U19 Asia Cup: ભારત અને પાકિસ્તાન વચ્ચે રવિવારે મેચ, જાણો ક્યાં જોઈ શકશો મુકાબલો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

U19 Asia Cup: ભારત અને પાકિસ્તાનની અંડર-19 ટીમો વચ્ચે રવિવારે (14 ડિસેમ્બર) એશિયા કપના ગ્રુપ Aની મેચ રમશે. ભારતે અગાઉની મેચમાં UAEને એકતરફી રીતે હરાવીને ટુર્નામેન્ટમાં વિજયી શરૂઆત કરી હતી અને હવે તેની નજર તેના કટ્ટર હરીફને હરાવવા પર રહેશે. ભારતે UAEને 234 રનથી હરાવ્યું હતું. આ મેચનો હીરો યુવા સેન્સેશન વૈભવ સૂર્યવંશી રહ્યો હતો. વૈભવે 95 બોલમાં 9 ચોગ્ગા અને 14 છગ્ગાની મારીને 171 રન બનાવ્યા હતા.
વૈભવ પર બધાની નજર
પાકિસ્તાન સામે મેચમાં વૈભવ સૂર્યવંશી ફરી એકવાર ફોકસમાં રહેશે. વૈભવ છેલ્લા કેટલાક સમયથી સારા ફોર્મમાં છે અને આશા છે કે તે પાકિસ્તાન સામે પણ શાનદાર પ્રદર્શન કરશે. વૈભવ તેની આક્રમક ઇનિંગ્સ માટે જાણીતો છે, અને જો પાકિસ્તાનના બેટ્સમેન વૈભવને રોકવામાં અસક્ષમ રહેશે તો ભારત ફરી એકવાર રનનો વરસાદ કરી શકશે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે અંડર-19 એશિયા કપ મેચ દુબઈના ICC એકેડેમી ગ્રાઉન્ડ પર રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સવારે 10:30 વાગ્યે શરૂ થશે. ભારત વિરુદ્ધ પાકિસ્તાન અંડર-19 એશિયા કપ મેચના પ્રસારણ અધિકારો સોની નેટવર્ક પાસે છે. આ મેચનું લાઈવ સ્ટ્રિમિંગ સોનીલીવ એપ પર પણ કરવામાં આવશે.
શું ભારતીય અને પાકિસ્તાનના ખેલાડીઓ હાથ મિલાવશે?
ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો છેલ્લા કેટલાક સમયથી સારા ચાલી રહ્યા નથી. આ વર્ષે સપ્ટેમ્બરમાં એશિયા કપમાં જ્યારે ભારત અને પાકિસ્તાનની સિનિયર ટીમો એકબીજા સામે આવી હતી, ત્યારે ભારતે ફાઇનલ સહિત કોઈપણ મેચમાં પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યા નહોતા.
ઓપરેશન સિંદૂર પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ પહેલી ક્રિકેટ મેચ હતી. તે મેચમાં, કેપ્ટન સૂર્યકુમાર યાદવે પાકિસ્તાની કેપ્ટન સલમાન આગા સાથે હાથ મિલાવ્યા નહોતા. વધુમાં, મેચ પછી ભારતીય ખેલાડીઓ હાથ મિલાવ્યા વિના ડ્રેસિંગ રૂમમાં પાછા ફર્યા હતા. ત્યારથી ભારતે પાકિસ્તાની ટીમ સામે નો-હેન્ડશેક નીતિ અપનાવી છે. જ્યારે એ જોવું રસપ્રદ રહેશે કે, જુનિયર ખેલાડીઓ સિનિયર ખેલાડીઓની આગેવાનીનું પાલન કરશે કે નહીં.
ભારત અને પાકિસ્તાનની અંડર-19 ટીમ વચ્ચે હેડ ટૂ હેડ રેકોર્ડની વાત કરીએ તો, કુલ 27 વખત બંને ટીમો વચ્ચે મેચ રમાઈ છે. જેમાં 15 વખત ભારતે જીત મેળવી છે, જ્યારે 11 વાર પાકિસ્તાને જીત હાસલ કરી છે. જેમાં એક મેચ ટાઈ રહી હતી. રશિયા કપમાં ભારત અને પાકિસ્તાનની ટીમે 10 વખત આમને સામને રહી છે, જેમાં ભારતે 4 અને પાકિસ્તાને 5 મેચ જીતી છે. જ્યારે એક મેચ ટાઈ રહી છે.









