VIDEO: ક્રિકેટના મેદાનમાં બેટ્સમેને શોટ ફટકારતાં બોલ સીધો અમ્પાયરના ચહેરા પર વાગ્યો, ICUમાં એડમિટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Delhi Premier League 2026 : દિલ્હી પ્રીમિયર લીગ (DPL 2026)ની એક અત્યંત મહત્ત્વપૂર્ણ મેચ દરમિયાન મેદાન પર એક ભયાનક દુર્ઘટના સર્જાઇ હતી. ઈસ્ટ દિલ્હી રાઈડર્સ અને ન્યૂ દિલ્હી ટાઈગર્સ વચ્ચે રમાયેલી મેચ દરમિયાન અમ્પાયર ગંભીર રીતે ઘાયલ થતાં સ્ટેડિયમમાં સન્નાટો છવાઈ ગયો હતો. બેટ્સમેન દ્વારા ફટકારાયેલો એક પાવરફૂલ શોટ સીધો ઓન-ફિલ્ડ અમ્પાયર ધર્મેશ ભારદ્વાજના ગાલ પર જઈને વાગ્યો હતો. બોલ એટલી તીવ્ર ઝડપે આવ્યો હતો કે અમ્પાયર ધર્મેશ ભારદ્વાજ તરત જ મેદાન પર ઢળી પડ્યા હતા. પરિસ્થિતિની ગંભીરતાને જોઈને મેડિકલ ટીમને તાત્કાલિક મેદાન પર બોલાવવી પડી હતી અને ત્યારબાદ તેમને હોસ્પિટલના આઈસીયુ (ICU) માં ભરતી કરવામાં આવ્યા છે.
બોલર કે અમ્પાયરને બચવાનો સમય ન મળ્યો
આ કરૂણ ઘટના ન્યૂ દિલ્હી ટાઈગર્સની બેટિંગ દરમિયાન 18મી ઓવરમાં બની હતી. સ્પિનર આશિષ મીનાના બોલ પર બેટ્સમેન લક્ષ્ય થારેજાએ સામેની તરફ એક અત્યંત શક્તિશાળી સ્ટ્રેટ ડ્રાઈવ શોટ ફટકાર્યો હતો. બોલ એટલી વીજળીક ઝડપે પાછો આવ્યો કે બોલર આશિષ પાસે હાથ આડો કરવાનો પણ સમય નહોતો બચ્યો. અમ્પાયર ધર્મેશ ભારદ્વાજ બરાબર બોલની સામે જ ઊભા હતા. તેઓ પોતાની જાતને બચાવવા માટે નીચે નમે કે ખસે તે પહેલા જ બોલ તેમના ચહેરાના જમણા ભાગ પર સણસણતો વાગ્યો હતો. બોલ વાગતાં જ અમ્પાયર મેદાન પર પડી ગયા હતા અને ખેલાડીઓ પણ તરત જ તેમની મદદ માટે દોડી આવ્યા હતા. આ ઘટના બાદ શોટ મારનાર બેટ્સમેન લક્ષ્ય થારેજા પણ ખૂબ જ ભાવુક અને દુઃખી નજરે પડ્યો હતો.
ધર્મેશ ભારદ્વાજ સાથે બીજી વખત દુર્ઘટના
મેદાન પર પ્રાથમિક સારવાર આપ્યા બાદ અમ્પાયરની સ્થિતિ ચિંતાજનક જણાતાં તેમને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. ચિંતાની વાત એ છે કે ધર્મેશ ભારદ્વાજ સાથે આ જ સિઝનમાં આ બીજી વખત અકસ્માત થયો છે. આ પહેલાં પણ એક મેચ દરમિયાન બોલ તેમના ખભા પર વાગ્યો હતો. જોકે આ વખતે બોલ સીધો ચહેરા પર વાગવાના કારણે ઈજા વધુ ગંભીર બની છે અને સોશિયલ મીડિયા પર તેનો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે.
ઈસ્ટ દિલ્હી રાઈડર્સની 36 રને જીત
મેચના પરિણામની વાત કરીએ તો ઈસ્ટ દિલ્હી રાઈડર્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 192 રન બનાવ્યા હતા. જેમાં મયંક રાવતે 23 બોલમાં 40 રનની આક્રમક ઈનિંગ રમી હતી. જવાબમાં 193 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ન્યૂ દિલ્હી ટાઈગર્સની ટીમ 156 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ સાથે ઈસ્ટ દિલ્હી રાઈડર્સે 36 રનથી મેચ જીતી લીધી હતી. જોકે, રાઈડર્સની આ જીત કરતાં પણ વધુ ચર્ચા અમ્પાયર ધર્મેશ ભારદ્વાજની ગંભીર ઈજા અંગે થઈ રહી છે.









