Sports

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 114 સેન્ચુરી ફટકારી પણ ઈન્ટરનેશનલમાં ફ્લોપ રહ્યો આ ભારતવંશી ક્રિકેટર

By GS Team
5 Sep 20263 mins read
TukuTouch Logo
ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર માર્ક રામપ્રકાશ 5 સપ્ટેમ્બરે 57 વર્ષના થયા. ભારતીય મૂળના રામપ્રકાશે 52 ટેસ્ટમાં 2,350 રન બનાવ્યા, પરંતુ કાઉન્ટી ક્રિકેટમાં તેમનું પ્રદર્શન શાનદાર રહ્યું. તેમણે ફર્સ્ટ ક્લાસમાં 114 સદી સાથે 35,659 રન અને લિસ્ટ-Aમાં 17 સદી સાથે 13,273 રન ફટકાર્યા. ક્રિકેટ ઉપરાંત, તેઓ BBCના ડાન્સ શો 'સ્ટ્રિક્ટલી કમ ડાન્સિંગ'માં 10/10 પોઈન્ટ મેળવીને ફાઇનલમાં પહોંચ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 114 સેન્ચુરી ફટકારી પણ ઈન્ટરનેશનલમાં ફ્લોપ રહ્યો આ ભારતવંશી ક્રિકેટર

Mark Ramprakash Domestic Giant: ક્રિકેટ ઇતિહાસમાં અમુક એવા ખેલાડીઓ રહ્યા છે જેમની પ્રતિભા અને સ્થાનિક સ્તરની ઉપલબ્ધિઓ તેમના ઇન્ટરનેશનલ આંકડાઓ કરતાં ક્યાંય વધુ ભવ્ય રહી છે. ઇંગ્લેન્ડના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન માર્ક રામપ્રકાશ પણ આ યાદીમાં સૌથી મોખરે આવે છે. કાઉન્ટી ક્રિકેટમાં વર્ષો સુધી રનનો અંબાર લગાવનારા અને સદીઓનો પહાડ ખડકનારા રામપ્રકાશ 5 સપ્ટેમ્બરના રોજ 57 વર્ષના થયા છે. તેમની પાસે અદભુત ટેકનિક અને અડગ એકાગ્રતા હોવા છતાં, આંતરરાષ્ટ્રીય સ્તર પર સાતત્યના અભાવને કારણે તેઓ પોતાની ઓળખ કાયમી રીતે સ્થાપિત કરવામાં સંઘર્ષ કરતા રહ્યા.

ભારત સાથે અતૂટ કનેક્શન અને અંડર-19થી ટેસ્ટ ડેબ્યૂ

માર્ક રામપ્રકાશનો જન્મ ભલે ઇંગ્લેન્ડમાં થયો હોય, પરંતુ તેમનું ભારત સાથે અતૂટ જોડાણ રહેલું છે. તેમના પિતા દેવનરેન રામપ્રકાશ ઇન્ડો-ગયાની મૂળના છે અને તેમના પૂર્વજો મૂળ ભારતથી જઈને ગુયાનામાં વસ્યા હતા. રામપ્રકાશે માત્ર 17 વર્ષની કુમળી વયે મિડલસેક્સ માટે શાનદાર બેટિંગ કરીને પોતાની અસાધારણ પ્રતિભા સાબિત કરી દીધી હતી. ટૂંક સમયમાં તેઓ ઇંગ્લેન્ડની અંડર-19 ટીમના કેપ્ટન બન્યા.

વર્ષ 1991માં તેમણે વેસ્ટઇન્ડિઝ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. શરૂઆતમાં લાગતું હતું કે ઇંગ્લેન્ડને લાંબા ગાળાનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન મળી ગયો છે, પરંતુ તેમનું કરિયર ભારે ઉતાર-ચઢાવથી ભરેલું રહ્યું. તેઓ ક્યારેક ટીમમાં સ્થાન પાકું કરવાની નજીક પહોંચતા તો ક્યારેક સિલેક્ટર્સનો વિશ્વાસ ગુમાવી દેતા. 1997-98માં બ્રિજટાઉનમાં વેસ્ટઇન્ડિઝ સામે તેમણે ફટકારેલી 154 રનની ઇનિંગને કરિયરનો મોટો ટર્નિંગ પોઇન્ટ માનવામાં આવી હતી, છતાં આંતરરાષ્ટ્રીય સ્તરે તેઓ તે ફોર્મ લાંબા સમય સુધી જાળવી શક્યા નહીં.

ઓસ્ટ્રેલિયા સામે મજબૂત પ્રદર્શન, પરંતુ ભારત-ન્યુઝીલેન્ડ પ્રવાસે કારકિર્દી સમાપ્ત કરી

માર્ક રામપ્રકાશનું બેટ હંમેશાં ઓસ્ટ્રેલિયા સામે જોરદાર ચાલતું હતું. તેમણે કાંગારુઓ સામે 42.40ની સરેરાશથી ટેસ્ટ રન બનાવ્યા હતા. 2001માં ધ ઓવલ ખાતે તેમણે 133 રનની લડાયક ઇનિંગ રમી હતી, જે ઇંગ્લેન્ડની ધરતી પર તેમની પ્રથમ ટેસ્ટ સદી હતી. જોકે, ત્યારપછીના ભારત અને ન્યુઝીલેન્ડના પ્રવાસ દરમિયાન તેમનું પ્રદર્શન અત્યંત નિરાશાજનક રહ્યું અને પરિણામે ઇંગ્લિશ ટીમમાંથી તેમની કાયમી બાદબાકી થઈ ગઈ. આમ, ઓવલની તે સદી વાપસીની શરૂઆત બનવાને બદલે તેમની વિદાય ઇનિંગ સાબિત થઈ.

કાઉન્ટી ક્રિકેટના રન મશીન: 114 સદી અને 35,000થી વધુ રન

ટેસ્ટ ક્રિકેટના મુશ્કેલ તબક્કાથી સાવ વિપરીત કાઉન્ટી ક્રિકેટમાં રામપ્રકાશનું બેટ સતત આગ ઓકતું રહ્યું. તેમણે મિડલસેક્સ અને સરે બંને ટીમો માટે રનોના ઢગલા ખડક્યા. 2006 અને 2007ની કાઉન્ટી સિઝનમાં તેમની બેટિંગ સરેરાશ 100થી વધુની રહી હતી. વર્ષ 2006માં સરે માટે તેમણે એકલા હાથે 2,278 રન ઝૂડી કાઢ્યા હતા.

વર્ષ 2008માં તેમણે એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી હતી, જ્યારે તેઓ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 100 સદી પૂરી કરનારા વિશ્વના દિગ્ગજોના વિશિષ્ટ ક્લબમાં સામેલ થયા. 99 સદી પર લાંબો સમય અટક્યા બાદ જેવી તેમણે 100મી સદી ફટકારી કે તરત જ તેમના બેટે ફરી રફ્તાર પકડી લીધી હતી. વર્ષ 2012માં તેમણે પોતાની 25 વર્ષ લાંબી ફર્સ્ટ ક્લાસ કારકિર્દી પર પૂર્ણવિરામ મૂક્યું હતું.

માર્ક રામપ્રકાશની કારકિર્દીના આંકડા

  • ટેસ્ટ ક્રિકેટ: ઇંગ્લેન્ડ માટે 52 ટેસ્ટ મેચોમાં 27.32ની એવરેજથી 2,350 રન (2 સદી અને 12 અડધી સદી).
  • વનડે: 18 વનડે મેચોમાં 26.85ની એવરેજથી 376 રન.
  • ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ: 461 મેચોમાં 53.14ની પ્રભાવશાળી સરેરાશ સાથે કુલ 35,659 રન, જેમાં 114 સદી અને 147 અડધી સદી સામેલ છે.
  • લિસ્ટ A ક્રિકેટ: 407 મેચોમાં 40.22ની સરેરાશથી 13,273 રન (17 સદી અને 85 અડધી સદી).

ડાન્સ ફ્લોર પર કમાલ: મેળવ્યા પૂરા 10/10 પોઇન્ટ્સ

ક્રિકેટના મેદાન ઉપરાંત રામપ્રકાશે મનોરંજન જગતમાં પણ મોટું નામ કમાવ્યું હતું. વર્ષ 2006-07માં તેમણે BBCના લોકપ્રિય ડાન્સ રિયાલિટી શો 'સ્ટ્રિક્ટલી કમ ડાન્સિંગ'માં ભાગ લીધો હતો. મેદાન પર અવારનવાર દબાણમાં ઘેરાયેલા રહેતા માર્ક રામપ્રકાશે ડાન્સ સ્ટેજ પર ગજબનો આત્મવિશ્વાસ બતાવ્યો અને ફાઇનલમાં સાલસા ડાન્સ પર્ફોર્મન્સ પર ચારેય જજો પાસેથી પરફેક્ટ 10/10 સ્કોર મેળવીને સૌને ચોંકાવી દીધા હતા.