Sports

વિરાટ કોહલી અને ગંભીર એકબીજા સાથે વાત નથી કરતાં? અટકળો પર બેટિંગ કોચે આપ્યો જવાબ

By GS Team
17 Jul 20262 mins read
TukuTouch Logo
કાર્ડિફમાં બીજી વનડે બાદ બેટિંગ કોચ સિતાંશુ કોટકે વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચેના વિવાદની અટકળોને ફગાવી દીધી છે. કોટકે સ્પષ્ટતા કરી કે બંને આજે 10 થી વધુ વખત વાતચીત કરી ચૂક્યા છે અને સોશિયલ મીડિયા પરની વાતો ખોટી છે. તેમણે જણાવ્યું કે કોહલીએ તેમના ફૂટવર્ક વિશે ચર્ચા કરી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

વિરાટ કોહલી અને ગંભીર એકબીજા સાથે વાત નથી કરતાં? અટકળો પર બેટિંગ કોચે આપ્યો જવાબ

Virat Kohli Gautam Gambhir Rumours 2026 : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી વનડે સિરીઝની શરૂઆતથી જ સોશિયલ મીડિયા પર એક ચર્ચાએ જોર પકડ્યું હતું કે સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને હેડ કોચ ગૌતમ ગંભીર વચ્ચે વાતચીત બંધ છે. ટીમ ઇન્ડિયાના પ્રેક્ટિસ સેશનના કેટલાક વીડિયો અને તસવીરોને કારણે આ અફવાઓને વધુ હવા મળી હતી. પરંતુ હવે ટીમ ઇન્ડિયાના બેટિંગ કોચ સિતાંશુ કોટકે આ તમામ અટકળોને ફગાવી દીધી છે.

કોચે અફવાઓ ઉડાવતા શું કહ્યું?

કાર્ડિફમાં રમાયેલી બીજી વનડે મેચમાં ભારતની હાર બાદ પત્રકાર પરિષદમાં (પ્રેસ કોન્ફરન્સ) બોલતા સિતાંશુ કોટકે સ્પષ્ટ કર્યું કે કોહલી અને ગંભીર વચ્ચે કોઈ વિવાદ નથી. તેમણે પત્રકારોને જણાવ્યું કે, "વિરાટ અને ગૌતમ, બંને વચ્ચે આજે જ ઓછામાં ઓછી 10 વાર વાતચીત થઈ છે. મને નથી લાગતું કે તે બંનેને વાત કરવા માટે કોઈ મધ્યસ્થી કે બ્રિજની જરૂર હોય." તેમણે ઉમેર્યું કે સોશિયલ મીડિયા પર ઘણીવાર વીડિયો અને ફોટાને ખોટા સંદર્ભમાં રજૂ કરવામાં આવે છે. આ અફવાઓ ક્યાંથી આવે છે તે તેમને ખબર નથી, પરંતુ વાસ્તવિકતા તદ્દન અલગ છે.

વિરાટ કોહલી સાથે શું વાત થઈ?

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ્યારે બેટિંગ કોચને વિરાટ કોહલી સાથે થયેલી વાતચીત વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે ટેકનિકલ બાબતો પર પ્રકાશ પાડ્યો. કોટકે જણાવ્યું કે, "એક બેટિંગ કોચ તરીકે હું પ્રામાણિકતાથી માનું છું કે જ્યાં સુધી વિરાટ પોતે કંઈ ન પૂછે અથવા કોઈ મોટી ખામી ન દેખાય, ત્યાં સુધી તેની બેટિંગ શૈલીમાં કોઈએ દખલ ન કરવી જોઈએ. તે જે રીતે બેટિંગ કરે છે તેના વિશે આપણે વધુ કહેવાની જરૂર નથી." તેમણે વધુમાં કહ્યું કે, "વિરાટે બેટિંગમાં જતા પહેલાં તેના ફૂટવર્ક (પગની મૂવમેન્ટ) ને લઈને કેટલીક ચોક્કસ બાબતો વિશે મને પૂછ્યું હતું. ત્યારબાદ નેટ્સમાં પ્રેક્ટિસ પૂરી કર્યા પછી પણ અમે તે અંગે ચર્ચા કરી રહ્યા હતા."

બીજી વનડેમાં કોહલીની શાનદાર વાપસી છતાં ભારત હાર્યું

પ્રથમ વનડેમાં ફ્લોપ રહ્યા બાદ વિરાટ કોહલીએ બીજી વનડેમાં શાનદાર વાપસી કરી હતી. વિરાટ કોહલી (65 રન) અને શ્રેયસ અય્યર (66 રન) વચ્ચે 67 રનની મજબૂત ભાગીદારી થઈ હતી, પરંતુ કોહલીને જોફ્રા આર્ચરે આઉટ કરતાં જ ભારતીય ઇનિંગ્સ લથડી પડી હતી અને આખી ટીમ 233 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઇંગ્લેન્ડે આ સામાન્ય ટાર્ગેટને 4 વિકેટ ગુમાવીને અને 5 ઓવર બાકી હતી ત્યાં જ ચેઝ કરી લીધો હતો.