VIDEO | ધોની બનવાના ચક્કરમાં ઇશાન કિશને ગજબ લોચો માર્યો, મેદાનમાં પકડ્યું માથું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ishan Kishan Viral Video : ભારતીય વિકેટકીપર ઈશાન કિશનનો ઝિમ્બાબ્વે સામેની 2 જી T20 મેચનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. ભારતના પૂર્વ કેપ્ટન એમએસ ધોની પોતાની ચપળ વિકેટકીપિંગ અને સ્ટમ્પિંગ માટે જાણીતા હતા. વિકેટ પાછળ ધોની જેવો કમાલ કરવાના ચક્કરમાં 28 વર્ષીય ઈશાન કિશને એક મોટી ભૂલ કરી દીધી હતી. તેણે એકદમ આસાન રનઆઉટ કરવાની તક ગુમાવી દીધી હતી અને બાદમાં માથું પકડીને અફસોસ વ્યક્ત કર્યો હતો. હરારેમાં રમાયેલી આ મેચમાં ભારતે 219/5 નો મસમોટો સ્કોર કર્યો હતો અને ઝિમ્બાબ્વેને 17.5 ઓવરમાં 129 રનમાં સમેટીને 90 રનથી શાનદાર જીત નોંધાવી હતી.
રવિ બિશ્નોઈની ઓવરમાં ગુમાવી તક
ઈશાને 15 મા ઓવરમાં આ રનઆઉટની તક ગુમાવી હતી. સ્પિનર રવિ બિશ્નોઈની ઓવરના 5 મા બોલ પર તદિવાનાશે મારુમાનીએ ડીપ બેકવર્ડ પોઈન્ટ પર સિંગલ લીધો હતો. બીજો રન લેવામાં મારુમાનીને બિલકુલ રસ ન હતો, પરંતુ તેનો સાથી ન્યુમેન ન્યામહુરી દોડી ચૂક્યો હતો. ગણતરીની સેકન્ડોમાં ઝિમ્બાબ્વેના બંને ખેલાડીઓ બોલર એન્ડ પર પહોંચી ગયા હતા, જેનાથી સ્ટ્રાઈકર એન્ડની ક્રીઝ સંપૂર્ણપણે ખાલી હતી. બોલ ઈશાન પાસે આવ્યો અને તેની પાસે રનઆઉટ કરવાનો એકદમ આસાન ચાન્સ હતો.
ઈશાન કિશને જાતે કબૂલી ભૂલ
સ્ટમ્પ્સ પાસે જઈને ગિલ્લી ઉડાડવાને બદલે અથવા બિશ્નોઈને બોલ આપવાને બદલે ઈશાને આરામથી અંડરઆર્મ થ્રો કર્યો. તેણે જે અંદાજમાં એક હાથથી બોલ ફેંક્યો, એવું લાગ્યું કે બેલ્સ પડી જશે, પરંતુ એવું ન થયું. આ નજારો જોઈને ઈશાન ખુદ દંગ રહી ગયો હતો. મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં તેણે કહ્યું, "મને લાગ્યું કે બેટ્સમેન પહેલેથી જ ક્રીઝની અંદર છે, પરંતુ મારાથી ભૂલ થઈ ગઈ. આગામી વખતે હું બેલ્સ જોઈશ." આ મેચમાં મારુમાનીએ 19 બોલમાં 24 રન જ્યારે ન્યામહુરીએ 6 બોલમાં 3 રન બનાવ્યા હતા.
બેટિંગમાં મચાવી ધમાલ, પ્લેયર ઓફ ધ મેચ બન્યો
વિકેટકીપિંગમાં ભૂલ કરવા છતાં ઈશાને બેટિંગમાં ધમાલ મચાવીને મહેફિલ લૂંટી લીધી હતી. તેણે 44 બોલમાં 9 ચોગ્ગા અને 2 સિક્સરની મદદથી 81 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જેના માટે તેને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો. આ ઉપરાંત તિલક વર્માએ 29 બોલમાં અણનમ 60 રન બનાવ્યા હતા. આ જીત સાથે ભારતીય T20 કેપ્ટન શ્રેયસ અય્યરે આયર્લેન્ડ (0-2) અને ઇંગ્લેન્ડ (0-4) સામેની હાર બાદ પ્રથમ વખત સિરીઝ પર કબ્જો મેળવીને 3 મેચની સિરીઝમાં 2-0 થી અજેય લીડ મેળવી લીધી છે.









