VIDEO : ‘ગમે તેવા પડકાર માટે તૈયાર, વિરાટ અને રોહિત શર્માથી ઘણું શીખ્યો’ કેપ્ટન બન્યા બાદ બોલ્યો ગિલ
Shubman Gill on Test Captaincy : ભારતીય ટીમના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવિચંદ્રન અશ્વિને ટેસ્ટમાંથી નિવૃત્તિ લીધા બાદ હવે શુભમન ગીલને ટેસ્ટ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ત્યારે ગીલે કેપ્ટન બન્યા બાદ કોહલી અને શર્માનો ઉલ્લેખ કરીને પ્રથમવાર પ્રતિક્રિયા આપી છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 20 જૂનથી ટેસ્ટ સિરિઝ શરૂ થવાની છે, ત્યારે ગીલે કહ્યું કે, હું ગમે તેવા પડકારોનો સામનો કરવા માટે તૈયાર છું. હું વિરાટ કોહલી અને રોહિત શર્મા પાસેથી ઘણું શીખ્યો છું.
BCCIએ શુભમન ગીલનો વીડિયો શેર કર્યો
વાસ્તવમાં બીસીસીઆઈ દ્વારા શુભમન ગીલનો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં ગીલે કેપ્ટનની જવાબદારી મળવા બદલ ખુશી વ્યક્ત કરી છે. તેણે કહ્યું કે, ટેસ્ટ ટીમની કેપ્ટનશીપની જવાબદારી મળવી માત્ર સન્માનની જ નહીં, તેના કરતા પણ વધુ મોટા સન્માનની વાત છે. આ મારા માટે ઘણી મોટી જવાબદારી છે. નોંધનીય છે કે પસંદગીકારોએ શનિવારે ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની પસંદગી કરી હતી. ભારત આ પ્રવાસ પર પાંચ ટેસ્ટ મેચ રમશે. આ માટે શુભમન ગિલને નવા કેપ્ટન તરીકે પસંદ કરાયો છે. મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે કહ્યું કે, આ કોઈ એક શ્રેણીનો મામલો નથી. ગિલને કેપ્ટન બનાવવો એ લાંબા ગાળાની યોજનાનો ભાગ છે.
𝐀 𝐧𝐞𝐰 𝐞𝐫𝐚 𝐛𝐞𝐠𝐢𝐧𝐬 ✨
— BCCI (@BCCI) May 25, 2025
Get ready to hear from #TeamIndia Test Captain Shubman Gill himself 🗣
Stay tuned for the full interview ⌛ @ShubmanGill pic.twitter.com/zWVlFdMD61
ટેસ્ટ કેપ્ટનશીપની જવાબદારી મારા માટે મોટા સન્માનની વાત : ગીલ
બીસીસીઆઈએ શુભમન ગીલનો જે વીડિયો શેર કર્યો છે, તેના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, ‘નવા યુગની શરૂઆત. ભારતીય ટીમના નવા કેપ્ટનને સાંભળો.’ 25 સેકન્ડના વીડિયોમાં ગીલે ભારતીય ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ મુદ્દે પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. ગીલે કહ્યું કે, ‘જ્યારે તમે એક બાળક તરીકે ક્રિકેટ રમવાની શરૂઆત કરો છો, ત્યારે તમે ભારત માટે રમવા માંગો છો. માત્ર ક્રિકેટ જ નહીં, પરંતુ તમે લાંબા સમય સુધી ટેસ્ટ ક્રિકેટ રમવા ઈચ્છો છો. ભારતીય ટીમની કેપ્ટનશીપ મળવી મારા માટે ઘણા મોટા સન્માનની વાત છે. આ મારા માટે એક મોટી જવાબદારીની પણ બાબત છે.
આ પણ વાંચો : IPL 2025 : આ ત્રણ ટીમોની હારથી મુંબઈ માટે નંબર-1 બનવાનો માર્ગ મોકળો, જાણો સમીકરણ
‘દિગ્ગજ ખેલાડીઓ સાથે રમવું મારા માટે ભાગ્યશાળીની વાત’
ગીલે એમ પણ કહ્યું કે, ‘જ્યારે હું બાળક હતો, ત્યારે ભારતીય ટીમના મહાન ખેલાડીઓ અને દિગ્ગજોથી પ્રોત્સાહિત થતો હતો. હું તેમાંથી ઘણા ખેલાડી સાથે રમવા માટે સક્ષમ થયો છું, તે મારા માટે ભાગ્યશાળીની વાત છે. વિરાટભાઈ અને રોહિત ભાઈ બંનેની શૈલી ઘણી બાબતે વિપરીત હતી, પરંતુ મારા માટે બંનેને એક સમાન લક્ષ્ય તરફ કામ કરતા જોવા પ્રેરણાદાયક હતું. જો તમે એક કેપ્ટન તરીકે જીતવા ઈચ્છો છો, તો તમારી શૈલી જુદી જુદી હોઈ શકે છે, પરંતુ તે બંને બહુ જ અલગ હતા, પરંતુ પોતપોતાની રીતે સમાન પણ હતા.’
‘વિરાટભાઈ આક્રમક, રોહિતભાઈ શાંત’
વિરાટભાઈ હંમેશા આક્રમક રહ્યા છે. તેઓ હંમેશા ભૂખ અને જનુન સાથે આગળ વધીને નેતૃત્વ કરતા ઈચ્છતા હતા. રોહિતભાઈ ખૂબ શાંત અને ટેકનિકલ રીતે આગળ વધતા હતા. તેઓ ખેલાડી સાથે ઘણી વખત ચર્ચા કરે છે કે, તેઓ તેમની પાસેથી શું ઈચ્છે છે. તેથી જ મે બંને પાસેથી તે ગુણો શીખ્યા છે. વિરાટભાઈ, રોહિતભાઈ અને અશ્વિનભાઈ જેવા લોકોએ આપણને ઘરથી દૂર પ્રવાસ કરીને મેચ અને શ્રેણી જીતવાની બ્લુપ્રિન્ટ આપી છે.
ઉલ્લેખનીય છે કે, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચની સિરીઝ યોજાવાની છે. આ સિરીઝની પ્રથમ મેચ 20 જૂને, બીજી મેચ બે જુલાઈએ, ત્રીજી મેચ 10 જુલાઈએ, ચોથી મેચ 23 જૂલાઈએ અને અંતિમ પાંચમી મેચ 31 જુલાઈએ રમાવાનીછે.