓની રેસ: સુનીલ ગાવસ્કરે સાથી ખેલાડીઓને આપી 'રન કુરબાન' કરવાની સલાહ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Sunil Gavaskar On Virat Kohli 100 Centuries : ભારતના મહાન પૂર્વ બેટ્સમેન સુનીલ ગાવસ્કરે વિરાટ કોહલીની 100 આંતરરાષ્ટ્રીય સદીઓની સિદ્ધિને લઈને ચાલી રહેલી ચર્ચા પર મહત્વનું નિવેદન આપ્યું છે. ગાવસ્કરે જણાવ્યું છે કે, જો કોઈ સાથી ખેલાડી કોહલીને આ ઐતિહાસિક સિદ્ધી સુધી પહોંચાડવા માટે પોતાના રનનો ત્યાગ કરે તો તે માત્ર કોહલી માટે જ નહીં, પરંતુ સમગ્ર ભારતીય ક્રિકેટ ચાહકો માટે ખુશી અને ગૌરવની ક્ષણ બનશે.
મેચ જીતવી એ ટીમનું મુખ્ય લક્ષ્ય હોવું જોઈએ : ગાવસ્કર
ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ વનડેમાં વિરાટ કોહલીએ 51 બોલમાં 74 રન ફટકારીને ભારતને જીત તરફ દોરી જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ગાવસ્કરે કહ્યું કે, ‘જો કોહલી ક્રિઝ પર વધુ સમય રહ્યો હોત, તો લક્ષ્યની નજીક પહોંચ્યા બાદ કેપ્ટન શુભમન ગિલ અને શ્રેયસ ઐયર માટે મેચ ઝડપથી પૂરી કરવી કે કોહલીને સદી ફટકારવાની તક આપવી તે અંગે મુશ્કેલ પરિસ્થિતિ સર્જાઈ શકી હોત. મેચ જીતવી એ ટીમનું મુખ્ય લક્ષ્ય હોવું જોઈએ, પરંતુ જો ટીમના વિજયને નુકસાન ન પહોંચતું હોય તો આવી સિદ્ધિ મેળવવામાં ખેલાડીને મદદ કરવી યોગ્ય બાબત છે.’
રેકોર્ડ્સની માનસિકતા અંગે ગાવસ્કરની મોટી વાત
ગાવસ્કરે રેકોર્ડ્સની માનસિકતા અંગે કહ્યું કે, 'ભારતીયોને હંમેશા રેકોર્ડ્સ બનાવવાનો શોખ રહ્યો છે અને તેથી તેના સારા-નરસા પાસાં અંગે હંમેશા ચર્ચા થતી રહે છે. એક વાત ચોક્કસ છે કે જે લોકો એમ કહે છે કે તેઓ રેકોર્ડ્સ માટે નથી રમતા, તેમાંથી 99% લોકો વાસ્તવમાં પ્રતિભા અને સ્વભાવની દ્રષ્ટિએ કોઈ રેકોર્ડ બનાવવા માટે સક્ષમ જ હોતા નથી, તેથી તેમના માટે આવું કહેવું સરળ છે.'
‘કોહલીને 100 આંતરરાષ્ટ્રીય સદીઓ સુધી પહોંચતા જોવા માંગીએ છીએ’
કોહલીના ઐતિહાસિક સિદ્ધી વિશે વાત કરતાં ગાવસ્કરે જણાવ્યું કે, 'એક પણ ભારતીય ક્રિકેટ ચાહક એવો નથી જે ઇચ્છતો ન હોય કે કોહલી 100 આંતરરાષ્ટ્રીય સદીઓ સુધી પહોંચે. આપણે બધા તેને ત્યાં પહોંચતો જોવા માંગીએ છીએ અને તેથી જો કોઈ એવી ક્ષણ આવે કે જ્યાં અન્ય કોઈ સાથી ખેલાડી પોતાના રનનો ત્યાગ કરીને તેને આ તક આપે, તો તે ગૌરવ માત્ર કોહલીનું જ નહીં, પરંતુ તમામ ભારતીય ક્રિકેટ ચાહકોનું પણ બનશે.'
‘ગિલ અને ઐયર અસમંજસમાંથી બચી ગયા હતા’
મેચમાં કોહલી 74 રન બનાવીને આઉટ થઈ જતાં ગિલ અને ઐયર અસમંજસમાંથી બચી ગયા હતા. ગાવસ્કરે આ અંગે નિર્દેશ કર્યો હતો કે, 'કોહલી 70ના સ્કોર પર આઉટ થઈ ગયો. તેથી જો કોહલી 90ના સ્કોર પર અણનમ હોત અને વિજયી રન બની ગયા હોત તો ગિલ અને ઐયરને જે ટ્રોલિંગ કે ટીકાનો સામનો કરવો પડત, તેમાંથી તેઓ બચી ગયા. હા, ક્રિકેટ ટીમ રમત છે, પરંતુ જો ટીમના જીતવાના ચાન્સ પર કોઈ અસર ન પડે અને ટીમનો કોઈ સભ્ય, ખાસ કરીને કોઈ સ્ટાર ખેલાડી અંગત સીમાચિહ્ન સુધી પહોંચે, તો તે પણ ટીમ માટે સારું જ છે.'
સચિન તેંડુલકરના સર્વોચ્ચ રેકોર્ડની નજીક
વિરાટ કોહલી હાલ માત્ર વનડે ફોર્મેટ રમે છે અને તેના નામે 86 આંતરરાષ્ટ્રીય સદીઓ નોંધાયેલી છે. તે હવે સચિન તેંડુલકરના વિશ્વ ક્રિકેટમાં સર્વોચ્ચ 100 આંતરરાષ્ટ્રીય સદીઓના રેકોર્ડ તરફ આગળ વધી રહ્યો છે.




