‘શ્રેયસ અય્યર તો બહાનું છે, અસલી વિલન તો ડ્રેસિંગ રૂમમાં બેઠો છે!’ ગંભીર પર ભડક્યો પૂર્વ ક્રિકેટર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

IND vs IRE T20I: આયરલેન્ડ સામેની T20 સીરીઝમાં ભારતીય ટીમનો 2-0થી કારમો પરાજય થતાં ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે. આ શરમજનક હાર બાદ પૂર્વ ભારતીય ક્રિકેટર મનોજ તિવારીનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. તેણે સોશિયલ મીડિયા પર કોઈનું નામ લીધા વિના ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર પર આકરા પ્રહારો કર્યા છે. ગંભીરે ટીમ સિલેક્શન દરમિયાન કેટલાક સિનિયર ખેલાડીઓ પર ભરોસો મૂક્યો હતો, પરંતુ મનોજ તિવારીના મતે જરૂરિયાત કરતાં વધુ ઓલરાઉન્ડરો પર નિર્ભર રહેવું જ ભારતને ભારે પડ્યું છે.
'અસલી સમસ્યા ડ્રેસિંગ રૂમમાં છે'
મનોજ તિવારીએ પોતાના X એકાઉન્ટ પર પોસ્ટ કરીને આશંકા વ્યક્ત કરી છે કે આ હારનો સંપૂર્ણ દોષ નવા T20 કેપ્ટન શ્રેયસ અય્યર પર ઢોળવામાં આવશે. તેણે લખ્યું કે,
હું સારી રીતે જાણું છું કે PR એજન્સીઓ અને નિર્ણય લેનારાઓના નજીકના લોકો આ હારનું ઠીકરું શ્રેયસ અય્યરના માથે ફોડશે. આ માત્ર શ્રેયસની હાર નથી, અન્ય બેટ્સમેનો પણ રન બનાવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા છે. પરંતુ આખી સિસ્ટમ માત્ર શ્રેયસને જ ટાર્ગેટ કરશે. અસલી સમસ્યા ખેલાડીઓ નથી, પરંતુ ડ્રેસિંગ રૂમમાં બેઠેલી એ વ્યક્તિ છે જેના નિર્ણયો પર કોઈ સવાલ નથી ઉઠાવતું. હવે સમય આવી ગયો છે કે આ મુદ્દે ખુલ્લીને વાત કરવામાં આવે.
વૈભવ સૂર્યવંશીને ન રમાડવા પર ઉઠાવ્યા સવાલ
પૂર્વ ક્રિકેટરે 15 વર્ષીય યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને પ્લેઇંગ 11માં તક ન આપવા બદલ મેનેજમેન્ટની આકરી આલોચના કરી હતી. તેમણે સવાલ કર્યો કે, "વૈભવને પ્રથમ મેચથી જ ટીમમાં કેમ ન રમાડાયો? તમે એવા ખેલાડીઓ પર ભરોસો રાખ્યો જેમણે આઈપીએલ પહેલાં યોજાયેલા T20 વર્લ્ડ કપમાં સારું પ્રદર્શન કર્યું હતું અને એવી આશા રાખી કે તેઓ આયરલેન્ડ સામે પણ એ જ પ્રદર્શનનું પુનરાવર્તન કરશે."
ભારતે બીજી T20 મેચમાં પ્રિન્સ યાદવ અને સૂર્યાંશ શેડગેને ડેબ્યૂની તક આપી હતી, જ્યારે વોશિંગ્ટન સુંદરને પ્લેઇંગ 11 માંથી બહાર કરી દીધો હતો. આ નિર્ણય અંગે મનોજ તિવારીએ ઉમેર્યું કે ટીમ સિલેક્શનમાં સાતત્યનો સ્પષ્ટ અભાવ દેખાઈ રહ્યો છે. ભારત જેવી મજબૂત ટીમ આયરલેન્ડ સામે સીરિઝ હારી જાય તે અત્યંત નિરાશાજનક બાબત છે.









