IPL 2025 : આ ત્રણ ટીમોની હારથી મુંબઈ માટે નંબર-1 બનવાનો માર્ગ મોકળો, જાણો સમીકરણ
IPL 2025 Points Table : મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આઈપીએલ-2025ની શરૂઆતમાં પાંચમાંથી ચાર મેચ હારી ગઈ હતી, જોકે હવે તેને પોઈન્ટ ટેબલમાં નંબર-1 બનવાની તક મલી છે. આઈપીએલમાં છેલ્લી ત્રણ મેચોમાં ગુજરાત ટાઈટન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સની હારે મુંબઈને નંબર-1 બનવાના દરવાજા ખોલી દીધા છે. મુંબઈ અને પંજાબ વચ્ચે જયપુર સ્ટેડિયમમાં 26 મેએ મુકાબલો થવાના છે. જો મુંબઈએ ટોપ-2માં આવવું હોય તો તેણે આ મેચ જીતવી પડશે. ત્યારબાદ મુંબઈએ બાકીની ત્રણ ટીમોના પરિણામ પર નિર્ભર રહેવું પડશે.
મુંબઈની ટીમને પોઈન્ટ ટેબલમાં આવી રીતે નંબર-1 બનવાની તક
જો મુંબઈ ઈન્ડિયન્સે (Mumbai Indians) આઈપીએલ-2025 પોઈન્ટ ટેબલમાં નંબર-1 પર આવવું હોય તો સૌપ્રથમ તેણે તેની લીગ સ્ટેજની છેલ્લી મેચ જીતવી પડશે. મુંબઈ અત્યાર સુધીમાં કુલ 13 રમી છે, જેમાં તેનો આછમાં વિજય અને પાંચમાં પરાજય છે. તે પોઈન્ટ ટેબલમાં 16 પોઈન્ટ સાથે ચોથા ક્રમાંકે છે. જો મુંબઈ પંજાબ કિંગ્સ (Punjab Kings) હરાવવામાં સફળ જશે તો તેના 18 પોઈન્ટ થઈ જશે અને 17 પોઈન્ટ સાથે બીજા સ્થાને રહેનારી પંજાબ મુંબઈ કરતા પાછળ જતી રહેશે.
ત્યારબાદ મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઈટન્સ (Gujarat Titans) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (Royal Challengers Bangalore)ની હારની પ્રાર્થના કરવાની રહેશે. જો GT અને RCB પોતપોતાની છેલ્લી મેચ હારી જાય તો મુંબઈ નંબર-1 બની શકે છે.
આ બંને ટીમોની હાર થાય તો મુંબઈ અને ગુજરાતના 18-18 પોઈન્ટ થઈ જશે અને શ્રેષ્ઠ રનરેટના કારણે મુંબઈ પ્રથમ સ્થાને આવી જશે.
જો ગુજરાત તેની છેલ્લી મેચ જીતી જાય તો શું થશે?
આજે ગુજરાત ટાઈટન્સ ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) સામે રમશે. જો ગુજરાત આ મેચ જીતી જાય તો પણ મુંબઈ પાસે ટોપ-2 માં સ્થાન મેળવવાની તક રહેશે. આ માટે મુંબઈએ તેની છેલ્લી મેચ જીત્યા પછી બેંગલુરુની હાર માટે પ્રાર્થના કરવી પડશે. જો બેંગલુરુ તેની છેલ્લી મેચ હારી જાય છે, તો તેઓ 17 પોઈન્ટ પર અટકી જશે અને મુંબઈ 18 પોઈન્ટ સાથે ટોપ-2 માં પોતાનું સ્થાન બનાવશે.