Sports

7 છગ્ગા, 124 રન... 8 વર્લ્ડરેકોર્ડ સાથે દુનિયાની નંબર 1 બેટર બની સ્મૃતિ મંધાના; આંકડા જોઈ ગર્વ થશે

By GS Team
4 Sep 20263 mins read
TukuTouch Logo
હોંગકોંગ સામેની મેચમાં સ્મૃતિ મંધાનાએ 64 બોલમાં 124 રન ફટકારીને ઇતિહાસ રચ્યો છે. તેણે મિતાલી રાજના 10,868 રનનો રેકોર્ડ તોડી 10,880 રન સાથે મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારી બેટર બની છે. આ તેની 18મી ઇન્ટરનેશનલ સદી હતી, જે એક વર્લ્ડ રેકોર્ડ છે. તેણે T20Iમાં ભારત માટે સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર અને એશિયા કપનો રેકોર્ડ પણ બનાવ્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

7 છગ્ગા, 124 રન... 8 વર્લ્ડરેકોર્ડ સાથે દુનિયાની નંબર 1 બેટર બની સ્મૃતિ મંધાના; આંકડા જોઈ ગર્વ થશે

Smriti Mandhana Hits 124 vs HK: Breaks Mithali Raj Record with 10,880 Runs | મહિલા ટી20 એશિયા કપ 2026માં હોંગકોંગ સામે રમાયેલી મેચમાં મંધાનાએ માત્ર 64 બોલમાં 124 રનની તોફાની ઇનિંગ્સ રમીને એક-બે નહીં, પરંતુ અડધો ડઝનથી વધુ વર્લ્ડ રેકોર્ડ્સ પોતાના નામે કરી લીધા છે. આ સાથે જ તે મહિલા ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારી વિશ્વની નંબર-1 બેટર બની ગઈ છે.

મિતાલી રાજનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો: 10,880 રન

આ ઐતિહાસિક 124 રનની ઇનિંગ્સ દરમિયાન સ્મૃતિ મંધાનાએ ભારતની જ પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ખેલાડી મિતાલી રાજના 10,868 આંતરરાષ્ટ્રીય રનનો રેકોર્ડ તોડી નાખ્યો છે. હવે મંધાનાના નામે મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10,880 રન નોંધાઈ ચૂક્યા છે, જે વિશ્વમાં કોઈપણ મહિલા બેટર દ્વારા બનાવવામાં આવેલા સૌથી વધુ રન છે.

18મી આંતરરાષ્ટ્રીય સદી: મેગ લેનિંગ અને લૌરા વોલ્વાર્ડ્ટને પાછળ છોડ્યા

મહિલા ક્રિકેટમાં સૌથી વધુ સદીઓ ફટકારવાની બાબતમાં પણ હવે સ્મૃતિ મંધાના વિશ્વમાં સર્વોચ્ચ શિખરે પહોંચી ગઈ છે. આ તેની કારકિર્દીની 18મી ઇન્ટરનેશનલ સદી હતી. તેણે ઓસ્ટ્રેલિયાની મહાન કેપ્ટન મેગ લેનિંગ (17 સદી) અને દક્ષિણ આફ્રિકાની લૌરા વોલ્વાર્ડ્ટ (17 સદી)ને પછાડીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

મંધાનાની સદીઓનું વિભાજન
વનડેમાં 14 સદી, ટેસ્ટમાં 2 સદી અને ટી20 ઇન્ટરનેશનલમાં 2 સદી.

ભારત માટે T20Iનો સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર અને એશિયા કપનો રેકોર્ડ

મંધાનાનો 124 રનનો આ સ્કોર મહિલા ટી20 ઇન્ટરનેશનલમાં ભારત તરફથી કોઈપણ બેટર દ્વારા બનાવવામાં આવેલો સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર છે. રસપ્રદ વાત એ છે કે તેણે પોતાનો જ 112 રનનો પાછલો રેકોર્ડ તોડ્યો છે, જે તેણે વર્ષ 2025 માં ઇંગ્લેન્ડ સામે બનાવ્યો હતો.

આ ઉપરાંત, મહિલા ટી20 એશિયા કપના ઇતિહાસમાં પણ 124 રન એ સૌથી મોટો વ્યક્તિગત સ્કોર બની ગયો છે. આ અગાઉ વર્ષ 2024 માં શ્રીલંકાની ચમારી અટાપટ્ટુએ મલેશિયા સામે અણનમ 119 રન બનાવ્યા હતા. એશિયા કપના ઇતિહાસમાં આ માત્ર બીજી જ સદી છે.

છગ્ગાઓનો નવો રેકોર્ડ: હરમનપ્રીત કૌરને પાછળ છોડી

હોંગકોંગ સામેની આ ઇનિંગ્સમાં મંધાનાએ આક્રમક બેટિંગ કરતા 7 ગગનચુંબી છગ્ગા ફટકાર્યા હતા. આ સાથે જ તે ભારતીય મહિલા ટી20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ છગ્ગા મારનારી ખેલાડી બની ગઈ છે. તેના કુલ છગ્ગાઓની સંખ્યા હવે 95 થઈ ગઈ છે. વિશ્વ સ્તરે તે મહિલા ટી20માં સર્વાધિક સિક્સર ફટકારનારાઓમાં ચોથા ક્રમે પહોંચી ગઈ છે.

એક જ ઇનિંગ્સમાં 7 છગ્ગા એ ભારત તરફથી બીજો સર્વશ્રેષ્ઠ રેકોર્ડ છે. આ મામલે પ્રથમ નંબરે હરમનપ્રીત કૌર છે, જેણે ન્યૂઝીલેન્ડ સામે 8 છગ્ગા ફટકાર્યા હતા.

ટી20માં બે સદી ફટકારનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી

સ્મૃતિ મંધાના મહિલા ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક કરતાં વધુ સદી ફટકારનારી ભારતની પ્રથમ ખેલાડી બની ગઈ છે. તેના સિવાય માત્ર હરમનપ્રીત કૌરે 2018ના ટી20 વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ સામે 103 રન બનાવીને સદી નોંધાવી હતી. આ સાથે જ ત્રણેય ફોર્મેટ મળીને મંધાનાના નામે હવે 93 ફિફ્ટી-પ્લસ સ્કોર થઈ ગયા છે, જે મિતાલી રાજ સાથે સંયુક્ત રીતે વિશ્વમાં સૌથી વધુ છે.

ટીમ ઇન્ડિયાના સ્કોરમાં 64.25% એકલા મંધાનાનું યોગદાન

આ મુકાબલામાં ભારતે 20 ઓવરમાં 5 વિકેટે 193 રન બનાવ્યા હતા. આ સ્કોરમાં મંધાનાના એકલાના 124 રન હતા, એટલે કે ટીમના કુલ સ્કોરના 64.25% રન એકલી સ્મૃતિએ બનાવ્યા હતા! ભારતીય મહિલા ક્રિકેટની પૂર્ણ થયેલી ઇનિંગ્સમાં આ બીજું સૌથી મોટું વ્યક્તિગત યોગદાન છે. (પ્રથમ રેકોર્ડ હરમનપ્રીતના નામે છે, જેણે 2011 માં ઓસ્ટ્રેલિયા સામે ભારતના 62 રનમાંથી 41 રન એટલે કે 66.13% રન બનાવ્યા હતા).

આ ઇનિંગ્સમાં ભારત તરફથી બીજો સૌથી મોટો સ્કોર શેફાલી વર્માનો (28 રન) હતો. જ્યારે ટીમમાં અન્ય કોઈ ખેલાડી 30 રન સુધી પણ ન પહોંચી શક્યો હોય ત્યારે મંધાના કરતાં વધુ સ્કોર (135* રન) બનાવવાનો રેકોર્ડ માત્ર રોમાનિયાની રેબેકા બ્લેકના નામે છે (માલ્ટા સામે, 2023).

ભારતે આ મેચમાં કુલ 9 છગ્ગા ફટકાર્યા (7 મંધાના અને 2 શેફાલી), જે ભારત માટે ટી20 ઇનિંગ્સમાં સંયુક્ત રીતે સૌથી વધુ છે. ભારતે નોંધાવેલો 193/5 નો સ્કોર મહિલા એશિયા કપના ઇતિહાસનો બીજો સૌથી મોટો સ્કોર છે.