કોણ છે ડૉ. આરતી શાહ? ગુજરાત યુનિવર્સિટીમાં ભણેલા આ મહિલા નક્કી કરશે Nvidiaના CEOનું ભવિષ્ય!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Who is Aarti Shah : વિશ્વની સૌથી મોટી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) કંપનીઓમાં સામેલ એનવીડિયા (Nvidia) હાલમાં તેના CEO જેન્સન હુઆંગ (Jensen Huang)ને લઈને મોટા વિવાદમાં સપડાઈ છે. જેન્સન હુઆંગનું એક કથિત ચીની જાસૂસ સાથે અફેર હોવાના અહેવાલોથી ભારે હોબાળો મચ્યો છે, ત્યારબાદ કંપનીની જ એક મહિલા કર્મચારી સાથે પણ તેમના સંબંધો હોવાના સમાચાર સામે આવ્યા છે. આ વિવાદોને પગલે તેમને કંપનીમાંથી બહાર કરવામાં આવી શકે છે તેવી અટકળો તેજ બની છે.
કંપનીના બોર્ડે આ મામલે સ્વતંત્ર તપાસ શરૂ કરાવી છે, જેમાં ભારતીય મૂળના ડૉ. આરતી શાહનું નામ ખૂબ ચર્ચામાં આવ્યું છે. ગુજરાત યુનિવર્સિટીમાંથી અભ્યાસ કરનારા અને અમેરિકાની દિગ્ગજ ફાર્મા કંપની Eli Lillyમાં આશરે 27 વર્ષ સુધી કામ કરી ચૂકેલા આરતી શાહ હાલ એનવીડિયાના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્ય હોવાની સાથે કંપનીની બે અત્યંત મહત્વની સમિતિઓમાં પણ સામેલ છે.
AIની દુનિયામાં એનવીડિયાનો દબદબો અને જેન્સન હુઆંગનું નેતૃત્વ
AIની દુનિયામાં એનવીડિયાનો દબદબો કોઈનાથી છુપાયેલો નથી, કારણ કે વિશ્વની મોટી ટેક કંપનીઓ પોતાના AI મોડલ અને ડેટા સેન્ટર માટે એનવીડિયાની ચિપ્સ પર જ નિર્ભર છે. 1993માં એનવીડિયાની સ્થાપના કરનાર જેન્સન હુઆંગે ત્યારથી કંપનીનું નેતૃત્વ કરીને તેને આ શિખર સુધી પહોંચાડવામાં મોટી ભૂમિકા ભજવી છે.
ચીન સાથેના કથિત સંબંધો અને વિવાદની શરૂઆત
નવેમ્બર 2026માં જેન્સન હુઆંગના અંગત જીવન અને ચીન સાથે જોડાયેલા કેટલાક ગંભીર આરોપોએ કંપનીને મુશ્કેલીમાં મૂકી દીધી છે. અહેવાલો મુજબ, અમેરિકી ગુપ્તચર એજન્સીઓ એક મહિલાના ચીન સાથેના કથિત સંબંધોની તપાસ કરી રહી છે, જેની સાથે હુઆંગનું નામ જોડાયું છે. હુઆંગે પોતાની પત્ની સાથે બેવફાઈ કરી હોવાની વાત સ્વીકારી છે. જોકે, કંપનીની ગોપનીય માહિતી સાથે કોઈ બાંધછોડ થઈ હોવાનો પુરાવો હજુ સામે આવ્યો નથી, જેના પગલે બોર્ડે સ્વતંત્ર તપાસ કરાવતા આરતી શાહ પર સૌની નજર ટકી છે.
ગુજરાત યુનિવર્સિટીથી અમેરિકા સુધીની શૈક્ષણિક સફર
ડૉ. આરતી શાહે ભારતમાં ગુજરાત યુનિવર્સિટીમાંથી ગણિત અને આંકડાશાસ્ત્ર વિષયમાં ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ ઉચ્ચ અભ્યાસ માટે તેઓ અમેરિકા ગયા હતા, જ્યાં તેમણે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, રિવરસાઈડમાંથી એપ્લાઈડ સ્ટેટિસ્ટિક્સમાં પીએચડી પૂર્ણ કર્યું હતું. ભારતમાં શિક્ષણ મેળવ્યા બાદ અમેરિકાના કોર્પોરેટ જગતમાં ઉચ્ચ હોદ્દા સુધી પહોંચવાની તેમની આ સફર અત્યંત પ્રેરણાદાયી રહી છે.
ફાર્મા ઉપરાંત ટેકનોલોજી અને સાયબર સિક્યોરિટીનો બહોળો અનુભવ
ડૉ. આરતી શાહનો અનુભવ માત્ર દવાઓ કે ફાર્મા બિઝનેસ પૂરતો સીમિત નથી, પરંતુ તેમણે ટેકનોલોજી, સાયબર સિક્યોરિટી, ડેટા સાયન્સ, ડિજિટલ હેલ્થ અને બિઝનેસ મેનેજમેન્ટ જેવા ક્ષેત્રોમાં પણ મોટી જવાબદારીઓ સંભાળી છે. આ વિવિધ ક્ષેત્રોની ઊંડી સમજ તેમને કોર્પોરેટ જગતમાં એક અલગ ઓળખ અપાવે છે.
ઈલી લિલીમાં 27 વર્ષની શાનદાર કારકિર્દી
આરતી શાહે પોતાની કારકિર્દીનો મોટો હિસ્સો અમેરિકાની અગ્રણી ફાર્મા કંપની ઈલી લિલીમાં વિતાવ્યો છે. તેમણે આ કંપનીમાં આંકડાશાસ્ત્ર નિષ્ણાત તરીકે શરૂઆત કરી હતી, ત્યારબાદ રિસર્ચ સાયન્ટિસ્ટ બન્યા અને આગળ જતાં સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ અને ચીફ ઈન્ફોર્મેશન એન્ડ ડિજિટલ ઓફિસરના પદ સુધી પહોંચ્યા હતા. આ ભૂમિકામાં તેમના શિરે IT, ડિજિટલ હેલ્થ, સાયબર સિક્યોરિટી, ડેટા એનાલિટિક્સ અને ડિજિટલ વ્યૂહરચનાની જવાબદારી હતી. નવેમ્બર 2020માં તેમની નિવૃત્તિની જાહેરાત થઈ અને 2021માં તેઓ કંપનીમાંથી અલગ થયા, જે બાદ તેઓ અનેક કંપનીઓ અને બિન-લાભકારી સંસ્થાઓના બોર્ડમાં કાર્યરત છે.
2020માં એનવીડિયાના બોર્ડમાં એન્ટ્રી
એનવીડિયાએ 9 નવેમ્બર 2020ના રોજ સત્તાવાર રીતે આરતી શાહને પોતાના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સામેલ કરવાની જાહેરાત કરી હતી, ત્યારે ખુદ જેન્સન હુઆંગે કહ્યું હતું કે, કોમ્પ્યુટર સાયન્સ અને હેલ્થકેરના સમન્વય ધરાવતા ક્ષેત્રમાં આરતીનો અનુભવ કંપની માટે ઉપયોગી થશે. 2020થી બોર્ડમાં કાર્યરત આરતી શાહ કંપનીની ઓડિટ કમિટી અને કમ્પેન્સેશન કમિટીના સભ્ય પણ છે. ઓડિટ કમિટી નાણાકીય રેકોર્ડ, આંતરિક તપાસ, જોખમો અને માહિતી સુરક્ષા પર દેખરેખ રાખે છે, જ્યારે કમ્પેન્સેશન કમિટી ટોચના અધિકારીઓના પગાર અને અન્ય સુવિધાઓ અંગેના નિર્ણયો લે છે.
તપાસ સમિતિની રચના અને આરતી શાહની ભૂમિકા
એનવીડિયાના બોર્ડે 8 નવેમ્બર 2026ના રોજ નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, જેન્સન હુઆંગ અંગે સામે આવેલા અહેવાલો બાદ સ્વતંત્ર ડિરેક્ટર્સની એક સમિતિને આ મામલે તપાસ સોંપવામાં આવી છે, જેમાં બહારના સ્વતંત્ર કાનૂની નિષ્ણાતોની પણ મદદ લેવાઈ રહી છે. કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે હાલ પૂરતું અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા કે એનવીડિયાની ગોપનીય માહિતી સાથે કોઈ બાંધછોડ થઈ હોવાનું માનવાનું કારણ નથી, છતાં તપાસમાં તમામ વિગતો ચકાસવામાં આવશે. આરતી શાહ સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ કમિટીના સભ્ય હોવા છતાં, કંપનીએ તપાસ સમિતિના સભ્યોના નામ જાહેર કર્યા ન હોવાથી તેઓ આ ખાસ સમિતિમાં સામેલ છે કે નહીં તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
શું એકલા હાથે CEOને હટાવી શકશે આરતી શાહ?
'ધ ઈન્ફોર્મેશન'ના 9 નવેમ્બરના અહેવાલ મુજબ, બોર્ડના લીડ ઈન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર અને ગવર્નન્સ કમિટીના વડા સ્ટીફન નીલની ભૂમિકા આ મામલે ઘણી મહત્વની બની શકે છે. એનવીડિયાના બોર્ડમાં કુલ 11 સભ્યો છે, તેથી જો તપાસ બાદ જેન્સન હુઆંગને CEO પદેથી હટાવવાનો નિર્ણય લેવાશે, તો તે સમગ્ર બોર્ડના સ્તરે સામૂહિક રીતે લેવાશે અને કોઈ એક ડિરેક્ટર પાસે એકલા હાથે તેમને હટાવવાની સત્તા નથી.




