Sports

વૈભવ સૂર્યવંશીને મેચમાંથી હટાવવા મુદ્દે ટીમ મેનેજમેન્ટ પર ભડક્યા સુનિલ ગાવસ્કર, કહ્યુ-'15 વર્ષના બાળક સાથે આ યોગ્ય નથી'

By GS Team
11 Jul 20263 mins read
TukuTouch Logo
સાઉથમ્પટનમાં ઇંગ્લેન્ડ સામેની અંતિમ T20માં 15 વર્ષના વૈભવ સૂર્યવંશીને 3 મેચ બાદ બહાર કરાતા સુનીલ ગાવસ્કરે નારાજગી વ્યક્ત કરી છે. વૈભવના સ્થાને સંજુ સેમસનની વાપસીથી ગાવસ્કરે કહ્યું કે, સિરીઝનું પરિણામ નક્કી હોવાથી યુવા ખેલાડીને વધુ એક તક આપવી જોઈતી હતી. ગાવસ્કરે ટીમ મેનેજમેન્ટને વૈભવને સાચવવાની વિનંતી કરી છે. ઇંગ્લેન્ડના પૂર્વ સ્પિનર ગ્રીમ સ્વાને પણ આ નિર્ણયની ટીકા કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વૈભવ સૂર્યવંશીને મેચમાંથી હટાવવા મુદ્દે ટીમ મેનેજમેન્ટ પર ભડક્યા સુનિલ ગાવસ્કર, કહ્યુ-'15 વર્ષના બાળક સાથે આ યોગ્ય નથી'

Sunil Gavaskar Slams Team Management : વૈભવ સૂર્યવંશીને માત્ર 3 મેચો બાદ પ્લેઇંગ-11 માંથી હટાવવાના નિર્ણય પર સવાલો ઉઠી રહ્યા છે. ઇંગ્લેન્ડ સામેની પાંચમી અને અંતિમ T20 મેચમાં 15 વર્ષના વૈભવ સૂર્યવંશીને પ્લેઇંગ-11 માંથી બહાર કરી દેવામાં આવ્યો છે. 11 જુલાઈ (શનિવાર)ના રોજ સાઉથમ્પટનમાં આયોજિત આ મુકાબલામાં વૈભવના સ્થાને, સંજુ સેમસનની વાપસી થઈ હતી. ભારતીય ટીમ મેનેજમેન્ટનો આ નિર્ણય, મહાન બેટ્સમેન સુનિલ ગાવસ્કરને બિલકુલ પસંદ આવ્યો નથી, અને તેમણે ખુલ્લેઆમ પોતાની નારાજગી વ્યક્ત કરી છે.

વૈભવ સૂર્યવંશીને ઇંગ્લેન્ડ સામેની સિરીઝ દરમિયાન સંજુ સેમસનની જગ્યાએ પ્લેઇંગ-11 માં સામેલ કરવામાં આવ્યો હતો. તેણે 3 મુકાબલામાં કુલ 42 રન બનાવ્યા હતા. વૈભવે આક્રમક બેટિંગની ઝલક જરૂર બતાવી, પરંતુ ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલરોના વધારાના બાઉન્સ સામે તેને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે, માત્ર 3 મેચો રમાડ્યા બાદ, વૈભવને બહાર કરવાના નિર્ણય પર ગાવસ્કરે ટીમ મેનેજમેન્ટને આડે હાથ લીધું છે.

ગાવસ્કરનું માનવું છે કે, સિરીઝનું પરિણામ પહેલાથી જ નક્કી થઈ ગયું હતું, તેથી આવા સમયે યુવા બેટ્સમેનને વધુ એક તક આપવી જોઈતી હતી. વૈભવને ટીમમાં ન જોઈને નિરાશા વ્યક્ત કરતા ગાવસ્કરે કહ્યું કે, 'તેને ટીમમાં ન જોવો ખૂબ જ નિરાશાજનક છે. વૈભવને વ્હાઇટ બોલ ક્રિકેટમાં ઓપનિંગ બેટ્સમેનને જરૂર પડે, તો મિડલ ઓર્ડરમાં પણ રમાડી શકાય છે.'

સુનિલ ગાવસ્કરે ઉમેર્યું કે, 'ઓપનિંગ બેટ્સમેનોની ખાસિયત એ હોય છે કે, તેઓ વ્હાઇટ બોલ ક્રિકેટમાં નીચે પણ બેટિંગ કરી શકે છે. તેણે પોતાની પ્રતિભા બતાવી છે. જો આ કરો કે મરો જેવો મુકાબલો હોત તો હું, કોઈ અનુભવી ખેલાડીને રમાડવાના નિર્ણય સાથે સહમત થાત, પરંતુ આ મેચની સિરીઝના પરિણામ પર કોઈ અસર પડવાની નહોતી. મને લાગે છે કે, આપણે એક તક ગુમાવી દીધી.'

ટીમ મેનેજમેન્ટને કરી ખાસ વિનંતી

સુનિલ ગાવસ્કરે વૈભવ સૂર્યવંશીની ઉંમરનો ઉલ્લેખ કરીને ટીમ મેનેજમેન્ટને આ યુવા ખેલાડીને સાચવવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે, 'મને આશા છે કે, કોઈ તેના ખભા પર હાથ મૂકીને તેને કહેશે કે, આ અંત નથી. મને લાગે છે કે, માત્ર 3 મેચો પછી 15 વર્ષના ખેલાડીને બહાર કરવો એ થોડો કઠોર નિર્ણય છે.' વૈભવની જગ્યાએ પ્લેઇંગ-11 માં પરત ફરેલા સંજુ સેમસન માટે યુરોપ પ્રવાસ કંઈ ખાસ રહ્યો નહોતો. તેવામાં ટીમ મેનેજમેન્ટ દ્વારા યુવા ખેલાડીને બહાર કરી, સંજુને તક આપવાના નિર્ણય પર સવાલો ઉઠી રહ્યા છે.

ગ્રીમ સ્વાને પણ વ્યક્ત કર્યુ આશ્ચર્ય

ઇંગ્લેન્ડના પૂર્વ સ્પિનર ગ્રીમ સ્વાને પણ ભારતીય ટીમના આ નિર્ણયની ટીકા કરી છે. તેમનું માનવું છે કે, જો ટીમ મેનેજમેન્ટ વાસ્તવમાં વૈભવને અસાધારણ પ્રતિભા માનતું હોય, તો તેને માત્ર 3 મેચોના પ્રદર્શનના આધારે બહાર ન કરવો જોઈએ. સ્વાને કહ્યું કે, 'તેણે ત્રણ મેચોમાં બતાવ્યું કે, તે શું કરી શકે છે. જો તે આ મેચોમાં પૂરી રીતે નિષ્ફળ રહ્યો હોત તો નિર્ણય સમજી શકાત. તમે સંજુને પાછો લાવી રહ્યા છો, જેણે 5, 0 અને 1 રન બનાવ્યા છે. જ્યારે આ બાળકે ઓછામાં ઓછા 14, 13 અને 15 રન બનાવ્યા છે.'

ગ્રીમ સ્વાને વૈભવની નાની ઉંમરને ધ્યાનમાં રાખીને ટીમ મેનેજમેન્ટને વધુ સાવધાની રાખવાની સલાહ આપી. તેમણે કહ્યું કે, 'તે માત્ર 15 વર્ષનો છે. આવા ખેલાડીને ખૂબ જ સાવધાનીપૂર્વક સાચવવો જોઈએ, કારણ કે તે હજી ભાવનાત્મક રીતે સંપૂર્ણ વિકસિત નથી થયો. આ નિર્ણય તેને 3 કે 4 મહિના પાછળ ધકેલી શકે છે. જો તમારી પાસે 15 વર્ષનો એવો ખેલાડી છે, જે ભવિષ્યમાં સર્વશ્રેષ્ઠ ખેલાડીઓમાંથી એક બની શકે છે, તો તમારે તેની પ્રતિભાને નિખારવી પડશે. તે ટીમના ખરાબ પ્રદર્શનનો ભોગ બની ગયો છે.'