'આ મારો છેલ્લો વર્લ્ડકપ...' FIFA ટુર્નામેન્ટ વચ્ચે રોનાલ્ડોએ સંન્યાસ અંગે આપ્યું મોટું નિવેદન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Cristiano Ronaldo on Retirement: ફિફા વર્લ્ડ કપ 2026માં સોમવારે રમાનારા સ્પેન સામેના હાઇ-વોલ્ટેજ રાઉન્ડ ઑફ 16ના નૉકઆઉટ મુકાબલા પહેલા પોર્ટુગલના દિગ્ગજ કૅપ્ટન ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ એક મોટું નિવેદન આપ્યું છે. 41 વર્ષીય રોનાલ્ડોએ સ્પષ્ટ કરી દીધું છે કે આ વર્લ્ડ કપ તેના શાનદાર કરિયરનો આખરી વર્લ્ડ કપ ટુર્નામેન્ટ હશે. જોકે, આ પ્રતિષ્ઠિત ટ્રોફી જીતવાના પાકા ઈરાદા સાથે ઉતરેલા રોનાલ્ડોએ આશા વ્યક્ત કરી છે કે સ્પેન સામેની મેચ તેનો છેલ્લો આંતરરાષ્ટ્રીય મુકાબલો સાબિત નહીં થાય અને પોર્ટુગલની સફર આગળ પણ જારી રહેશે.
‘આ મારો છેલ્લો વર્લ્ડ કપ, પણ છેલ્લી મેચ નથી’
એક અહેવાલ અનુસાર, મેચ પૂર્વે મીડિયા સાથેની વાતચીતમાં રોનાલ્ડોએ જણાવ્યું હતું કે,
“હું આ ટુર્નામેન્ટની દરેક ક્ષણનો પૂરો આનંદ માણવા માંગું છું, કારણ કે એ સત્ય છે કે આ મારો છેલ્લો વર્લ્ડ કપ હશે. જોકે મને પૂરી આશા છે કે આવતીકાલની મેચ વર્લ્ડ કપમાં મારો આખરી મુકાબલો સાબિત નહીં થાય.”
પાંચ વખત પ્રતિષ્ઠિત બેલોન ડી'ઓર ઍવૉર્ડ જીતી ચૂકેલો રોનાલ્ડો આ ટુર્નામેન્ટની તમામ 4 મેચોમાં પ્લેઇંગ-11નો હિસ્સો રહ્યો છે અને તેણે 3 શાનદાર ગોલ પણ કર્યા છે.
નિવૃત્તિના સવાલ પર રોનાલ્ડોનો તીખો પ્રહાર
પ્રેસ કોન્ફરન્સમાં વારંવાર નિવૃત્તિ અંગે પૂછાતા સવાલો પર રોનાલ્ડોએ નારાજગી વ્યક્ત કરી હતી. તેણે તીખો પ્રહાર કરતાં કહ્યું:
“હું ત્યારે રિટાયર થઈશ જ્યારે મારો પોતાનો નિર્ણય હશે, નહીં કે જ્યારે તમે લોકો ઇચ્છશો. આ સવાલ વારંવાર પૂછીને સમય બગાડવા જેવો છે. મારું ધ્યાન માત્ર આવતીકાલની મેચ પર જ કેન્દ્રિત છે.”
રોનાલ્ડોએ વધુમાં ઉમેર્યું કે, “અમે અહીં માત્ર ભાગ લેવા નથી આવ્યા, પરંતુ વર્લ્ડ કપ ટ્રોફી જીતવા આવ્યા છીએ. જો અમને એવું ન લાગતું હોત કે અમે વર્લ્ડ કપ જીતી શકીએ છીએ, તો અમે અહીં હોત જ નહીં. અમે દરેક મેચ સાથે પ્રદર્શનમાં સુધારો કર્યો છે.”
પોતાના ફોર્મ વિશે વાત કરતાં તેણે હસતાં હસતાં કહ્યું કે, “હું એટલો ખરાબ પણ નથી રમી રહ્યો, મેં 3 ગોલ કર્યા છે. બીજા ખેલાડીઓએ વધુ ગોલ કર્યા છે કારણ કે તેઓ શાનદાર રમી રહ્યા છે. જોઈએ, આવતીકાલે હું ગોલ કરી શકું છું કે નહીં.”
બંને ટીમો વચ્ચે કાંટાની ટક્કરની આશા
પોર્ટુગલની ટીમ રાઉન્ડ ઑફ 32માં ક્રોએશિયા સામે 2-1થી રોમાંચક જીત મેળવીને અહીં સુધી પહોંચી છે, જેમાં ગોન્કાલો રામોસે સ્ટોપેજ-ટાઇમમાં વિનિંગ ગોલ કર્યો હતો. રોબર્ટો માર્ટિનેઝની કોચિંગ હેઠળની પોર્ટુગલ ટીમ દેશના ઇતિહાસમાં પહેલીવાર સતત બીજી વખત વર્લ્ડ કપ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવા મેદાન પર ઉતરશે.
બીજી તરફ, તેમની સામે મજબૂત સ્પેન ટૂર્નામેન્ટમાં અજેય દેખાઈ રહ્યું છે. લુઈસ ડે લા ફુએન્ટેની સ્પેનીશ ટીમે ઓસ્ટ્રિયાને 3-0થી હરાવીને રાઉન્ડ ઑફ 16માં જગ્યા બનાવી છે. ખાસ વાત એ છે કે સ્પેન વર્ષ 2014માં જર્મની પછીની એવી પ્રથમ ટીમ બની છે જેણે નૉકઆઉટ મેચમાં વિરોધી ટીમને એક પણ 'શૉટ ઓન ટાર્ગેટ' લેવા દીધો નથી.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2018ના વર્લ્ડ કપમાં જ્યારે આ બંને ટીમો સામસામે આવી હતી, ત્યારે મેચ 3-3થી ડ્રો રહી હતી અને રોનાલ્ડોએ યાદગાર હેટ્રિક ફટકારી હતી. હવે આ વિદાય વર્લ્ડ કપમાં કૅપ્ટન રોનાલ્ડો ફરી એકવાર ટીમ માટે તારણહાર બને છે કે નહીં તે જોવું રસપ્રદ રહેશે.









