ફૂટબોલ જગતના આંચકાજનક અહેવાલ, સ્ટાર ફૂટબોલ ડેવિડ ઓવારીની ઘરની બહાર પથ્થરો મારી હત્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

David Owori Murder : યુગાન્ડાના આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ખેલાડી ડેવિડ ઓવરીની અજાણ્યા હુમલાખોરો દ્વારા નિર્દયતાપૂર્વક હત્યા કરવામાં આવી છે. આ દુર્ઘટનાથી સમગ્ર રમતગમત જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. માત્ર 28 વર્ષીય ડેવિડ ઓવરી દેશના સૌથી મોટા ફૂટબોલ ક્લબ્સમાં સામેલ એસસી વિલા ક્લબના કેપ્ટન તરીકે સેવા આપી રહ્યા હતા. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, મંગળવારે રાજધાની કંપાલાના એક ઉપનગરમાં હુમલાખોરોએ તેમને ગંભીર રીતે ઘાયલ કર્યા હતા, સારવાર દરમિયાન તેમનું દુઃખદ અવસાન થયું છે.
હોસ્પિટલ લઈ જતા સમયે થયું નિધન
ઘટનાના દિવસે રસ્તા પરથી પસાર થતા સામાન્ય લોકોએ ડેવિડ ઓવરીને બેભાન અવસ્થામાં જોયા હતા અને તાત્કાલિક ધોરણે તેમને નજીકની હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારી સારવાર માટે અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં પહોંચતા જ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ફેડરેશન ઓફ યુગાન્ડા ફૂટબોલ એસોસિએશને પોતાના શોક સંદેશમાં જણાવ્યું હતું કે ડેવિડ માત્ર એક કુશળ ફૂટબોલર જ નહીં, પરંતુ યુવાનો માટે એક સાચા લીડર અને મોટી પ્રેરણા હતા.
રગ્બી ખેલાડી સિડની ગોંગોડ્યોની પણ હત્યા
ડેવિડ ઓવરીના દુઃખદ મૃત્યુ પહેલા જૂન મહિનામાં અન્ય એક લોકપ્રિય સ્પોર્ટ્સ પર્સનાલિટી પર પણ ઘાતક હુમલો થયો હતો. પોલીસના રિપોર્ટ અનુસાર, રગ્બી ખેલાડી સિડની ગોંગોડ્યોનું મૃત્યુ પણ કંપાલામાં જ ભીડ દ્વારા કરવામાં આવેલા હિંસક હુમલા બાદ થયું હતું. ભીડ દ્વારા તેમને કથિત રીતે ભૂલથી ચોર સમજી લેવામાં આવ્યા હતા. જે દેશની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ખડા કરે છે. યુગાન્ડામાં ખેલાડીઓ પર વધતા જતા હુમલાઓ અત્યંત ચિંતાજનક વિષય બન્યા છે.
ન્યાયની માંગ અને સુરક્ષા પર સવાલ
નેશનલ કાઉન્સિલ ઓફ સ્પોર્ટ્સ યુગાન્ડાએ આ મામલે ભારે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું છે કે દેશનું રમતગમત જગત તાજેતરના દિવસોમાં આવી અનેક દુર્ઘટનાઓનો ભોગ બન્યું છે. પ્રશાસન પાસે ન્યાય અને આ ગંભીર સમસ્યાના કાયમી ઉકેલની અપેક્ષા રાખવામાં આવી રહી છે. સંસદના ડેપ્યુટી સ્પીકર થોમસ તયેબવાએ પણ સંબંધિત અધિકારીઓને દેશમાં કાયદો અને વ્યવસ્થાના પડકારોનો કડકાઈથી સામનો કરવા અને દોષિતો સામે સખત કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.









