Sports

સચિન તેંડૂલકરનો વર્લ્ડ રેકોર્ડ તૂટ્યો, ઝિમ્બાબ્વેના બેટરે ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં રચ્યો ઈતિહાસ

By GS Team
15 Sep 20262 mins read
TukuTouch Logo
ઝિમ્બાબ્વેના બેટ્સમેન બ્રેન્ડન ટેલરે હરારેમાં ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ વનડે રમતા સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો છે. 22 વર્ષ અને 146 દિવસની વનડે કારકિર્દી સાથે, ટેલર હવે સૌથી લાંબી વનડે કારકિર્દી ધરાવતો ખેલાડી બન્યો છે. તેણે સચિનના 22 વર્ષ અને 91 દિવસના રેકોર્ડને પાછળ છોડ્યો. 2004માં ડેબ્યૂ કરનાર ટેલરે નિવૃત્તિ અને પ્રતિબંધ બાદ 40 વર્ષની વયે પુનરાગમન કર્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સચિન તેંડૂલકરનો વર્લ્ડ રેકોર્ડ તૂટ્યો, ઝિમ્બાબ્વેના બેટરે ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં રચ્યો ઈતિહાસ

Brendan Taylor Breaks Sachin Tendulkar Record : ઝિમ્બાબ્વેના અનુભવી બેટ્સમેન બ્રેન્ડન ટેલરે ક્રિકેટ જગતમાં નવો ઈતિહાસ રચી દીધો છે. મંગળવારે હરારે ખાતે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ વનડેમાં મેદાન પર ઉતરતાની સાથે જ તેણે ભારતના મહાન બેટ્સમેન સચિન તેંડુલકરનો સૌથી લાંબી વનડે કારકિર્દીનો મોટો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.

સચિન તેંડુલકરની સૌથી લાંબી વનડે કારકિર્દીનો રેકોર્ડ તૂટ્યો

બ્રેન્ડન ટેલર (Brendan Taylor) હવે પુરુષ વનડે ક્રિકેટના ઈતિહાસમાં સૌથી લાંબી કારકિર્દી ધરાવતો ખેલાડી બની ગયો છે. તેની વનડે કારકિર્દી 22 વર્ષ અને 146 દિવસની થઈ ગઈ છે. અગાઉ આ રેકોર્ડ સચિન તેંડુલકર (Sachin Tendulkar)ના નામે હતો, જેની વનડે કારકિર્દી 22 વર્ષ અને 91 દિવસ સુધી ચાલી હતી. આ રેકોર્ડ મામલે ટેલરે સચિનને લગભગ 55 દિવસ પાછળ છોડી દીધો છે. ટેલરે 2004માં ડેબ્યૂ કર્યું હતું અને 40 વર્ષની વયે 207 વનડેમાં 11 સદી ફટકારી છે.

વનડે ક્રિકેટમાં સચિનના આ મોટા રેકોર્ડ હજુ પણ અકબંધ

આ રેકોર્ડ તૂટવા છતાં વનડે ફોર્મેટમાં સચિનના ઘણા મોટા રેકોર્ડ તૂટ્યા નથી. તેઓ વનડે ક્રિકેટમાં સૌથી વધુ 18,426 રન બનાવનારા બેટ્સમેન છે અને સૌથી વધુ 463 મેચ રમવાનો અનોખો રેકોર્ડ પણ તેમના નામે જ છે. જોકે, સૌથી લાંબી વનડે કારકિર્દીનો તાજ હવે ઝિમ્બાબ્વેના અનુભવી બેટ્સમેનના શિરે સજી ચૂક્યો છે.

નિવૃત્તિ અને પ્રતિબંધ બાદ આ રીતે થઈ વાપસી

ટેલરે 2021માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી. ત્યારબાદ 2022માં ICCના એન્ટિ-કરપ્શન અને એન્ટિ-ડોપિંગ કોડના ઉલ્લંઘનનો દોષી ઠર્યા બાદ તેના પર સાડા ત્રણ વર્ષનો પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. સસ્પેન્શન પૂર્ણ કર્યા બાદ તેણે 2025માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પુનરાગમન કર્યું હતું. ઝિમ્બાબ્વે દક્ષિણ આફ્રિકા અને નામિબિયા સાથે 2027ના વનડે વર્લ્ડ કપની સહ-મેજબાની કરવા જઈ રહ્યું હોવાથી તેણે ટીમમાં પરત ફરવાનો નિર્ણય કર્યો હતો.

ઓસ્ટ્રેલિયા સામે 12 વર્ષ બાદ મુકાબલો

હરારેમાં રમાઈ રહેલી આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઝિમ્બાબ્વેની ધરતી પર બંને ટીમો વચ્ચે 12 વર્ષ બાદ આ પ્રથમ વનડે રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયન કેપ્ટન મિશેલ માર્શ (Mitchell Marsh) તે ત્રણ ખેલાડીઓમાંથી એક છે, જેઓ 2014માં બંને ટીમો વચ્ચે રમાયેલી છેલ્લી વનડેમાં પણ રમ્યા હતા અને હવે 12 વર્ષ બાદ ફરી આ ઐતિહાસિક મેચનો ભાગ બન્યા છે.